ઘઉંની એમએસપીથી થતી ખરીદી લક્ષ્યાંકના 80 ટકા પૂરી

13 May, 2021 12:24 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

સરકારી એજન્સીઓએ દેશમાંથી ૩૩૮ લાખ ટન ઘઉંની ખરીદી કરી

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ઘઉંની સરકારી ખરીદીમાં આ વર્ષે બહુ મોટો વધારો થયો છે અને દેશમાં લૉકડાઉન જેવી સ્થિતિ અનેક રાજ્યોમાં હોવાથી ખેડૂતો મોટા ભાગના ઘઉં સરકારની એજન્સીઓને જ એમએસપી (મિનિમમ સપોર્ટ પ્રાઇસ)થી આપી રહ્યા છે, જેને પગલે દેશની કુલ ખરીદીના ૮૦ ટકા ખરીદી પૂરી થઈ ગઈ છે, જ્યારે ઘઉંની ખરીદીનો સમય હજી દોઢ મહિના જેવો બાકી છે.

ફૂડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયાના ચૅરમૅન અતીશ ચંદ્રાએ જણાવ્યું હતું કે ઘઉંની કુલ ખરીદી ૩૩૭ લાખ ટનની થઈ છે, જે ગત વર્ષે ૨૮૦ લાખ ટનની થઈ હતી. સરકારનો કુલ ૪૨૭ લાખ ટનનો લક્ષ્યાંક છે જેની તુલનાએ ૮૦ ટકા ખરીદી પૂર્ણ થઈ ચૂકી છે. ઘઉંની ખરીદી પેટે ખેડૂતોને કુલ ૪૯,૯૬૫ કરોડ રૂપિયા ચૂકવવાના છે, જેની તુલનાએ ૩૫,૦૦૦ કરોડ રૂપિયાની ચુકવણી પૂર્ણ થઈ ચૂકી છે. આશરે ૩૪ લાખ ખેડૂતોએ આ યોજનાનો લાભ લીધો છે, જે ગત વર્ષે ૨૮.૧ લાખ ખેડૂતોએ લીધો હતો.

દેશમાં ઘઉંની ખરીદી પેટે જે કુલ રકમ ચૂકવવાની છે, જેમાંથી ૬૬ ટકા માત્ર અને પંજાબના ખેડૂતો છે, આમ ઘઉંની એમએસપીથી ખરીદીનો સૌથી મોટો લાભ માત્ર આ બે રાજ્યોના ખેડૂતોને જ મળ્યો છે.

business news