અમેરિકામાં વધેલા જૉબલેસ ક્લેમ અને ડૉલરની નબળાઈથી સોના-ચાંદીમાં ભાવવધારો

11 September, 2020 12:52 PM IST  |  Mumbai | Mumbai correspondent

અમેરિકામાં વધેલા જૉબલેસ ક્લેમ અને ડૉલરની નબળાઈથી સોના-ચાંદીમાં ભાવવધારો

અમેરિકામાં વધેલા જૉબલેસ ક્લેમ અને ડૉલરની નબળાઈથી સોના-ચાંદીમાં ભાવવધારો

ડૉલરમાં નબળાઈ અને બેરોજગારી માટે ધારણા કરતાં વધારે લોકોએ અરજી કરી હોવાથી સોના-ચાંદીના ભાવમાં આજે ફરી વૃદ્ધિ જોવા મળી રહી છે. ગયા સપ્તાહના અંતે વધી રહેલા ડૉલર, શૅરબજારમાં વેચવાલી વચ્ચે સોનામાં દરેક ઉછાળે ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો, પણ હવે નવો નિર્દેશ મળવાની સાથે ફરી તેજીમય સેન્ટિમેન્ટ જોવા મળી રહ્યાં છે. ગયા શનિવારે પૂરા થયેલા સપ્તાહમાં અમેરિકામાં ૮.૮૪ લાખ લોકોએ જૉબલેસ કલેમ માટે અરજી કરી હતી જે ધારણા કરતાં વધારે છે. આ દર્શાવે છે કે અમેરિકામાં અર્થતંત્ર હજી પૂર્ણ રીતે સુધર્યું નથી અને મંદી લાંબી ચાલી શકે છે. અત્યારે સોનું ડિસેમ્બર વાયદો કૉમેક્સ પર ૦.૭૩ ટકા કે ૧૪.૩૦ ડૉલર વધીને ૧૯૬૯.૨૦ અને હાજરમાં ૦.૭૩ ટકા કે ૧૪.૨૨ ડૉલર વધી ૧૯૬૧.૦૬ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી ડિસેમ્બર વાયદો ૧.૮૨ ટકા કે ૪૯ સેન્ટ વધી ૨૭.૫૮ ડૉલર અને હાજરમાં ૧.૬૩ ટકા કે ૪૪ સેન્ટ વધી ૨૭.૪૨ ડૉલર પ્રતિ ઔંસ ચાલી રહ્યો છે. અમેરિકન ડૉલરમાં ફરી ઘટાડો જોવા મળ્યો હતો. ગયા સપ્તાહે એવી ચર્ચા હતી કે યુરો ઝોનની નિકાસને ટેકો આપવા માટે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક ડૉલર સામે નબળો યુરો પડે એવાં પગલાં લઈ શકે છે.
વૈશ્વિક બજારને પગલે
ભારતમાં સોના–ચાંદી વધ્યાં
ડૉલરની નબળાઈને કારણે બુધવારે રાતે જોવા મળેલા ઉછાળાની સાથે ભારતમાં પણ સોના-ચાંદીના ભાવમાં વધારો જોવા મળ્યો હતો. મુંબઈમાં હાજર બજારમાં આજે સોનું ૫૫૦ વધી ૫૩,૬૪૦ અને અમદાવાદમાં ૫૬૦ વધી ૫૩,૬૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ રહ્યું હતું. સોનું ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૧,૪૩૦ ખૂલી, ઉપરમાં ૫૧,૫૮૦ અને નીચામાં ૫૧,૨૪૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૩૯ વધીને ૫૧,૫૪૧ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૪૯ વધીને ૮ ગ્રામદીઠ ૪૧,૭૨૭ અને ગોલ્ડ-પેટલ સપ્ટેમ્બર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૮ વધીને ૧ ગ્રામદીઠ ૫૨૨૮ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑક્ટોબર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૨૦ વધીને બંધમાં ૫૧,૬૦૬ રૂપિયાના ભાવ રહ્યા હતા.
હાજર બજારમાં મુંબઈ ચાંદી ૧૦૮૫ ઊછળીને ૬૮,૪૭૦ અને અમદાવાદમાં ૧૧૦૦ વધી ૬૮,૪૫૦ રૂપિયા પ્રતિ કિલોની સપાટીએ બંધ રહ્યા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૮,૬૬૦ ખૂલી, ઉપરમાં ૬૯,૦૩૦ અને નીચામાં ૬૮,૪૭૧ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૫૦૮ વધીને ૬૮,૯૫૧ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની નવેમ્બર ૪૯૪ વધીને ૬૮,૮૯૩ અને ચાંદી-માઇક્રો નવેમ્બર ૫૦૨ વધીને ૬૮,૮૯૮ રૂપિયા બંધ રહ્યા હતા.
રૂપિયો ડૉલર સામે વધ્યો
વૈશ્વિક બજારમાં નબળો ડૉલર, ક્રૂડ ઑઇલના નરમ ભાવ અને શૅરબજારમાં તેજી સાથે રૂપિયો આજે ડૉલર સામે વધીને બંધ આવ્યો હતો. બુધવારે ૭૩.૫૫ની સપાટીએ બંધ રહેલો રૂપિયો આજે ૭૩.૧૬ની સપાટીએ ખૂલ્યો હતો અને પછી ડૉલરની માગ નીકળતાં એ ઉપરની સપાટી પરથી સરી પડ્યો હતો. દિવસના અંતે ડૉલર સામે રૂપિયો ૯ પૈસા વધી ૭૩.૪૬ની સપાટીએ બંધ આવ્યો હતો.

business news