સરકારી ઑઇલ કંપનીઓએ દિલ્હી ચૂંટણીઓ પછી ભાવવધારો જનતાને માથે ઝીંક્યો

13 February, 2020 10:52 AM IST  |  Mumbai Desk

સરકારી ઑઇલ કંપનીઓએ દિલ્હી ચૂંટણીઓ પછી ભાવવધારો જનતાને માથે ઝીંક્યો

સરકારી ઑઈલ કંપનીઓએ બુધવારે રાંધણ ગૅસનો વપરાશ કરનારાઓને ભારે આંચકો આપીને ભાવમાં સબસિડી વગરના રાંધણ ગૅસમાં એકસાથે ૧૪૪.૫ રૂપિયા પ્રતિ સિલિન્ડર વધારી દીધા છે, જે જાન્યુઆરી- ૨૦૧૪ બાદ રાંધણ ગૅસના ભાવમાં આ સૌથી મોટો વધારો છે. તે વખતે રાંધણ ગૅસના ભાવ ૨૨૦ રૂપિયા વધ્યા હતા અને પ્રતિ સિલિન્ડરનો ભાવ ૧૨૪૧ રૂપિયા થયો હતો. સરકારી કંપનીઓએ આ જંગી ભાવવધારા માટે એવો બચાવ કર્યો હતો કે આતંરરાષ્ટ્રીય બજારમાં ભાવમાં તેજી આવવાના પગલે આ નિર્ણય લેવામાં આવ્યો છે. હવે ૧૪.૨ કિલોગ્રામવાળા એલપીજી સિલિન્ડરના ભાવ ૭૧૪ રૂપિયા પ્રતિ સિલિન્ડરથી વધીને ૮૫૮.૫૦ રૂપિયા પ્રતિ સિલિન્ડર થઈ ગયા છે.
પ્રાપ્ત માહિતી અનુસાર સરકાર દ્વારા સંચાલિત ઑઇલ માર્કેટિંગ કંપનીઓએ આજે બિન-સબસિડીવાળા લિક્વિફાઇડ પેટ્રોલિયમ ગૅસ (એલપીજી) સિલિન્ડરના ભાવમાં તીવ્ર વધારો કર્યો છે જે ઘણા મહિનાઓમાં છઠ્ઠો વધારો છે. નવા દર આજથી લાગુ પડ્યા છે.
ઇન્ડિયન ઑઈલની વેબસાઈટ પર મુકાયેલી માહિતી દર્શાવે છે કે કંપની રોજ ૩૦ લાખ સિલિન્ડરો ગ્રાહકોને પૂરા પાડે છે, ૧૪.૨ કિલોના બિન-સબસિડીવાળા એલપીજી સિલિન્ડરના નવા ભાવ જાહેર થયા છે જેમાં નવી દિલ્હીમાં નવો ભાવ ૮૫૮.૫ રૂપિયા છે. કલકત્તામાં ૧૪૪.૫. કલકત્તામાં ૧૪૯ રૂપિયાના વધારા સાથે નવો ભાવ ૮૯૬ રૂપિયા, મુંબઇમાં ૧૪૫ સાથે નવો ભાવ હવે ૮૨૯,૫ અને ચેન્નઈમાં ૧૪૭ના વધારા સાથે નવો ભાવ હવે ૮૮૧ રૂપિયા છે. ઇન્ડેન કંપની દ્વારા ૧૧ કરોડ ઘરોમાં રાંધણ ગૅસનો પુરવઠો પહોંચાડવામાં આવે છે.
ફ્યુઅલ રિટેલરો દર મહિને એલપીજી સિલિન્ડરના ભાવમાં વધારો કે ઘટાડો કરે છે, પરંતુ આ વધારો સતત છઠ્ઠો વધારો છે. સરકારી ઑઇલ કંપનીઓ દ્વારા એક તરફ પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો કરાયો છે તો બીજી તરફ સબસિડી વગરના રાંધણ ગૅસના ભાવમાં ભારે મોંઘવારીમાં પિસાતી પ્રજા પર જંગી વધારો ઝીંક્યો છે. નોંધનીય છે કે દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં મોંઘવારી અને સુસ્ત આર્થિક સ્થિતિનો પણ એક મુદ્દો રહ્યો હતો. યોગાનયોગ દિલ્હીના પરિણામો બાદ આ જંગી વધારો કરાયો છે.
સૂત્રોએ કહ્યું કે ભારતમાં એલપીજી સિલિન્ડરની કિંમત મુખ્યત્વે બે પરિબળો પર આધારિત છે - એલપીજીનો આંતરરાષ્ટ્રીય બેંચમાર્ક દર અને યુએસ ડૉલર અને રૂપિયાના વિનિમય દર.
બળતણ રિટેલરો બજારના ભાવે એલપીજી સિલિન્ડર વેચે છે પરંતુ સરકાર પ્રત્યેક ઘર માટે સબસિડી આપીને દર વર્ષે ૧૨ સિલિન્ડરો રાહતના ભાવે આપે છે. એક વર્ષમાં ૧૨ કરતાં વધુ સિલિન્ડરના વપરાશ પર તે પછીના સિલિન્ડર પર સબસિડી મળતી નથી અને બજાર ભાવે બાટલો લેવો પડે છે. જોકે તેનો આધાર વપરાશ પર છે.

business news new delhi