ચીનમાં કોરોનાનાં નિયંત્રણ હટાવીને ઝડપથી છૂટછાટ મૂકવાની ચાલુ થતાં સોનામાં મજબૂતી

07 December, 2022 02:27 PM IST  |  Mumbai | Mayur Mehta

ફિચ રેટિંગ્સે વર્લ્ડ અને અમેરિકાના ગ્રોથ પ્રોજેક્શનમાં ઘટાડો કરતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

પ્રતીકાત્મક તસવીર

કોરોનાનાં મોટા ભાગનાં નિયંત્રણો હળવાં બનાવીને ચીને ઝડપથી છૂટછાટો મૂકવાનું ચાલુ કરતાં સોનામાં મજબૂતી જોવા મળી હતી. વળી ફિચ રેટિંગ્સે વર્લ્ડ અને અમેરિકાનું ગ્રોથ પ્રોજેક્શન ઘટાડતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૨૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૧૬ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
ચીનમાં ઝડપથી આગળ વધતું  રી-ઓપનિંગ અને અમેરિકાના સર્વિસ સેક્ટરના ડેટા ધારણાથી સારા આવતાં મંગળવારે સોનું ઘટ્યા મથાળેથી સુધર્યું હતું. અમેરિકી ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સુધરતાં સોમવારે સોનું ઘટીને ૧૭૬૫ ડૉલર સુધી ગયું હતું, પણ મંગળવારે સોનું સુધરીને ૧૭૭૬ ડૉલર થયું હતું. સોનું વધતાં ચાંદી પણ વધી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
વર્લ્ડનો ગ્રોથ રેટ ૨૦૨૩માં ૧.૪ ટકા રહેવાનો અંદાજ ફિચ રેટિંગ્સે મૂક્યો હતો, જે અગાઉ સપ્ટેમ્બરમાં ૧.૭ ટકાના ગ્રોથનો અંદાજ મૂક્યો હતો. અમેરિકાનો ગ્રોથ ૨૦૨૩માં ૦.૫ ટકાથી ઘટાડીને ૦.૨ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો. ચીનનો ગ્રોથ ૨૦૨૩માં ૪.૧ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો, જે અગાઉ ૪.૫ ટકા મુકાયો હતો, જ્યારે યુરો એરિયાનો ગ્રોથ વધારીને ૦.૨ ટકા મુકાયો હતો, જે અગાઉ માઇનસ ૦.૧ ટકા મુકાયો હતો. ફિચે ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારીને પાંચ ટકા અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક દ્વારા વધારીને ત્રણ ટકા કરવાની આગાહી કરી હતી. 
અમેરિકાનો સર્વિસ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં વધીને ૫૬.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં બે વર્ષની નીચી સપાટીએ ૫૪.૪ પૉઇન્ટ હતો. માર્કેટની ધારણા ૫૩.૩ પૉઇન્ટની સરખામણીમાં સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધુ હતો. સર્વિસ સેક્ટરમાં પ્રાઇસ ફૅક્ટર હળવું થતાં બિઝનેસ ઍક્ટિવિટી અને કૅપેસિટી વધી હતી. સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધ્યો હતો, પણ મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ બે વર્ષની નીચી સપાટીએ પહોંચતાં પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ નવેમ્બરમાં ઘટીને પાંચ મહિનાની નીચી સપાટીએ ૪૬.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૪૮.૨ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૪૬.૩ પૉઇન્ટની હતી. 

ઑસ્ટ્રેલિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૧૦ ટકાએ પહોંચાડ્યા હતા. ઑસ્ટ્રેલિયાના ઇન્ટરેસ્ટ રેટમાં સતત આઠમો વધારો હતો અને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૧૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હતા. રિઝર્વ બૅન્ક ઑફ ઑસ્ટ્રેલિયાએ ૨૦૨૩માં ઇન્ફ્લેશન આઠ ટકા અને ૨૦૨૪માં ત્રણ ટકા રહેવાનું પ્રોજેક્શન મૂક્યું હતું અને જ્યાં સુધી ઇન્ફ્લેશન બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં ઊંચું રહે ત્યાં સુધી ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરવાનું નક્કી કર્યું હતું. 

ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા કરવાની પ્રોસેસ ઝડપથી આગળ વધી રહી છે. બીજિંગની ઑથોરિટીએ પબ્લિક પ્લેસ પર માસ ટેસ્ટિંગને બંધ કર્યું હતું. બીજિંગ ઍરપોર્ટ પર આવતા પ્રવાસીઓને ફરજિયાત કોરોના નેગેટિવ રિપોર્ટમાંથી મુક્તિ આપવામાં આવી હતી. ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટી બુધવારે નિયંત્રણો હળવા કરવાનાં નવા ૧૦ સ્ટેપની જાહેરાત કરશે એવું ચાઇનીઝ મીડિયાના રિપોર્ટ બતાવી રહ્યા છે. ચીનની ઇકૉનૉમી કોરોનાના સેટબૅક પછી રીઓપનિંગ થઈ રહી હોવાથી સ્ટૉક માર્કેટમાં તેજી આગળ વધી રહી છે. મંગળવારે ચાઇનીઝ સ્ટૉક ઇન્ડેક્સ ૧૧ સપ્તાહની ઊંચાઈએ પહોંચ્યા હતા. ખાસ કરીને હેલ્થકૅર અને ટેક્નૉલૉજી શૅરમાં મંગળવારે તેજી જોવા મળી હતી. 

બ્રિટનની ઇકૉનૉમી રિસેશનમાં પ્રવેશી ચૂકી હોવાની ઇકૉનૉમિસ્ટોની કમેન્ટ વચ્ચે નવેમ્બર મહિનાનું રીટેલ સેલ્સ ૪.૧ ટકા વધીને ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. ઑક્ટોબરમાં રીટેલ સેલ્સમાં ૧.૨ ટકાનો વધારો થયો હતો. નવેમ્બરમાં બ્લૅક ફ્રાઇડે સેલ્સની અસર રીટેલ સેલ્સ પર જોવા મળી હતી. બ્રિટનનું ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં ૪૧ વર્ષની ઊંચાઈએ ૧૧.૧ ટકા રહ્યું હતું, છતાં પણ રીટેલ સેલ્સમાં મોટો વધારો જોવા મળ્યો હતો. 

જપાનમાં હાઉસહોલ્ડ સ્પેન્ડિંગ ઑક્ટોબરમાં ૧.૨ ટકા વધ્યું હતું જે સતત પાંચમા મહિને વધ્યું હતું. સપ્ટેમ્બરમાં સ્પેન્ડિંગ ૨.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા એક ટકા વધવાની હતી. જપાનની પબ્લિક દ્વારા ક્લોધિંગ માટે સ્પેન્ડિંગ ઑક્ટોબરમાં સૌથી વધુ ૨૪.૯ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં માત્ર ૭.૩ ટકા વધ્યું હતું, જ્યારે ફ્યુઅલ, લાઇટ અને વૉટરચાર્જિસ તથા મેડિકલ કૅર માટે સ્પેન્ડિંગ વધ્યું હતું.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  
અમેરિકન જીડીપી (ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટ)માં ૮૦.૧૪ ટકા હિસ્સો સર્વિસ સેક્ટરનો છે, નવેમ્બર મહિનામાં સર્વિસ સેક્ટરના ગ્રોથ સ્ટ્રૉન્ગ રહેતાં અમેરિકન ઇકૉનૉમી અન્ય દેશોની ઇકૉનૉમી કરતાં વધુ મજબૂત હોવાનો સંકેત મળ્યો હતો, પણ ફિચે વર્લ્ડના ગ્રોથના પ્રોજેક્શનમાં અમેરિકાનું ગ્રોથ પ્રોજેક્શન ૦.૫ ટકાથી ઘટાડીને ૦.૨ ટકા કર્યું છે. ૨૦૨૩માં રિસેશનની આગાહીઓ વચ્ચે ડિસેમ્બરથી માર્ચ મહિના વચ્ચેના અમેરિકા સહિત તમામ દેશોના ઇકૉનૉમિક ડેટા અને રશિયા-યુક્રેન યુદ્ધનું ભાવિ રિસેશન કેવું હશે? એ નક્કી કરશે. અમેરિકાના નૉન ફાર્મ પે-રોલ ડેટા ધારણાથી સ્ટ્રૉન્ગ આવ્યા હતા એ રીતે સર્વિસ સેક્ટરનો ડેટા પણ સ્ટ્રૉન્ગ આવ્યા છે. આ રીતે જો અમેરિકાના ડેટા ધારણાથી વધુ સ્ટ્રૉન્ગ આવશે તો ડૉલરની મજબૂતી આગળ જતાં વધશે જે સોનામાં સળંગ તેજીમાં રૂકાવટ કરશે. 

business news