Air India નહીં થાય નવી ભરતી અને પ્રમોશન, સરકારનો આદેશ

22 July, 2019 03:54 PM IST  |  દિલ્હી

Air India નહીં થાય નવી ભરતી અને પ્રમોશન, સરકારનો આદેશ

એર ઈન્ડિયાના ખાનગીકરણની ચર્ચા વચ્ચે સરકારે કંપનીમાં મોટા પાયે નવી નિમણૂક અને પ્રમોશન અટકાવવા આદેશ આપ્યા છે. જો ખૂબ જરૂરી હોય તો પ્રોફેશનલ સ્તર પર ફક્ત નવી ફ્લાઈટ શરૂ કરવા માટેની પરવાનગી અપાઈ છે

એક આધારભૂર સૂત્ર દ્વારા મળતી માહિતી પ્રમાણે,'આ નિર્દેશ લગભગ એક સપ્તાહ પહેલા જ આવ્યો છે. જે મુજબ આગામી ખાનગીકરણને જોતા કોઈ મોટું પગલું લેવાનું નથી. આ પ્રમાણે નવી ભરતી અને પ્રમોશન પણ અટકાવી દેવાશે.' એર ઈન્ડિયાને આ આદેશ રોકાણ અને જનસંપત્તિ પ્રબંધન વિભાગે આપ્યો છે.

ઉલ્લેખનીય છે કે કેન્દ્ર સરકારના છેલ્લા કાર્યકાળમાં સરકારે એર ઈન્ડિયા માટે ખરીદદાર નહોતા મળ્યા. જો કે આ વખતે મોદી સરકાર એર ઈન્ડિયાના ખાનગી કરણ માટે યુદ્ધના ધોરણે કામ કરી રહી છે. સરકારે ખાનગીકરણની પ્રક્રિયા માટે નિર્ણય લેનાર મંત્રીઓના સમૂહને બીજી વખત બનાવી છે. કન્સલ્ટિંગ ફર્મ EY પહેલાથી જ ખાનગી બોલી લગાવનાર લોકોને આમંત્રણ આપવા માટે જાહેરાતને આખરી રૂપ આપવા તૈયારી કરી રહી છે.

આ પણ વાંચોઃ પેમેન્ટ બેંકોની હાલત ચિંતાજનક, આદિત્ય બિરલા ગ્રુપે બંધ કરવાનું કર્યું એલાન

એર ઈન્ડિયાના એક વરિષ્ઠ અધિકારીના કહેવા પ્રમાણે,'આ વખતે ખાનગીકરણને લઈ કોઈ શંકા નથી. જે રીતે પરિસ્થિતિ બદલાઈ રહી છે. આ કંપનીનો માલિક હક કોઈ ખાનગી કંપનીને મળવાનો જ છે.' એર ઈન્ડિયા પર કુલ 58 હજાર કરોડનું દેવું છે. રાષ્ટ્રીય ઉડ્ડયન કંપનીનું નુક્સાન 70 હજાર કરોડ છે. આ વર્ષે 31 માર્ચે પૂરા થયેલા નાણાકીય વર્ષમાં આ કંપની 7,600 કરોડનું નુક્સાન કરી ચૂકી છે. નાગરિક ઉડ્ડયન મંત્રી હરદીપ સિંહ પુરીએ કહ્યું હતું કે એર ઈન્ડિયાને બચાવવા માટે ખાનગી કરણ જરૂરી છે.

air india business news