અમેરિકી ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઊંચા મથાળેથી ઘટતાં સોના-ચાંદીમાં બાઉન્સબૅક

28 September, 2022 04:12 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ સતત બીજા મહિને ઘટતાં રિસેશનનો ભય વધ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી ડૉલર અને બૉન્ડના યીલ્ડની એકધારી મજબૂતી બાદ ઘટાડો નોંધાતાં સોના-ચાંદીમાં બાઉન્સબૅક જોવા મળ્યું હતુ. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનુંપ્રતિ ૧૦ ગ્રામ ૬૧ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૧૭ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન ડૉલર સતત મજબૂત બન્યા બાદ ઘટતાં સોનાના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને સોમવારે ૧૬૨૦ ડૉલર થયું હતું, જે વધીને મંગળવારે ૧૬૪૪.૨૦ ડૉલર થયું હતું. અમેરિકન ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને સાડાબાર વર્ષની ઊંચાઈએ ૩.૯ ટકાએ પહોંચતાં સોનાના ભાવ પર દબાણ વધ્યું હતું, પણ ઊંચા મથાળે ડૉલરમાં વેચવાલી આવતાં ડૉલર મંગળવારે ૦.૪ ટકા ઘટ્યો હતો તેની અસરે સોનામાં બાઉન્સબૅક જોવા મળ્યું હતું. સોનું-ચાંદી વધતાં તેના સથવારે પ્લૅટિનમ પણ વધ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનનો ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ ૨૦૨૨ના પ્રથમ આઠ મહિનામાં ગયા વર્ષની સરખામણીમાં ૨.૧ ટકા ઘટ્યો હોવાનો રિપોર્ટ નૅશનલ બ્યુરો ઑફ સ્ટૅટિસ્ટિકે આપ્યો હતો જે જાન્યુઆરીથી જુલાઈ દરમ્યાન ૧.૧ ટકા ઘટ્યો હતો. ખાસ કરીને ઝીરો કોવિડ પૉલિસીને કારણે સતત લૉકડાઉનને કારણે ઇન્ડસ્ટ્રીઝ સળંગ ચાલુ થઈ શકી નથી તેમ જ પાવર શૉર્ટેજ અને વર્લ્ડની ઇકૉનૉમિક ક્રાઇસિસને કારણે નવા ઑર્ડર અને બિઝનેસ મેળવવામાં દિવસે ને દિવસે વધી રહેલી તકલીફની અસર ઇન્ડસ્ટ્રિયલ પ્રૉફિટ પર સતત વધી રહી છે. 
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ ઇકૉનૉમિક ક્રાઇસિસને ખાળવા મંગળવારે છેલ્લા સાત મહિનાની સૌથી મોટી નાણાફાળવણી માર્કેટમાં કરી હતી. પીપલ્સ બૅન્કે મંગળવારે ૧૭૫ અબજ યુઆન (૨૪.૪૬ અબજ ડૉલર) માર્કેટમાં ઠાલવ્યા હતા, જેમાં ૧૧૩ અબજ યુઆન સાત દિવસના રિવર્સ રેપો દ્વારા અને ૬૨ અબજ ડૉલર ૧૪ દિવસના રિવર્સ રેપો દ્વારા ઠાલવ્યા હતા. ચીને રિવર્સ રેપો રેટને સપ્ટેમ્બર મહિનામાં બે ટકા જાળવી રાખવાનો નિર્ણય ઑગસ્ટમાં લીધો હતો, જે ૨૦૧૦થી ૨૦૨૨ સુધી ઍવરેજ ૨.૭૨ ટકા હતો. 

અમેરિકી ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધીને સાડાબાર વર્ષની ઊંચાઈએ ૩.૯ ટકાએ પહોંચ્યા હતા. ફેડ નવેમ્બરમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તે ધારણાને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડમાં નવી તેજી જોવા મળી હતી. ફેડરલ રિઝર્વે ૨૦૨૨નું ઇકૉનૉમિક આઉટલુક ઘટાડીને ઇન્ફલેશન વધવાનું પ્રોજેક્શન મૂકતાં ફેડરલ રિઝર્વને આગામી તમામ મીટિંગમાં ઓછામાં ઓછો ૭૫ બેસિસ પૉઇન્ટનો ઇન્ટરેસ્ટ રેટવધારો કરવો પડશે તેવી ધારણા માર્કેટની છે. 

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ

ફેડના આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાને કારણે સમગ્ર વિશ્વ મંદીની ગર્તામાં ધકેલાઈ ચૂક્યું છે. એકમાત્ર અમેરિકાના ઇકૉનૉમિક ડેટામાં મહામંદીના કોઈ સંકેતો જોવા મળતા નથી, પણ તે સિવાયના તમામ જાયન્ટ ઇકૉનૉમિક દેશોમાં મહામંદીના સ્પષ્ટ સંકેતો દેખાવા લાગ્યા છે. યુરોપિયન દેશો અને બ્રિટનની હાલત સૌથી વધુ ખરાબ છે. બ્રિટિશ પાઉન્ડ ઑલટાઇમ નીચી સપાટીએ પહોંચ્યો હતો. રશિયા દ્વારા યુરોપિયન દેશોને નૅચરલ ગૅસની સપ્લાય બંધ થતાં યુરોપિયન દેશોની ઇન્ડસ્ટ્રીઝને ફરજિયાત તાળાં લગાવવા પડે તેવી સ્થિતિ ઊભી થઈ છે, કારણ કે આગામી શિયાળામાં લોકોને જીવવા માટે ગૅસ પૂરો પાડવો પડે તેમ છે, જેને કારણે ઇન્ડસ્ટ્રીઝ બંધ કરવા સિવાય કોઈ વિકલ્પ નથી, આથી યુરોપિયન દેશો મહામંદીને રોકી શકે તેમ નથી. મહામંદીના સંજોગોમાં નૅચરલ ગૅસ, પેટ્રોલિયમ પ્રોડક્ટ સહિતની તમામ એનર્જી આઇટમોની ખપત ઘટશે, આથી ઇન્ફ્લેશન પર પણ કાબૂ મેળવી શકાશે. આ તમામ ઘટનાક્રમ સોનાના ભાવને તોડનારો છે આથી હવે સોનાનું બૉટમ શું બને છે તે જોવાનું રહેશે. હાલના તબક્કે જેમની પાસે નાણાં હોય તેઓએ દરેક ઘટાડે સોનાની ખરીદી કરવી જોઈએ, કારણ કે આગળનાં ૧૦થી ૨૦ વર્ષ સુધી સોનું ખરીદવાનો આવો મોકો આવવાનો નથી.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૪૯,૫૨૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૪૯,૩૩૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૫૫,૩૯૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market