અમેરિકી ડૉલરનો ઘટાડો અટકતાં સોના-ચાંદીમાં ઊંચા મથાળે અટકતો વધારો

06 October, 2022 04:49 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના સપ્ટેમ્બર મહિનાના જૉબડેટાને આધારે સોના-ચાંદી અને ડૉલરની તેજી-મંદી નક્કી થશે

પ્રતીકાત્મક તસવીર (સૌજન્ય : આઇસ્ટૉક)

અમેરિકી ડૉલર છેલ્લાં ૭ સેશનથી સતત ઘટ્યા બાદ ધીમો સુધારો થતાં સોના-ચાંદીમાં પણ ઊંચા મથાળે વધારો અટક્યો હતો. હવે ગુરુવારે જાહેર થનારા પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા અને શુક્રવારે જાહેર થનારા નૉન ફાર્મ પે-રોલ ડેટા પરથી સોના-ચાંદી અને ડૉલરની તેજી-મંદીનું ભાવિ નક્કી થશે. મુંબઈ બુલિયન જ્વેલર્સ અસોસિએશનના ભાવ દશેરાને કારણે ક્વોટ કરાયા નહોતા.

વિદેશી પ્રવાહ 

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ છેલ્લાં ૭ સેશનમાં ૧૧૪.૧૭ના લેવલથી ઘટીને ૧૧૦ના લેવલે પહોંચતાં સોનું પણ ૭ સેશન પહેલાં ૧૬૧૮.૨૦ ડૉલર હતું એ વધીને મંગળવારે ૧૭૩૧ ડૉલર થયું હતું. ડૉલર ઇન્ડેક્સ બુધવારે ઘટતો અટકીને ૦.૨ ટકા સુધર્યો હતો એને પગલે સોનું પણ ૧૭૩૧ ડૉલરની સપાટીથી ઘટીને ૧૭૦૫.૮૦ ડૉલર થયા બાદ ૧૭૦૬-૧૭૦૭ ડૉલરની સપાટીએ સ્થિર થયું હતું. આમ, ડૉલરની વધ-ઘટને કારણે સોનામાં છેલ્લા ૨૪ કલાકમાં૨૬ ડૉલરની વધ-ઘટ થઈ હતી.

ચાંદી પણ વધીને ૨૧.૩૩ ડૉલર થયા બાદ ઘટીને ૨૦.૩૬ ડૉલર થયા બાદ આ લેવલે સ્થિર થઈ હતી. સોના-ચાંદી ઘટતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો ઝોન પ્રાઇવેટ સેક્ટરની બિઝનેસ ઍક્ટિવિટીનો ગ્રોથ સપ્ટેમ્બરમાં ઘટીને ૪૮.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૪૮.૯ પૉઇન્ટ અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૮.૨ પૉઇન્ટ હતો. બિઝનેસ ઍક્ટિવિટી ગ્રોથ સતત ત્રીજે મહિને ઘટ્યો હતો, કારણ કે મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ બન્ને સેક્ટરમાં ઊંચા ઇન્ફ્લેશનના કારણે આઉટપુટ અને એક્સપોર્ટ સેલ્સ ઘટ્યું હતું.

મૅન્યુફૅક્ચરિંગનો ગ્રોથ ઘટીને ૨૮ મહિનાની નીચી સપાટીએ ૪૮.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑગસ્ટમાં ૪૯.૬ પૉઇન્ટ હતો અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ ઘટીને નવ મહિનાની નીચી સપાટીએ ૪૮.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑગસ્ટમાં ૪૯.૮ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૪૮.૯ પૉઇન્ટ હતો. 

અમેરિકન ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ છેલ્લાં ચાર સેશનથી સતત ઘટતા રહ્યા બાદ બુધવારે સ્ટેબલ થયા હતા. ડૉલર ઇન્ડેક્સ એક તબક્કે વધીને ૨૭ સપ્ટેમ્બરે ૧૪.૧૭ના લેવલે પહોંચ્યો હતો જે ઘટીને ૧૧૦ થયા બાદ આ લેવલે સ્ટેબલ થયો હતો. જોકે ટ્રેઝરી યીલ્ડ ઘટીને ૧.૯ ટકા થયા બાદ મંગળવારે ઓવરનાઇટ ૩ ટકા હતા, જે બુધવારે યીલ્ડ ૩.૬ ટકા થયા હતા. ઇકૉનૉમિક ઍનૅલિસ્ટોનું માનવું છે કે અમેરિકાના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઘટ્યાના રિપોર્ટથી ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને ધીમો પાડશે એ માનવું વધારે પડતું છે. શુક્રવારે જાહેર થનારા નૉન ફાર્મ પે-રોલ ડેટા અને ત્યાર બાદના ડેટા જો ધારણાથી નબળા આવશે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાને ધીમો કરવાનું મજબૂત કારણ મળશે. હાલના એક-બે નબળા ઇકૉનૉમિક રિપોર્ટથી ફેડ નિર્ધારિત નિર્ણયમાં ફેરફાર કરે એવી શક્યતા ઓછી છે. ઇકૉનૉમિસ્ટની આ પ્રકારની કમેન્ટ બાદ ડૉલર વધુ ઘટતો અટક્યો હતો અને ટ્રેઝરી યીલ્ડ બાઉન્સ થયા હતા. 

