જૂનમાં જીએસટીની આવક 90,917 કરોડ રૂપિયા

02 July, 2020 01:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જૂનમાં જીએસટીની આવક 90,917 કરોડ રૂપિયા

જીએસટી

કોરોના વાઇરસના કારણે દેશમાં લૉકડાઉન લડવાની ફરજ પડી હતી અને તેના કારણે કેન્દ્ર સરકારની પરોક્ષ વેરાની આવકમાં જંગી ઘટાડો જોવા મળી રહ્યો છે. જૂન મહિનામાં સરકારે ૯૦,૯૧૭ કરોડ રૂપિયાની જીએએસટી આવક એકત્ર થઈ હોવાના આંકડા જાહેર કર્યા હતા. સામાન્ય રીતે આ આંકડા એવો સંકેત આપી રહ્યા છે કે દેશમાં આર્થિક વિકાસની ગાડી લૉકડાઉન ખૂલી ગયા પછી ફરી પાછી પાટે ચડી ગઈ છે. હકીકતે આ આંકડા અધૂરું ચિત્ર રજૂ કરી રહ્યા છે.

ભારતમાં તા. ૨૫ માર્ચથી તા.૨૧ મે સુધી દેશવ્યાપી લૉકડાઉન હતું અને પછી ધીમે ધીમે રાજ્યોમાં અલગ અલગ રીતે લૉકડાઉનનો અમલ થઈ રહ્યો છે. એપ્રિલના મધ્ય ભાગથી આર્થિક પ્રવૃત્તિઓ શરૂ કરવાની કેન્દ્ર સરકારે છૂટ આપી હતી પણ બજારો બંધ હોવાથી ઉત્પાદન ઉપર ભારે અસર પડી હતી.
નાણાકીય વર્ષ ૨૦૧૯-૨૦ના એપ્રિલ અને મે મહિનામાં ૨,૧૪,૧૫૪ કરોડ રૂપિયાની જીએસટીની કુલ આવક થઈ હતી. માર્ચ ૨૦૧૯, એપ્રિલ ૨૦૧૯ અને મે ૨૦૧૯ મળી કુલ આવક ૩,૧૯,૭૩૧ કરોડ રૂપિયાની આવક થઈ હતી. આ વર્ષે આવકમાં ૪૨ ટકાનો તોતિંગ ઘટાડો જોવા મળ્યો છે.

કેન્દ્ર સરકારે કોરોના વાઇરસની મહામારી દેશમાં ફેલાવાની શરૂ થઈ અને ધંધો, વ્યાપાર અને ઉદ્યોગો બંધ થવા શરૂ થયા એટલે રિટર્ન અને કર ભરવાની તારીખોમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. ફેબ્રુઆરી, માર્ચ અને એપ્રિલના રિટર્ન ફાઇલ કરવાની મુદત લંબાવી દેવામાં આવી હોવાથી આ આંકડાઓ પણ મે અને જૂનના કરમાં જોવા મળી રહ્યા છે એટલે જ કરની આવક વધારે જોવા મળી રહી છે.

૫ કરોડ રૂપિયાથી વધારાનું ટર્નઓવર ધરાવતા કરદાતાઓને એપ્રિલનો જીએસટી તા. ૨૪ જૂન સુધીમાં અને મે મહિનાનો જીએસટી તા. ૨૭ જૂન સુધી ભરવાની છૂટ આપવામાં આવી હતી. એવી જ રીતે ૫ કરોડ રૂપિયાથી ઓછું ટર્નઓવર ધરાવતા લોકોને એપ્રિલનો કર તા. ૯ જુલાઈ સુધીમાં અને મેનો કર તા. ૧૫ સપ્ટેમ્બર સુધી ભરવાની છૂટ આપવામાં આવી છે. એટલે કરની આવક દર મહિને વધી કે ઘટી એની સામે દરેક ક્વૉર્ટરમાં કેવી રહી તે રીતે આકલન કરવું જોઈએ. આ મુજબ સરકારની આવકમાં ધરખમ ઘટાડો જોવા મળી રહ્યો છે. એપ્રિલ મહિનામાં કેન્દ્રને માત્ર ૨૮ ટકા જ કર મળ્યો હતો, મે મહિનામાં માત્ર ૬૨ ટકા મળ્યો છે. પ્રથમ ક્વૉર્ટરમાં ગત વર્ષની આવક કરતાં ૫૮ ટકા જ કર મળ્યો છે એટલે કે ૪૨ ટકા કે ૧,૩૪,૫૧૧ કરોડ રૂપિયાની આવક ઓછી થઈ છે.

એવી પણ એક દલીલ છે કે આગળનાં વેચાણ (લૉકડાઉન પહેલાંના) અને પછી ધીમે ધીમે ઉદ્યોગો શરૂ થયા હોવાથી વેચાણનો ગાળો ૬૫ દિવસ જેટલો મોટો હોવાથી એપ્રિલ અને મેનો કર જૂનમાં ભરાયો અને તેના કારણે કરની આવક મોટી લાગી રહી છે. વેપારીઓ માટે હવે આગામી દિવસો વધારે મહત્ત્વના પુરવાર થશે. અત્યારે જે વ્યાપાર થઈ રહ્યો છે તેના વાસ્તવિક આંકડાઓ ઑગસ્ટથી આવવાના શરૂ થશે અને ત્યારે ચિત્ર સ્પષ્ટ થશે કે કેન્દ્ર અને રાજ્ય સરકારની કરની આવક વધી છે, ઘટી છે કે સ્થિર થઈ રહી છે. 

business news goods and services tax