સપ્ટેમ્બર ​મહિનામાં વસૂલાયેલો જીએસટી છ મહિનામાં સૌથી વધુ

02 October, 2020 03:27 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સપ્ટેમ્બર ​મહિનામાં વસૂલાયેલો જીએસટી છ મહિનામાં સૌથી વધુ

જીએસટી

ચાલુ નાણાકીય વર્ષમાં ઑગસ્ટ મહિનામાં ભરવાપાત્ર પણ કેન્દ્ર અને રાજ્યોની તિજોરીમાં સપ્ટેમ્બરમાં જમા કરવામાં આવેલા જીએસટીની આવક છેલ્લા છ મહિનામાં સૌથી વધુ જોવા મળી છે. સપ્ટેમ્બરમાં જમા થયેલો કુલ જીએસટી ૯૫,૪૮૦ કરોડ રૂપિયા છે, જે આગલા મહિના કરતાં ૧૦ ટકા અને ગયા વર્ષના સપ્ટેમ્બર કરતાં ૪ ટકા વધારે છે, એમ નાણામંત્રાલયની એક યાદીમાં જણાવ્યું છે.

ભારતમાં ૨૫ માર્ચથી લૉકડાઉનનો અમલ કરવામાં આવ્યો હતો અને એનો કડક અમલ ૬૮ દિવસ સુધી ચાલ્યો હતો. લૉકડાઉનમાં વિવિધ પ્રવૃત્તિઓ પર નિયંત્રણ જોવાના કારણે મે, જૂન અને જુલાઈમાં એકત્ર થયેલ ટૅક્સ અને એની ભરપાઈ માટે ૫ કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા વેપારીઓએ તેની ભરપાઈ સપ્ટેમ્બરમાં કરવાની છૂટ આપવામાં આવી હતી એટલે ગઈ કાલે જાહેર થયેલા આંકડામાં એનો પણ સમાવેશ થાય છે એ નોંધવું જોઈએ.
જોકે, લૉકડાઉનના કારણે આર્થિક પ્રવૃત્તિ બંધ થઇ જતાં કેન્દ્રની જીએસટીની આવકમાં પ્રથમ છ મહિનામાં ૨૫ ટકાનો ઘટાડો જોવા મળ્યો છે. એપ્રિલથી સપ્ટેમ્બર ૨૦૧૯માં આવક ૬,૦૬,૨૯૪ કરોડ રૂપિયા હતી જે આ વર્ષે ઘટીને માત્ર ૪,૫૪,૫૯૧ કરોડ રૂપિયા થઈ છે.

business news goods and services tax