મહિલાઓના જીવન વીમા વિશે આ વાતો સમજી લીધેલી સારી!

14 April, 2021 02:30 PM IST  |  Mumbai | Priyanka Acharya

નાણાકીય નિર્ણયો અને એને લગતા દસ્તાવેજો બનાવવાનું કામ મુખ્યત્વે પુરુષો જ કરતા હોય છે

પ્રતીકાત્મક તસવીર

આજકાલ લગ્નોચ્છુક ઘણા યુવાનો જીવનસાથી તરીકે નોકરી કરનારી યુવતીને પસંદ કરે છે. આમ છતાં, પરિવારની નાણાકીય બાબતોનો મુદ્દો આવે ત્યારે પુરુષો જ એ સંભાળતા હોય છે. નાણાકીય નિર્ણયો અને એને લગતા દસ્તાવેજો બનાવવાનું કામ મુખ્યત્વે પુરુષો જ કરતા હોય છે. જીવન વીમાની વાત કરીએ તો, મહિલાઓ અહીં જણાવ્યા મુજબની કેટલીક વાતો કહેતી હોય છેઃ

(૧) નાણાકીય બાબતો માટે મારી પાસે સમય નથી

ઘરની મહિલાઓ એકસાથે અનેક જવાબદારીઓ સંભાળતી હોય છે, પરંતુ નાણાકીય વિષય કાઢીએ ત્યારે તેમનું એક સામાન્ય વિધાન હોય છે, ‘મને ઘરનાં કામોમાંથી ફુરસદ જ મળતી નથી. મારા પતિ જ બધું સંભાળી લે છે.’

(૨) આ કામ ઘણું ગૂંચવણભર્યું છે. મારી બધી પૉલિસીઓ વિશે મારા પિતા જ નિર્ણય લે છે

પરિણીત હોય કે અપરિણીત, આજે પણ ઘણી મહિલાઓ પોતાની નાણાકીય સલામતી માટેના નિર્ણયો ઘરના પુરુષો પર છોડી દેતી હોય છે. દીકરીઓ એમ કહેતી સાંભળવા મળે છે, ‘મારી બધી પૉલિસીઓ વિશે મારા પિતા જ નિર્ણય લે છે.’

દીકરીની પૉલિસી, એનું દસ્તાવેજીકરણ વગેરે બાબતો પિતાજી સંભાળતા હોય છે. 

(૩) મારી ઑફિસમાં વીમાવાળા આવ્યા હતા એટલે તેમના કહેવાથી નાની રકમની એક પૉલિસી લઈ લીધી છે

ભારતમાં નાણાકીય શિક્ષણનો ફેલાવો સારી રીતે થવા લાગ્યો છે. જોકે એ જાગરૂકતા લાવવા માટેના કાર્યક્રમના અંતે વગરવિચાર્યે નાણાકીય નિર્ણયો લેવાઈ જાય તો કાર્યક્રમની પાછળનો મુખ્ય હેતુ માર્યો જાય છે. જીવન વીમાની જ વાત કરીએ તો એમ કહી શકાય કે આ વીમો ફક્ત કોઈ ઔપચારિકતા પૂરી કરવા માટે કઢાવવાનો નથી હોતો. એ તો મનુષ્યના જીવનના મૂલ્ય પર આધારિત હોય છે.

(૪)  મારા પતિનો જીવન વીમો છે, મારે ક્યાં વીમાની જરૂર છે?

હજી થોડાં વર્ષો પહેલાં પરિવારમાં ફક્ત પુરુષો જ કમાવા જતા. આજે પરિસ્થિતિ બદલાઈ છે. ઘણી મોટી સંખ્યામાં મહિલાઓ નોકરી-વ્યવસાય કરે છે. પહેલાં ફક્ત પુરુષો કમાતા એથી તેમના માટે જ જીવન વીમો લેવાતો.

(૫)  જીવન વીમા માટે બજેટ નથી

ઘરની મૂળભૂત જરૂરિયાતો વધી ગઈ છે, બાળકોના પણ અલગ ખર્ચ થઈ ગયા છે. એ ઉપરાંત અંગત ખર્ચ, વેકેશન, પાર્ટીઓ વગેરે બધું વધી ગયું છે. બદલાયેલી જીવનશૈલીને લીધે ટૂંકા ગાળાના ખર્ચ વધી ગયા છે અને લાંબા ગાળાનું આયોજન ખોરવાઈ ગયું છે.

ઉપરોક્ત મુદ્દાઓ જોઈ લીધા બાદ આપણે હવે એ જોઈ લઈએ કે નાણાકીય, ખાસ કરીને જીવન વીમાના પ્રશ્ને મહિલાઓનું વલણ અને વ્યવહાર કેવાં હોવાં જોઈએ...

(૧) નિશ્ચિત દિવસ ફાળવો

મહિનાનો કોઈ એક રવિવાર કે પછી દર મહિનાના કોઈ એક નિશ્ચિત દિવસે તમારે નાણાકીય બાબતો માટે સમય ફાળવવો. એ દિવસે નાણાકીય બાબતો વિશે જાણકારી મેળવીને સમજદારીપૂર્વક નિર્ણયો લેવા.

