ઘર ખરીદદારો માટે મોટી ખુશખબર : કબજામાં વિલંબ બદલ વળતર મળશે

20 January, 2022 03:15 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જો બિલ્ડર વળતરની ચુકવણીમાં વિલંબ કરશે તો વાર્ષિક ૯ ટકાના દરે વ્યાજ ખરીદદારને ચૂકવવું પડશે

પ્રતીકાત્મક તસવીર

નૅશનલ કન્ઝ્યુમર ડિસ્પ્યુટ રિડ્રેસલ કમિશન (એનસીડીઆરસી)એ તાજેતરમાં એક ચુકાદામાં જણાવ્યું હતું કે ઘર ખરીદનાર પૂર્ણ અપાર્ટમેન્ટનો કબજો (પઝેશન) પ્રાપ્ત કરે ત્યાં સુધીના વિલંબ બદલ વળતર પ્રાપ્ત કરવાને પાત્ર છે.
બિલ્ડર અપૂર્ણ અપાર્ટમેન્ટ પઝેશન માટે ઑફર કરે એ વળતરની ગણતરીનો આધાર બની ન શકે, એમ ગ્રાહક અદાલતે નોંધીને કહ્યું હતું કે સંપૂર્ણ ચુકવણી કર્યા બાદ વ્યક્તિને અપાર્ટમેન્ટનો કબજો લેવાનું ન ગમે એ માની શકાય એમ નથી. સામાન્ય રીતે ખરીદદારો બિલ્ડરો વિરુદ્ધ કાનૂની કારવાઈ કરવાનું ટાળતા હોય છે. આ ચુકાદાથી ઘર ખરીદનારાઓને મોટી રાહત થઈ છે.
ડીએલએફ હોમ ડેવલપર્સના પ્રોજેક્ટમાં એક ફ્લૅટનું પઝેશન ન મળતાં વિકાસ મિત્તલે એનસીડીઆરસીમાં દાવો માંડ્યો હતો અને તેમાં જીત મેળવી હતી.
મિત્તલે સપ્ટેમ્બર ૨૦૦૯માં ડીએલએફના પ્રોજેક્ટમાં ફ્લૅટ બુક કરાવ્યો હતો અને તે વખતે ૭.૫ લાખ રૂપિયાની બુકિંગની રકમ ભરી હતી. કરાર થયા મુજબ ઘરનું પઝેશન ત્રણ વર્ષમાં સપ્ટેમ્બર, ૨૦૧૨માં આપવાનું હતું.
લગભગ પાંચ વર્ષના વિલંબ બાદ પઝેશન આપવામાં આવ્યું હતું એટલે અદાલતે બિલ્ડરને આદેશ આપ્યો કે ખરીદદારને તેણે જમા કરાવેલી રકમ પર વાર્ષિક ૬ ટકાનું વ્યાજ વિલંબ માટેના વળતર તરીકે ચૂકવવું. જો બિલ્ડર વળતરની ચુકવણીમાં વિલંબ કરશે તો વાર્ષિક ૯ ટકાના દરે વ્યાજ ખરીદદારને ચૂકવવું પડશે.

business news