નાણાખાધ વધશે, પણ તેના સીધા ફાઇનૅન્સ અંગે કોઈ નિર્ણય લીધો નથી:ગવર્નર દાસ

28 April, 2020 10:32 AM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

નાણાખાધ વધશે, પણ તેના સીધા ફાઇનૅન્સ અંગે કોઈ નિર્ણય લીધો નથી:ગવર્નર દાસ

ગવર્નર શક્તિકાન્તા દાસ

લૉકડાઉનના કારણે કેન્દ્ર સરકારની કરની આવક ઘટી રહી છે, આર્થિક વિકાસદર ધીમો પડી શકે એવી ચિંતા છે અને આ ઉપરાંત અર્થતંત્રને બેઠું કરવા માટે, નબળા પડેલા ક્ષેત્રોને મદદરૂપ થવા માટે કેન્દ્ર સરકારે પૅકેજ કરી, આર્થિક સહાય કરવાની ફરજ પડી છે એ સ્થિતિમાં બજેટમાં અંદાજિત કેન્દ્રની નાણાખાધ જીડીપીના ૩.૫ ટકા સામે વધી જાય તેવી શક્યતા છે. કેન્દ્ર સરકારે વધુ નાણાં અર્થતંત્રમાં ખર્ચ કરવા પડશે એટલે વધારે રકમ બજારમાંથી ઉપાડવી પડશે અને તેના કારણે બૅન્કોની ધિરાણશક્તિ ઘટી શકે છે એટલે એવી માગ થઈ રહી છે કે નાણાખાધને રિઝર્વ બૅન્કે વર્ષ ૧૯૯૮ સુધી થતું એમ સીધી પોતે જ મોનેટાઈઝ કરવી જોઈએ જેથી બૅન્કો જરૂર હોય એવા ક્ષેત્રોમાં સીધું ધિરાણ કરી શકે.

જોકે આ અંગે રિઝર્વ બૅન્કના ગવર્નર શક્તિકાન્તા દાસે સ્પષ્ટ જવાબ આપ્યો હતો કે આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી અને સ્થિતિ અનુસાર જ તે આગળ વધશે.

દેશમાં તા. ૨૫ માર્ચના રોજ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લૉકડાઉનની જાહેરાત કરી એ પછી પ્રથમ વખત એક ઇન્ટરવ્યુમાં ગર્વનર દાસે આમ જણાવ્યું હતું કે ‘વર્તમાન સ્થિતિમાં આ અંગે કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી. કામગીરી કરવાની અમારી ક્ષમતાના આધારે આ નિર્ણય લેવામાં આવશે. અમારી જરૂરિયાત રિઝર્વ બૅન્કની બેલેન્સ શીટને પણ સુદૃઢ રાખવાની છે અને તેની સાથે દેશમાં આર્થિક વિકાસ અને તેની પરિસ્થિતિ પણ સ્થિર રાખવાની અમારી પ્રાથમિક ભૂમિકા છે. નાણાખાધ વધે તો તેની ભરપાઈ કરવા માટે અમે દરેક વૈકલ્પિક રસ્તાઓ અંગે વિચારીશું’ એમ ગવર્નર દાસે કોજેન્સીસને આપેલી એક મુલાકાતમાં જણાવ્યું હતું.

નાણાખાધ અને કોરોના વાઇરસના કારણે ઊભા થયેલા આર્થિક પડકારો અંગે ગવર્નરે જણાવ્યું હતું કે ‘નાણાકીય પગલાં પણ એટલાં જ જરૂરી છે અને કેન્દ્ર સરકાર તેના ઉપર કામ કરી રહી છે. નાણાખાધ વધી શકે છે કે નહીં તેના પર નાણાપ્રધાન પણ ન્યાયિક રીતે વિચારણા કરશે. કેન્દ્ર સરકારે કેટલાંક પગલાંની જાહેરાત કરી છે અને કેટલીક રીતે પોતાનો ખર્ચ ઘટાડવાની પણ જાહેરાત થઈ છે. વર્તમાન સ્થિતિમાં નાણાખાધ બજેટના અંદાજ અનુસાર જીડીપીના ૩.૫ ટકા રહે તે એક પડકાર છે અને તે વધી શકે એવી શક્યતાઓ છે. કેન્દ્ર સરકારની જીએસટી અને આવકવેરાની આવક પણ ઘટી શકે છે.

આ ખાધ સીધી રીતે રિઝર્વ બૅન્ક ફાઇનૅન્સ કરે તેના ઉપર ચર્ચા ચાલી રહી છે. રિઝર્વ બૅન્ક માટે આવી ચર્ચાઓ નવી નથી. ભૂતકાળમાં આવી ચર્ચા થકી જ ટ્રેઝરી બિલ્સ બંધ કરવા, એફઆરબીએમ અૅક્ટ કે મોનેટરી પૉલિસી કમિટી જેવી ચીજો ફળસ્વરૂપે મળી છે. અમે અત્યારે વર્તમાન પરિસ્થિતિમાં કોઈ નિર્ણય લીધો નથી. જે રીતે સ્થિતિ ઊભી થશે એ પ્રમાણે દરેક વિકલ્પ ઉપર ચર્ચા કરી યોગ્ય નિર્યણ લેવામાં આવશે’ એમ ગવર્નર દાસે જણાવ્યું હતું. 

business news reserve bank of india