નવા વેરિઅન્ટ ઑમિક્રૉનના વધી રહેલા વ્યાપથી ડરના માહોલમાં સોના-ચાંદીમાં વધારો

30 November, 2021 03:58 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડનો ટેપરિંગ અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો પ્લાન વિલંબમાં મુકાવાની શક્યતાથી સોનાની ખરીદી વધી

પ્રતીકાત્મક તસવીર

કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનના સતત વધી રહેલા વ્યાપને કારણે ડરના માહોલમાં સોનાનું સેફ હેવન સ્ટેટસ સતત મજબૂત બની રહ્યું હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે, જેને કારણે સોના-ચાંદી સોમવારે સુધર્યાં હતાં. જોકે કરન્સી માર્કેટની વધ-ઘટને કારણે સ્થાનિક માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૬૬ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ
ઍટલાન્ટકા ફેડ પ્રેસિડન્ટ રાફેટ બોસ્ટિકે ફેડના ટેપરિંગ અને ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો પ્લાન વિલંબમાં નહીં મુકાય એવી કમેન્ટ કરતાં ગત સપ્તાહે સોનું ઘટ્યું હતું, પણ કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનનો વ્યાપ ઝડપથી વધી રહ્યો હોવાથી સોનું સોમવારે ઘટેલા ભાવથી ફરી સુધર્યું હતું. ઑમિક્રૉનના ડરને કારણે ઍનૅલિસ્ટો સોનાના ભાવની રેન્જ ૧૭૮૦થી ૧૮૩૦ ડૉલર બતાવી રહ્યા છે. સોનું ઘટ્યા મથાળેથી સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમમાં પણ સુધારો જોવા મળ્યો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ઑક્ટોબરમાં ૨૪.૬ ટકા વધ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૬.૩ ટકા વધ્યો હતો તેમ જ જાન્યુઆરીથી ઑક્ટોબર દરમિયાન ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૪૨.૨ ટકા વધ્યો હતો જે જાન્યુઆરીથી સપ્ટેમ્બર દરમિયાન ૪૪.૭ ટકા વધ્યો હતો. યુરો એરિયાના ઇકૉનૉમિક સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ૧.૧ પૉઇન્ટ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૧૧૭.૫ પૉઇન્ટે પહોંચ્યો હતો જે જુલાઈમાં રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૧૧૯ પૉઇન્ટ હતો. યુરો એરિયાનો કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ માઇનસ ૬.૮ પૉઇન્ટ હતો જે ઑક્ટોબરમાં માઇનસ ૪.૮ પૉઇન્ટ હતો. ઇટલીનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૨૦.૪ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૩.૬ ટકા વધ્યો હતો. સ્પેનનું ઇન્ફ્લેશન નવેમ્બરમાં ૫.૬ ટકા વધીને ૨૯ વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું જે ઑક્ટોબરમાં ૫.૪ ટકા વધ્યું હતું. જપાનનું રીટેલ સેલ્સ ઑક્ટોબરમાં ૦.૯ ટકા વધ્યું હતું જે છેલ્લા ત્રણ મહિનામાં પ્રથમ વખત વધ્યું હતું, પણ માર્કેટની ૧.૧ ટકા વધારાની ધારણા કરતાં ઓછું વધ્યું હતું. ઑસ્ટ્રેલિયાનો કૉર્પોરેટ પ્રૉફિટ ત્રીજા ક્વૉર્ટરમાં ચાર ટકા વધ્યો હતો જે બીજા ક્વૉર્ટરમાં સાત ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ત્રણ ટકા વધવાની હતી. ઑસ્ટ્રેલિયાનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૫૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૬૦.૬ પૉઇન્ટ હતો. ઇકૉનૉમિક ફ્રન્ટ પર સ્પેન અને ઇટલીના ઇન્ફ્લેશનનો વધારો હજી સોનાની તેજી માટે પૉઝિટિવ રહ્યો હતો તેમ જ યુરો એરિયાના વિવિધ પ્રકારના સેન્ટિમેન્ટ ઘટતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
કોરોનાના નવા વેરિઅન્ટ ઑમિક્રૉનનો ડર સમગ્ર વિશ્વમાં કૂદકે ને ભૂસકે વધી રહ્યો છે ત્યારે અમેરિકન ફેડરલ રિઝર્વ તેમ જ અન્ય દેશોની સેન્ટ્રલ બૅન્ક તેમના પ્લાન પડતા મૂકશે એવી ધારણાને પગલે સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. દક્ષિણ આફ્રિકામાં દેખાયેલા ઑમિક્રૉનની અસર નેધરલૅન્ડ, ડેન્માર્ક, ઑસ્ટ્રેલિયા સહિત અનેક દેશોમાં જોવા મળી છે. ઑમિક્રૉનનો વ્યાપ વધે તો ફેડને ટેપરિંગ ધીમું પાડવું પડે અને ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો પ્લાન થોડો મોડો કરવો પડે તો સોનામાં નવેસરથી તેજીના મંડાણ થઈ શકે છે. આવું વર્લ્ડના મોટા ભાગના ઇકૉનૉમિસ્ટો માનવા લાગ્યા હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ વધી રહ્યું છે. ઉપરાંત જો ઇન્ફ્લેશનના વધારા સામે ફેડ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કોની ઇઝી મૉનિટરી પૉલિસી ચાલુ રહે તો સોનામાં તેજીની ઝડપ વધી શકે છે. સોનાની તેજીનું ભાવિ હવે ફેડની પૉલિસી નક્કી કરશે. ફેડ ચૅરમૅનપદે જેરોમ પોવેલની પુન: વરણી થયા બાદ હવે મોટે ભાગે ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ઉતાવળ નહીં થાય એવું માનવામાં આવી રહ્યું છે. ફેડ ચૅરમૅન જેરોમ પોવેલ મંગળવારે કૉન્ગ્રેસ સમક્ષ વક્તવ્ય આપવાના હોવાથી હાલ બધાની નજર તેમની કમેન્ટ પર રહેશે. ઑમિક્રૉન કોરોના વેરિઅન્ટના ડરને કારણે સોનામાં શૉર્ટ ટર્મ મોટી તેજી થવાના ચાન્સિસ અનેકગણા વધી ગયા છે. ઑમિક્રૉનના વ્યાપની અસર સોનાનું મીડિયમથી લૉન્ગ ટર્મ પ્રોજેક્શન નક્કી કરશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૮,૧૨૪
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૭,૯૩૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૩,૦૪૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news