ભારતમાં આવેલ સુસ્તી હંગામી, આગામી દિવસમાં તેજી જોવા મળશે : IMF

25 January, 2020 01:04 PM IST  |  Davos

ભારતમાં આવેલ સુસ્તી હંગામી, આગામી દિવસમાં તેજી જોવા મળશે : IMF

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ

ઇન્ટરનૅશનલ મૉનિટરી ફન્ડ (આઇએમએફ)નાં મૅનેજિંગ ડિરેક્ટર ક્રિસ્ટેલિના જ્યૉર્જિવાએ શુક્રવારે કહ્યું હતું કે ભારતના અર્થતંત્રમાં જીડીપી વૃદ્ધિદરમાં ઘટાડો અસ્થાયી છે અને આગામી દિવસોમાં એમાં સુધારો જોવા મળે એવી શક્યતા છે. જ્યૉર્જિવાએ કહ્યું કે ઑક્ટોબર, ૨૦૧૯માં આઇએમએફે જ્યારે વર્લ્ડ ઇકૉનૉમિક આઉટલૂક જારી કરવામાં આવ્યું હતું એ સમયની તુલનામાં હવે વિશ્વભરમાં સ્થિતિ સારી છે. તેમણે સ્વિટ્ઝરલૅન્ડના દાવોસમાં ચાલી રહેલા ગ્લોબલ સમિટ વર્લ્ડ ઇકૉનૉમિક ફોરમાં આ માહિતી આપી હતી. આ અગાઉ ૨૦ જાન્યુઆરીએ જારી આઉટલૂકમાં આઇએમએફે ભારતના જીડીપી ગ્રોથનો અંદાજ ૬.૧ ટકાથી ઘટાડીને ૪.૮ ટકા દર્શાવ્યો હતો.

જ્યૉર્જિવાનું કહેવું છે કે અમેરિકા-ચીન વચ્ચે વ્યાપાર વિવાદનો અંત આવતાં અને ટૅક્સ દરોમાં ઘટાડો થવા જેવાં સકારાત્મક કારણથી માહોલનું સર્જન થયું છે. જોકે વિશ્વ અર્થતંત્ર માટે ૩.૩ ટકા ગ્રોથ એટલો ઉત્સાહજનક કહી શકાય નહીં. અમે ઇચ્છીએ છીએ કે નાણાકીય નીતિઓ આક્રમક હોય અને માળખાગત સુધારા પર ધ્યાન આપવામાં આવે.

આઇએમએફના પ્રમુખે કહ્યું છે કે અમે ભારતના ગ્રોથનો અંદાજ ઘટાડ્યો છે. જોકે આ સ્થિતિ હંગામી જણાય છે. ભારત સાથે જ ઇન્ડોનેશિયા અને વિયેટનામ જેવા દેશોમાં પણ સ્થિતિમાં સુધારો થવાનો અંદાજ છે. આફ્રિકાના દેશમાં પણ સારું પ્રદર્શન રહ્યું છે. જોકે મેક્સિકો જેવા કેટલાક દેશોમાં સુધારો જોવા મળ્યો નથી.

business news