૧૫ ઑગસ્ટ સુધીમાં સારો વરસાદ આવે તો જ ખરીફ પાકને ફાયદો

03 August, 2021 03:06 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

જુલાઈમાં વરસાદની સાત ટકાની ખાધ બાદ હવે ઑગસ્ટ મહિના પર જ છે કિસાનોનો મદાર

પ્રતીકાત્મક તસવીર

દેશમાં ચાલુ વર્ષે દક્ષિણ-પશ્ચિમ ચોમાસાના પહેલા બે મહિના વરસાદની ખાધ રહ્યા બાદ હવે ભારતીય હવામાન ખાતાએ બાકીના બે મહિના ઑગસ્ટ અને સપ્ટેમ્બરમાં પણ સામાન્ય વરસાદ પડવાની આગાહી કરી છે. ભારતીય હવામાન ખાતાએ સત્તાવાર રીતે ચોમાસાના બાકીના બે મહિનાની આગાહી કરી હતી. જાણકારો કહે છે કે ૧૫ ઑગસ્ટ સુધીમાં જો સારો વરસાદ આવે તો જ ખરીફ પાકોનું વાવેતર પૂર્ણ થશે અને વાવેતર થયેલા ઊભા પાકને ફાયદો થશે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે ઑગસ્ટ અને સપ્ટેમ્બર મહિનામાં લાંબા ગાળાના સરેરાશ વરસાદની તુલનાએ સરેરાશ ૯૫થી ૧૦૫ ટકા વરસાદ પડી શકે છે, જે સામાન્ય વરસાદના સંકેત આપે છે. સામાન્ય રીતે દેશમાં આ બે મહિનામાં ૪૨૮.૩ મિલીમીટર વરસાદ પડે છે.

ઑગસ્ટ મહિનાનાં વરસાદ અંગે હવામાન ખાતાએ જણાવ્યું હતું કે એકલા ઑગસ્ટ મહિનામાં સમગ્ર દેશમાં સરેરાશ ૯૪થી ૧૦૬ ટકા વરસાદ પડી શકે છે. છેલ્લાં ૫૦ વર્ષ દરમિયાન સરેરાશ ૨૫૮.૧ મિલીમીટર વરસાદ પડે છે.

દેશમાં ખરીફ પાકોના વાવેતર માટે હવે ઑગસ્ટનો વરસાદ અતિ મહત્ત્વનો છે. જુલાઈ મહિનામાં વરસાદની ખાધ રહ્યા બાદ હવે ઑગસ્ટ ઉપર જ આધાર છે. દેશમાં ચોમાસાના ચાર મહિનામાં સૌથી વધુ વરસાદ આ બે મહિના દરમિયાન જ પડતો હોય છે.

કેર રેટિંગ એજન્સીના ચીફ ઇકૉનૉમિસ્ટ મદન સાનાવીસે જણાવ્યું હતું કે ચોમાસા અંગેનો આખરી અંદાજ કાઢીએ એ પહેલાં ૧૫ ઑગસ્ટ સુધી રાહ જોવાની જરૂર છે. ગત વર્ષની તુલનાએ ચાલુ વર્ષે તેલીબિયાં અને કઠોળ પાકોના વાવેતરમાં ઘટાડો થયો છે, કારણ કે વાવેતરના સમયે જ વરસાદ પૂરતો પડ્યો નથી. ડાંગરના વાવેતર માટે જુલાઈ મહિનાના અંત સુધીનો સમય યોગ્ય હોય છે, જે હવે પૂરો થઈ ગયો છે.

હવામાન ખાતાએ જણાવ્યું હતું કે મધ્ય ભારતના કેટલાક વિસ્તાર અને ઉત્તર-પશ્ચિમ ભારતના થોડાક વિસ્તારમાં ઑગસ્ટ મહિનામાં વરસાદ સામાન્યથી પણ ઓછો આવે એવી સંભાવના છે, જ્યારે એ સિવાયના વિસ્તારમાં સામાન્યથી વધુ વરસાદ પડે એવી સંભાવના છે.

business news