જીએસટીની આવક ઘટવાનો છે અંદાજ છે

27 May, 2021 11:44 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

રાજ્યોની નુકસાનની ભરપાઈ કરવા માટે કેન્દ્ર સરકારે કદાચ વધુ કરજ લેવું પડશે

જીએસટી

કેન્દ્ર સરકારે જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ)ની આવકમાં થયેલા ઘટાડાને પગલે રાજ્યોને થનારી નુકસાનીની ભરપાઈ કરવા માટે વધુ કરજ લેવું પડી શકે છે. વર્તમાન નાણાકીય વર્ષમાં સરકારે આશરે ૧.૫૮ લાખ કરોડ રૂપિયાનું વધારાનું કરજ લેવું પડી શકે છે, એમ સૂત્રોએ જણાવ્યું છે. 

રાજ્યોને કરવાની નુકસાન ભરપાઈના તથા અન્ય મુદ્દાઓની ચર્ચા કરવા માટે જીએસટી કાઉન્સિલની બેઠક શુક્રવારે મળવાની છે. રાજ્યોને જીએસટી લાગુ કરવાને કારણે આવકમાં થનારા નુકસાનની ભરપાઈ કેન્દ્ર સરકારે કરી આપવાનું નક્કી કર્યું છે. રાજ્યોને ૨.૭ લાખ કરોડ રૂપિયા ચૂકવવાના નીકળશે એવો અંદાજ છે. તેની સામે કેન્દ્રને ફક્ત ૧.૧ લાખ કરોડ રૂપિયાની જ આવક થવાનું અનુમાન છે. 

આ બાબતે નાણાં મંત્રાલયના પ્રવક્તાનો સંપર્ક કરવાનો પ્રયત્ન થયો હતો, પરંતુ સંપર્ક થઈ શક્યો નહોતો. કેન્દ્રને કોરોનાના બીજા મોજાને કારણે કરવેરાની આવક ઓછી થશે એવો અંદાજ છે. 

કેન્દ્ર સરકારે વર્તમાન નાણાકીય વર્ષના બજેટમાં ૧૨ લાખ કરોડ રૂપિયા કરતાં વધુ કરજ લઈને રાજકોષીય ખાધ ઘટાડવાનો પ્રયાસ કર્યો છે. રાજ્યોને આપવાનાં નાણાં માટે વધારાનું કરજ લેવું પડશે. 

ગયા વર્ષે પણ સરકારે રાજ્યો વતી ૧.૧ લાખ કરોડ રૂપિયાનું કરજ લીધું હતું. આ વર્ષે વધારાનું કેટલું કરજ લેવું પડશે તેનો નિર્ણય રિઝર્વ બૅન્ક અને રાજ્યો સાથે ચર્ચા કર્યા બાદ લેવામાં આવશે, એમ સૂત્રોએ કહ્યું છે. 

એમ તો ગયા એપ્રિલથી સતત સાત મહિના સુધી જીએસટીની આવક ૧ લાખ કરોડ રૂપિયા કરતાં વધારે રહી છે, પરંતુ હાલમાં મોટા ભાગનાં રાજ્યોમાં પ્રાદેશિક લૉકડાઉન હોવાથી આવક ઘટવાની આશંકા છે. 

જીએસટી : કરચોરીની શક્યતા ધરાવતાં ક્ષેત્રોમાં કર લાગુ કરવાની શક્યતા વિશે સમિતિ વિચાર કરશે

જીએસટીની કરચોરી થવાની શક્યતા રહેલી હોય એવાં ક્ષેત્રોમાં જીએસટી લાગુ કરવાની શક્યતા વિશે રાજ્યોના પ્રધાનોની સમિતિ ચર્ચા-વિચારણા કરવાની છે. આ ક્ષેત્રોમાં પાનમસાલા, ગુટકા અને ઈંટની ભઠ્ઠીઓનો સમાવેશ થાય છે. આ ચીજવસ્તુઓ પર ઉત્પાદનની ક્ષમતાના આધારે કરવેરો લાગુ કરવા બાબતે વિચારણા થશે. ઓડિશાના નાણાપ્રધાન નિરંજન પૂજારીના વડપણ હેઠળ સાત સભ્યોની આ સમિતિ મેન્થા તેલ પર રિવર્સ ચાર્જ આધારે જીએસટી લાગુ કરવાની શક્યતા વિશે પણ વિચાર કરશે અને છ મહિનાની અંદર પોતાનો અહેવાલ જીએસટી કાઉન્સિલને સુપરત કરશે. કહેવાય છે કે પાનમસાલા જેવી વસ્તુઓમાં કરવેરાની ચોરી થવાની શક્યતા રહે છે, કારણ કે એ નાની પડિકીના સ્વરૂપે મળે છે અને મોટા ભાગે રોકડેથી જ એની ખરીદી થાય છે. ઉક્ત સમિતિના અન્ય સભ્યોમાં દિલ્હીના નાયબ મુખ્ય પ્રધાન મનીષ સિસોદિયા, હરિયાણાના નાયબ મુખ્ય પ્રધાન દુશ્યંત ચૌટાલા, કેરળના નાણાપ્રધાન કે. એન. બાળગોપાલ, મધ્ય પ્રદેશના નાણાપ્રધાન જગદીશ દેવડા, ઉત્તર પ્રદેશના નાણાપ્રધાન સુરેશ ખન્ના અને ઉત્તરાખંડના કૃષિપ્રધાન સુબોધ ઉનિયાલનો સમાવેશ થાય છે. 

business news goods and services tax