અમેરિકી ડૉલર અને બૉન્ડ યીલ્ડની તેજીથી સોનામાં સતત બીજે દિવસે ઘટાડો

17 April, 2024 07:10 AM IST  |  Mumbai | Mayur Mehta

મુંબઈમાં સોનાનો ભાવ એક દિવસ ઘટ્યા બાદ ફરી વધ્યો, ચાંદી સતત બીજે દિવસે ઘટી: અમેરિકાની સિટી બૅન્કનું સોનું છથી અઢાર મહિનામાં ૩૦૦૦ ડૉલર થવાની આગાહી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકન ડૉલર-બૉન્ડ યીલ્ડની તેજીથી સોનામાં પ્રૉફિટ બુકિંગ વધતાં સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનાનો ભાવ પ્રતિ ૧૦ ગ્રામ ૪૮૯ રૂપિયા વધ્યો હતો, જ્યારે ચાંદીનો ભાવ ૨૩૯ રૂપિયા ઘટ્યો હતો. મુંબઈમાં સોનાનો ભાવ એક દિવસ ઘટ્યા બાદ ફરી વધવાનો શરૂ થયો છે. એપ્રિલ મહિનાનાં કુલ ૧૧ સેશનમાંથી આઠ સેશનમાં સોનું વધ્યું હતું. ચાંદીનો ભાવ સતત બીજે દિવસે ઘટ્યો હતો. 

વિદેશ પ્રવાહ

અમેરિકન ડૉલર અને ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ નવી ઊંચાઈએ પહોંચતાં સોનામાં સતત બીજે દિવસે ઘટાડો જોવા મળ્યો હતો. જિયોપૉલિટિકલ ટેન્શનનો સપોર્ટ હોવા છતાં મૉનિટરી સપોર્ટ મળતો બંધ થતાં સોનામાં તેજીની આગેકૂચ અટકી હતી. વર્લ્ડ માર્કેટમાં સોનું એક તબક્કે ૨૩૮૯.૨૦ ડૉલર વધીને થયા બાદ મંગળવારે સાંજે ૨૩૭૦થી ૨૩૭૧ ડૉલરની રેન્જમાં હતું. અમેરિકાની સિટી બૅન્કે સોનું જૂન બાદ વધીને ૨૫૦૦ ડૉલર અને આગામી છથી અઢાર મહિનામાં ૩૦૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી.  અમેરિકી ડૉલર ઇન્ડેક્સ સતત પાંચમા દિવસે વધીને પાંચ મહિનાની નવી ઊંચી સપાટીએ ૧૦૬.૪૦ પૉઇન્ટે પહોંચ્યો હતો. અમેરિકન ઇન્ફ્લેશનના સતત વધારા વચ્ચે ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવી રહ્યા હોવાથી હવે ફેડ ૨૦૨૪માં ઇન્ટરેસ્ટ રેટ ઘટાડશે કે કેમ એ શંકાઓ દિવસે-દિવસે વધી રહી હોવાથી ડૉલર ઇન્ડેક્સ એકધારો ઊંચે જઈ રહ્યો છે. ઇન્ટરેસ્ટ રેટ ઘટવાના ચાન્સ ધૂંધળા બની રહ્યા હોવાથી ટ્રેઝરી બૉન્ડનાં યીલ્ડ પણ વધીને ૪.૬૩ ટકાએ પહોંચ્યાં હતાં. 
અમેરિકાના રીટેલ સેલ્સમાં માર્ચમાં ૦.૭ ટકાનો વધારો થયો હતો, જેમાં ફેબ્રુઆરીમાં ૦.૯ ટકાનો વધારો થયો હતો, પણ માર્કેટની ધારણા માત્ર ૦.૩ ટકા વધારાની હતી. ચીનનો ગ્રોથ રેટ ૨૦૨૪ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૫.૩ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૫.૨ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા પાંચ ટકાની હતી. ચીનનો ગ્રોથરેટ સતત સાતમા ક્વૉર્ટરમાં  વધ્યો હતો. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ 
સોનામાં જિયોપૉલિટકલ ટેન્શન ચાલુ રહેશે ત્યાં તેજીની આગેકૂચ અટકે એમ નથી એ નક્કી છે, પણ જિયોપૉલિટકલ ટેન્શનનું કારણ ડિસ્કાઉન્ટ થયા બાદ સોનામાં એક સાથે મોટો ઘટાડો થવાનું નક્કી છે. અમેરિકન ફેડ ૨૦૨૪માં હવે ઇન્ટરેસ્ટ રેટ ઘટાડી શકશે કે કેમ એ શંકા વધતી જાય છે, કારણ કે ઇન્ફ્લેશન ફેડના બે ટકાના ટાર્ગેટ સામે ૩.૫ ટકા છે અને રીટેલ સેલ્સ, હોમબિલ્ડર્સ સે​ન્ટિમેન્ટ સહિતના તમામ ઇકૉનૉમિક ડેટા સ્ટ્રૉન્ગ આવી રહ્યા છે. ઉપરાંત વર્લ્ડની સેન્ટ્રલ બૅન્કોની ખરીદી ૨૦૨૩માં ૨૦૨૨ની સરખામણીમાં ઘટી હતી અને હવે ૨૦૨૪માં પણ ૨૦૨૩ની સરખામણીમાં ઘટવાના સંકેત મળી રહ્યા છે. આથી મૉનિટરી અને બૅન્કોની ખરીદી, બન્ને કારણો સોનાની તેજી માટે ઑલરેડી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યા છે. જિયોપૉલિટકલ ટેન્શન ચાલુ રહેશે અથવા વધશે તો સોનું વધીને ૨૫૦૦થી ૨૭૦૦ ડૉલર સુધી વધી શકે છે.

business news share market gold silver price