મ્યાનમારમાં તેલીબિયાં ખોળની નિકાસ વધારવાની ભારત માટે સારી તક

24 November, 2021 03:42 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

મ્યાનમારમાં વાર્ષિક ૭ લાખ ટનના વપરાશ સામે ભારતથી માત્ર ૧૦ ટકા જ નિકાસ

પ્રતીકાત્મક તસવીર

ભારતમાંથી તેલીબિયાં ખોળની નિકાસમાં તાજેતરમાં ઊંચા ભાવને કારણે ઘટાડો થયો છે ત્યારે ભારત માટે મ્યાનમારમાં નિકાસ કરવાની એક નવી તક મળી છે. તાજેતરમાં સૉલ્વન્ટ એક્સટ્રેક્ટર્સ અસોસિએશન ઑફ ઇન્ડિયા (સી) દ્વારા મ્યાનમારમાં ભારતીય એમ્બેસી સાથે એક વર્ચ્યુઅલ મીટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં ભારતમાંથી નિકાસની તકો વિશે ચર્ચા થઈ હતી.
સીના પ્રમુખ અતુલ ચતુર્વેદીએ જણાવ્યું હતું કે ભારતમાંથી હાલમાં મ્યાનમારમાં દર વર્ષે સરેરાશ ૫૦થી ૭૦ હજાર ટન સોયા ખોળ, રાયડા ખોળ અને રાઇસબ્રૅન્ડ ખોળની નિકાસ થાય છે અને એ મુખ્યત્વે કન્ટેનર મારફતે જ નિકાસ થાય છે.
તેમણે વધુમાં કહ્યું કે મ્યાનમારમાં હાલમાં ૧૨ ફીડ મિલો મલ્ટિનૅશનલ કંપનીઓ દ્વારા ઊભી કરવામાં આવી છે અને નવ જેટલી લોકલ મિલો છે. આ દેશમાં દર વર્ષે ૧૨થી ૧૫ ટકાના દરે ઉત્પાદન અને વપરાશ વધી રહ્યો છે. મ્યાનમારની ટોટલ માગ ૭ લાખ ટનની છે. પરિણામે ભારત માટે લોજિસ્ટિક ફાયદો અને નાની માત્રામાં કન્ટેનર મારફતે નિકાસ કરવીને આપણો હિસ્સો વધારી શકીએ એમ છીએ.
‘સી’ દ્વારા આગામી દિવસોમાં એક પ્રતિનિધિમંડળ પણ મ્યાનમારમાં જવાનું આયોજન ઘડી રહ્યું છે. મ્યાનમારના ઍનિમલ ફીડ અસોસિએશને પણ આ માટેની તૈયારી બતાવી છે અને ભારતને સહકાર આપવાની વાત કરી છે.

business news oil prices