ઘઉંની પ્રોડક્ટ્સ પર નિકાસબંધીની અફવા બાબતે સરકારનો સ્પષ્ટ રદિયો

21 June, 2022 02:54 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ઘઉંની પ્રોડક્ટ્સની નિકાસ આગળ જતાં વધુ પ્રમાણમાં વધશે તો સરકાર વિચારશે

પ્રતીકાત્મક તસવીર

આટા-મેંદા સહિતની ઘઉંની પ્રોડક્ટ્સ પર સરકારની નિકાસ બંધ કરવા વિશે કોઈ જ વિચારણા નથી. એક વરિષ્ઠ સરકારી અધિકારીએ જણાવ્યું હતું કે સરકાર ઘઉંનાં ઉત્પાદનોના નાશવંત સ્વભાવને કારણે નજીકના ભવિષ્યમાં એની નિકાસ પર પ્રતિબંધ મૂકવાનું વિચારી રહી નથી.

જોકે  જો આવા ઉત્પાદનોની નિકાસમાં વધુ વધારો થાય છે જે સ્થાનિક પુરવઠો અને કિંમતોને અસર કરે છે, તો આ મુદ્દા પર ફરીથી વિચાર કરી શકાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.
સરકાર તમામ કૉમોડિટીઝ પર નજર રાખી રહી છે અને જો નિકાસમાં અસામાન્ય ઉછાળો આવે તો કોઈ પણ પગલાં લઈ શકાય છે, એમ અધિકારીએ જણાવ્યું હતું.

દેશમાંથી વીતેલા નાણાકીય વર્ષમાં કુલ ૫.૬૦ લાખ ટન આટા-મેંદા સહિતની પ્રોડક્ટ્સની નિકાસ થઈ હતી, જેની તુલનાએ એપ્રિલ અને મે મહિનામાં મળીને કુલ ૨.૭૦ લાખ ટનની નિકાસ થઈ છે, જે ગત વર્ષની કુલ નિકાસની તુલનાએ અડધોઅડધ ભાગ છે.

આ ખાસ કરીને આઘાતજનક છે, કારણ કે સ્થાનિક બજારમાં એની ઉપલબ્ધતા સુનિશ્ચિત કરવા અને ભાવમાં તીવ્ર વધારો અટકાવવા માટે સરકારે ૧૩ મેએ ઘઉંની નિકાસ પર પ્રતિબંધની જાહેરાત કરી હતી. જોકે હવે એની પ્રોડક્ટ્સની નિકાસ વધે અને ઘઉંના ભાવ ઊંચકાય તો સરકાર એની નિકાસ પર નિયંત્રણ વિશે વિચારણા કરી શકે છે.

ઘઉંના ઉત્પાદનોની નિકાસમાં તીવ્ર વધારો થયો હોવા છતાં સરકારે આવા ઉત્પાદનોના પ્રમાણમાં ટૂંકા શેલ્ફ લાઇફને કારણે પ્રતિબંધની જાહેરાત કરવાનું બંધ કર્યું છે, એમ અધિકારીએ જણાવ્યું હતું. ઘઉંની પ્રોડક્ટ્સની જગ્યાએ ઘઉંનું આયુષ્ય વધારે હોય છે.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા દ્વારા હાથ ધરવામાં આવેલા એક અભ્યાસ અનુસાર, જો સમયાંતરે જંતુ નિયંત્રણનાં પગલાં લેવામાં આવે તો ઘઉંને ત્રણ વર્ષના સમયગાળા સુધી ગોડાઉનમાં અને કવર અને પ્લિન્થ હેઠળ બંને જગ્યાએ જ્યુટ બૅગમાં સંગ્રહિત કરી શકાય છે. પરિણામે સરકાર એની પ્રોડક્ટ્સની નિકાસ પર રાતોરાત પ્રતિબંધ કરવાનું ટાળશે.

business news