નવા વર્ષનો આશાસ્પદ આરંભ

28 October, 2019 08:55 AM IST  |  મુંબઈ

નવા વર્ષનો આશાસ્પદ આરંભ

પ્રતિકાત્મક તસવીર

વિક્રમ સંવત ૨૦૭૬નો આરંભ આશાસ્પદ વાતાવરણમાં થઈ રહ્યો છે. ત્રણ વરસથી લટકેલા બ્રેક્ઝિટમાં આખરે ઉકેલ આવતો દેખાય છે. અમેરિકા અને ચીન વચ્ચે વેપારયુદ્ધ મામલે આંશિક સમજૂતી થઈ છે અને નવેમ્બર ૨૦૨૦માં અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી અગાઉ ટ્રમ્પ ઐતિહાસિક ડીલ(!)ની ઘોષણા કરશે એવી ધારણા રાખી શકાય. વૈશ્વિક સ્લોડાઉન, ખાસ કરીને ચીન અને યુરોપના સ્લોડાઉન સાથે ભારતમાં પણ આર્થિક વિકાસદર ધીમો પડ્યો છે. જોકે સરકાર હરકતમાં આવી ગઈ અને મંદ પડેલી રોકાણ અને વપરાશની સાઇકલને તેજ બનાવવા સરકારે ધડાધડ પગલાં લેવાનું શરૂ કર્યું. કૉર્પોરેટ ટૅક્સ કટ, બૅન્કોનાં મેગા મર્જર, અંદાજે ૧.૭૬ લાખ કરોડનું સ્ટિમ્યુલસ, સળંગ પાંચ રેટ કટ અને છેલ્લે બીએસએનએલ અને એમટીએનએલનું મર્જર જેવા પગલાં લઈ સરકારે અર્થતંત્રની મંદીને રોકવા પ્રતિબદ્ધતા બતાવી દીધી છે. લાર્જ કૅપ શૅરોમાં સરકારનાં પગલાઓની અસર દેખાઈ છે. મિડ કૅપ શૅરોમાં પણ ઘટાડો અટક્યો છે.
વીતેલા વરસમાં એકંદરે ટ્રેડ વૉર, નાણાંનીતિ હાવી રહ્યાં. વરસની આખરમાં અમેરિકામાં પણ સ્લોડાઉન દેખાતા સેકન્ડ હાફમાં ફેડે બે રેટ કટ કર્યા અને ૩૦ ઑકટોબરે ત્રીજા રેટ કટની તૈયારી છે. ફેડે ૧૬૦ અબજ ડૉલર લિક્વિડિટી આપી છે, માર્ચ ૨૦૨૦ સુધી મહિને ૬૦ અબજ ડૉલરના ટ્રેઝરી બિલ ખરીદશે.
નવા વરસમાં વૈશ્વિક અને ભારતીય અર્થતંત્રમાં પણ સ્લોડાઉન થોડું ઉંડાણભર્યુ લાગે છે, પણ બૅન્કો અત્યારથી જ આગોતરા આયોજનમાં છે એટલે કદાચ મંદી આવે તો એની તીવ્રતા વધુ હશે પણ એનો ગાળો ૨૦૦૮ જેવો લાંબો નહીં હોય. મતલબ કે મંદી પછી બાઉન્સબેક આવશે એ ‘વેલી બૉટમ રિકવરી’ હશે. ‘ડબલડીપ’ કે ‘ડબ્લ્યુ’ શેપની મંદી દેખાતી નથી. યુરોપમાં નવેસરથી કયુ- બૉન્ડ પરચેઝ કે ઇટીએફ પરચેઝ શરૂ થશે. બૉન્ડ સપ્લાય ખૂટી ગયો છે. વ્યાજદરો ઓલરેડી નેગેટિવ છે. એટલે મોડર્ન મોનિટરી થિયરીના નવા નામ હેઠળ સરકારો શૅરો, ઇટીએફ, બૉન્ડ ઇટીએફ, ઇન્ડેકસ ફન્ડમાં રોકાણના પ્રયોગો કરે. આ સંજોગોમાં સેક્યુલર સ્ટેગફલેશન જોવા મળે. આવા કિસ્સામાં રિયલ અર્થતંત્રમાં મંદી હોય, માગનો અભાવ હોય, જોકે એસેટ બજારોમાં તેજી એટલે ફુગાવો હોય. મંદી અને ફુગાવાનું મિશ્ર પણ દીર્ઘકાલિન રૂપ એટલે સેક્યુલર સ્ટેગફ્લેશન - એને ઘણા પંડિતો સ્થાયી ધીમો વિકાસ યાને ન્યૂ નોર્મલ પણ કહે છે.
ઘરઆંગણાની વાત કરીએ તો વીતેલા વરસમાં રૂપિયામાં જોરદાર બેતરફી વધઘટ આવી હતી. એકંદરે રૂપિયો મજબૂત બંધ હતો.
ટેક્નિકલી રૂપિયામાં બ્રોડ રેન્જ ૬૯.૧૫-૭૩.૩૦ છે. વધઘટે નરમાઈ દેખાય છે. ડોલેકસમાં ૯૭.૭૦નો સપોર્ટ તૂટતા હવે નવી રેન્જ ૯૫.૫૫-૯૮.૨૦ છે. યુરોની રેન્જ ૧.૦૮-૧.૧૫ અને પાઉન્ડની રેન્જ ૧.૨૪૫૦-૧.૩૪૦૦ છે.

આ પણ વાંચોઃ બોલીવુડ અભિનેતા રાજકુમાર રાવની હાજરીમાં શેરબજારમાં મુહૂર્ત ટ્રેડિંગ થયું

બ્રેક્ઝિટ મામલે મહેતલ લંબાવવાની યુકેની માગણી યુરોપે સ્વીકારી લીધી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કમાં મારિયો ડ્રાફી નિવૃત્ત થઈ રહ્યા છે. વીતેલા વરસમાં બિટકોઇન અને સોનાનું કમબેક નોંધપાત્ર ઘટના છે. ફેસબુકની ડિજિટલ કરન્સી લિબ્રાએ મોટી હલચલ મચાવી છે. સોનાએ શાનદાર વળતર આપ્યું છે. નવા વરસે પણ સોનાનો દબદબો જળવાઈ રહેશે એ નિઃશંક લાગે છે.

business news