ઈ-કૉમર્સ વિશેના પ્રસ્તાવિત નિયમો અંગે  સરકારમાં મતમતાંતર છે : અધિકારીઓ

23 September, 2021 02:07 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

અધિકારીએ કહ્યું હતું કે સરકારની વર્તમાન ઈ-કૉમર્સ નીતિ નાના વેપારીઓને નુકસાન પહોંચાડી રહી હોવાનો ડર વિનાકારણે ફેલાવવામાં આવી રહ્યો છે. 

પ્રતિકાત્મક તસવીર

ગ્રાહક બાબતોના મંત્રાલયે સૂચવેલા ઈ-કૉમર્સના નિયમોના મુસદ્દા બાબતે સરકારમાં નોંધપાત્ર મતભેદ છે, એમ ટોચના એક સરકારી અધિકારીએ બુધવારે કહ્યું હતું. તેમણે ચિંતા વ્યક્ત કરતાં કહ્યું હતું કે નીતિમાં સતત ફેરફાર કરાવાને પગલે ઘણી અનિશ્ચિતતા સર્જાય છે.
અધિકારીએ કહ્યું હતું કે સરકારની વર્તમાન ઈ-કૉમર્સ નીતિ નાના વેપારીઓને નુકસાન પહોંચાડી રહી હોવાનો ડર વિનાકારણે ફેલાવવામાં આવી રહ્યો છે. 
નામ જાહેર નહીં કરવાની શરતે અધિકારીએ કહ્યું હતું કે ગેરમાર્ગે દોરનારા ફલેશ સેલ્સ અને મિસસેલિંગ પર પ્રતિબંધ તથા મુખ્ય અનુપાલન અધિકારી/તકરાર નિવારણ અધિકારીની નિમણૂક એ મુખ્ય સુધારાઓ કન્ઝ્યુમર પ્રોટેક્શન (ઈ-કૉમર્સ) રૂલ્સ, ૨૦૨૦માં સૂચવવામાં આવ્યા છે.  
મંત્રાલયે છઠ્ઠી જુલાઈ સુધીમાં નિયમોના મુસદ્દા બાબતે જાહેર જનતા પાસેથી ટિપ્પણીઓ મગાવી હતી અને પછીથી આ સમયમર્યાદા વધારીને ૨૧ જુલાઈ સુધીની કરી હતી.
અધિકારીએ જણાવ્યું હતું કે સ્પર્ધા સંબંધિત મુદ્દો ગ્રાહક બાબતોના મંત્રાલય હેઠળ આવતો નથી. એ મુદ્દો કૉમ્પિટિશન કમિશન ઑફ ઇન્ડિયા (CCI) હેઠળ આવે છે.
તેમણે જણાવ્યું હતું કે અંદાજિત સાત કરોડ વેપારીઓમાંથી ૮૫ ટકા વેપારીઓ ઘણા નાના સ્તરના છે અને વર્તમાન ઈ-કૉમર્સ નીતિનો લાભ મેળવી રહ્યા છે.
ઈ-કૉમર્સનું આધુનિકીકરણ વધુ નોકરીઓ અને આર્થિક વૃદ્ધિ લાવશે તથા ૮૫ ટકા નાના વેપારીઓને નફો વધારવામાં સહાયક બનશે, એમ આ અધિકારીએ જણાવ્યું હતું.
તાજેતરમાં ગ્રાહક સંબંધી બાબતોના સચિવ લીના નંદને જણાવ્યું હતું કે નિયમોમાં સૂચિત સુધારાને આખરી ઓપ આપતી વખતે સરકાર ‘સંતુલિત’ અભિગમ અપનાવશે,
કારણ કે હિસ્સેદારો પાસેથી ‘વ્યાપક અને વૈવિધ્યસભર’ ટિપ્પણીઓ પ્રાપ્ત થઈ છે. 

business news