અમેરિકામાં જૉબ ઓપનિંગ નંબર ઑગસ્ટમાં ઘટીને ૧૦૧ લાખે પહોંચ્યા હતા જે જુલાઈમાં ૧૧૨ લાખ હતા અને જૉબ ઓપનિંગ નંબર ૧૪ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. જુલાઈમાં જૉબ ઓપનિંગ નંબર રેકૉર્ડબ્રેક ઊંચાઈએ ૧૧૯ લાખે પહોંચ્યા હતા, ઑગસ્ટમાં જોબ ઓપનિંગ વિશે માર્કેટની ધારણા ૧૦૭.૭૫ લાખની હતી. ખાસ કરીને હેલ્થ કૅર અને સોશ્યલ અસિસ્ટન્ટ સેક્ટરમાં જોબ ઓપનિંગ મોટા પ્રમાણમાં ઘટ્યા છે. ઑગસ્ટ મહિનામાં ૪૨ લાખ અમેરિકનોએ નોકરી ગુમાવી હતી, જેમાં કોઈ મોટો ફેરફાર થયો નહોતો. અમેરિકાની લૉજેસ્ટિક ઇન્ડસ્ટ્રીઝના ગ્રોથનો ઇન્ડેક્સ છેલ્લા છ મહિનામાં પ્રથમ વખત સપ્ટેમ્બરમાં વધીને ૬૧.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑગસ્ટમાં ૫૯.૭ પૉઇન્ટ હતો. અમેરિકામાં મૅન્યુફૅક્ચરિંગ ગુડ્સના ઑર્ડર ઑગસ્ટમાં ફ્લૅટ રહ્યા હતા જે જુલાઈમાં એક ટકા ઘટ્યા હતા. 

ન્યુ ઝીલૅન્ડની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં સતત પાંચમી વખત ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૫ ટકાએ પહોંચાડ્યા હતા. ન્યુ ઝીલૅન્ડના બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૮૭ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા. ઇન્ટરેસ્ટ વધાર્યા બાદ સેન્ટ્રલ બૅન્કના ઑફિશ્યલ રિપોર્ટમાં જણાવાયું હતું કે અનેક મેમ્બર્સે ૭૫ બેસિસ પૉઇન્ટ વધારવાની તરફેણ કરી હતી, પણ સતત ઘટી રહેલા હાઉસિંગ પ્રાઇસ અને હાઉસહોલ્ડ કન્ઝમ્પ્શનમાં થઈ રહેલો ઘટાડો ઇકૉનૉમિક ગ્રોથ પર નેગેટિવ ઇમ્પેક્ટ પાડી શકે એમ હોવાથી ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. રિઝર્વ બૅન્ક ઑફ ન્યુ ઝીલૅન્ડે ઑક્ટોબર ૨૦૨૧થી અત્યાર સુધીમાં ૩.૦૫ ટકા ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. 

વર્લ્ડની દરેક બૅન્ક ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરી રહી છે ત્યારે બૅન્ક ઑફ જપાને નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી ચાલુ રાખી છે એનાં મીઠાં ફળ હાલ મળી રહ્યાં છે. અમેરિકા અને તમામ યુરોપિયન દેશોના મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથ ઘટી રહ્યા છે ત્યારે જપાનનો મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરનો ગ્રોથ વધતાં જપાનનો પ્રાઇવેટ સેક્ટરનો ગ્રોથ સપ્ટેમ્બરમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૫૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૪૯.૪ પૉઇન્ટ હતો અને પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૫૦.૯ પૉઇન્ટ હતો. જપાનના સર્વિસ સેક્ટરનો ગ્રોથ ત્રણ મહિનાની ઊંચાઈએ અને મૅન્યુફૅક્ચરિંગ આઉટપુટ ૧૯ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યું હતું. વળી મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં સતત ૨૦મા મહિને એમ્પ્લોયમેન્ટ વધ્યું હતું. 

ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં ઑગસ્ટમાં ૦.૬ ટકાનો વધારો થયો હતો જે સતત આઠમા મહિને વધારો નોંધાયો હતો. જોકે જુલાઈમાં રીટેલ સેલ્સમાં ૧.૩ ટકાનો વધારો થયો હતો જે ઑગસ્ટમાં ઘટ્યો હતો. ખાસ કરીને કાફે રેસ્ટોરાં અને ફૂડ રિટેલિંગમાં મોટો વધારો નોંધાયો હતો તેમ જ ડિપાર્ટમેન્ટ સ્ટોરના સેલ્સમાં સતત બીજે મહિને વધારો થયો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

અમેરિકન ડૉલરમાં ફ્રી ફોલ ઘટાડાને પગલે સોનામાં ઝડપી ૧૦૦ ડૉલરથી વધુનો ઉછાળો માત્ર ગણતરીના દિવસોમાં આવી ગયો, પણ આ ઘટાડો ફન્ડામેન્ટલી સ્ટ્રોન્ગ નથી, કારણ કે ડૉલરનો ઘટાડો લાંબો સમય ઘટી શકે એમ નથી. અમેરિકાના પ્રાઇવેટ સેક્ટરના જૉબડેટા ગુરુવારે જાહેર થશે અને નૉન ફાર્મ પે-રોલ ડેટા શુક્રવારે જાહેર થશે. જો આ ડેટા ધારણા કરતાં નબળા આવશે તો ડૉલરનો ઘટાડો આગળ વધશે પણ આ બંને ડેટા અથવા તો એક ડેટા ધારણાથી વધુ સારા આવ્યા હોત તો ડૉલર અને ટ્રેઝરી યીલ્ડની
તેજી ફરી આગળ વધશે અને સોનું રિબાઉન્સ થશે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૧,૨૮૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૧,૦૮૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૧,૦૩૪
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market