(૨) પોતાની જવાબદારી નિશ્ચિત કરો

જીવન વીમાને તમારી જીવનશૈલી જોડે સંબંધ છે. જ્યારે દીકરીના પિતા કોઈ પૉલિસી લેતા હોય ત્યારે એવો વિચાર કરતા હોય છે કે તેમની દીકરી નોકરીમાં વચ્ચે બ્રેક લેશે તો વીમાનું ઊંચું પ્રીમિયમ ચૂકવી નહીં શકે. આવા વિચારને લીધે તેઓ દીકરી માટે પૂરતું રિસ્ક કવર લેવાને બદલે નાની રકમનો જ વીમો કઢાવતા હોય છે. આથી દરેક મહિલાએ પોતાની પૉલિસી વિશે પોતે જ નિર્ણય લેવો જોઈએ.

(૩) જીવન વીમો શું કામ લેવાનો હોય એ બરાબર સમજી લો

જીવન વીમો જીવનની એવી બે ઘટના માટે હોય છે જેના માટે હજી સુધી કોઈ રસી શોધાઈ નથી! આ બે ઘટના એટલે વહેલું મૃત્યુ અને લાંબી આવરદા. કમાનાર વ્યક્તિના વહેલા મૃત્યુને લીધે પરિવાર પર આર્થિક સંકટ આવે નહીં અને નિવૃત્તિ બાદ લાંબું આયુષ્ય હોય એવી સ્થિતિમાં પારિવારિક ખર્ચ પૂરા થઈ શકે એ માટે પણ જીવન વીમો લેવાનો હોય છે.

(૪) જીવન વીમા કંપનીઓ કૅન્સર જેવી ગંભીર બીમારીઓ માટે હેલ્થ પ્લાન બહાર પાડે છે. એમ જોવા જઈએ તો અમુક પ્રકારનાં કૅન્સરનું પ્રમાણ મહિલાઓમાં વધારે જોવા મળે છે. અહીં નોંધવું ઘટે કે મૅરિડ વુમન પ્રૉપર્ટી ઍક્ટ ગૃહિણીઓ માટે પણ જીવન વીમો લેવા પર ભાર મૂકે છે. જે મહિલાઓ કમાતી ન હોય તેમના માટે પણ અણધારી પરિસ્થિતિ માટે વીમો હોવો જોઈએ.

(૫) પોતાના માટેનું બજેટ

અલગ રાખો

આજના સમયમાં હોમ લોનના હપ્તાથી માંડીને રોજિંદા ખર્ચના બજેટમાં મહિલાઓનું પણ યોગદાન હોય છે. મહિલાઓ માટે જીવન વીમાનું પોતાનું અલગ મહત્ત્વ હોય છે. આથી મહિલાની આવકનો અમુક હિસ્સો તેના જીવન વીમાના પ્રીમિયમની ચુકવણી માટે દર મહિને અલગ રાખવો જોઈએ. ગૃહિણીના જીવન વીમાને લાંબા ગાળાના આયોજનની દૃષ્ટિએ જોવો જોઈએ.

 

સવાલ તમારા…

મારા પપ્પાએ મારા બાળપણના સમયથી મારી ૯ પૉલિસીઓ લઈને રાખી છે. આજે મારા પપ્પા હયાત નથી અને મને સમજાતું નથી કે મારે એ બધી પૉલિસીઓનું શું કરવું? પૉલિસીઓ સરેન્ડર કરીને નવી પૉલિસીઓ લઈ લેવી કે કેમ?

તમારા જેવી સ્થિતિ અનેક પરિવારમાં જોવા મળે છે. આવામાં તમારે શું કરવું જોઈએ એના વિશે અહીં ત્રણ મુદ્દા રજૂ કર્યા છે, જેનાથી તમને યોગ્ય નિર્ણય લેવામાં મદદ મળી રહેશે.

(૧) તમારી પૉલિસીનાં શરૂઆતનાં બે પાનાં શાંતિથી વાંચી જાઓ. એના પરથી તમને પ્રીમિયમની રકમ, એની ચુકવણીનો ગાળો, પૉલિસી શરૂ થયાની તારીખ, છેલ્લા પ્રીમિયમની તારીખ, પૉલિસી પાકવાની તારીખ અને પૉલિસી હેઠળ મળનારા લાભની વિગતો જાણવા મળશે. તમને એમાંથી જેટલું સમજાય એ એક પાના પર લખી કાઢો.

(૨) પૉલિસી સરેન્ડર કરવાથી તમને નુકસાન જતું હોય છે. જીવન વીમો એ એક પ્રકારનો કૉન્ટ્રૅક્ટ છે અને તમે પોતે કોઈ કૉન્ટ્રૅક્ટ રદ કરો તો એનો દંડ ભરવો પડે એના જેવી સ્થિતિ આ કૉન્ટ્રૅક્ટમાં પણ થાય છે. તમે કૉન્ટ્રૅક્ટ રદ કરો એટલે કે પૉલિસી સરેન્ડર કરો તો તમે ચૂકવેલા પ્રીમિયમમાંથી અમુક ટકા રકમ કાપી લેવાય છે.

(૩) જીવન વીમા વિશે વધુ માહિતી માટે તમે નિષ્ણાત અને તટસ્થ વીમા સલાહકારની મદદ લઈ શકો છો. તમારી પૉલિસીઓ વિશે નિર્ણય લેવામાં તેઓ મદદ કરી શકે છે.

business news