ચીનના ગ્રોથરેટના પ્રોજેક્શનના ઘટાડાથી રિસેશનનો ભય વધતાં સોના-ચાંદીમાં મજબૂતી

19 August, 2022 02:47 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા અને યુરો એરિયાના ગ્રોથડેટા નબળા આવતાં સોનામાં ખરીદી વધી

પ્રતીકાત્મક તસવીર

ચીને એકાએક ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો કર્યા બાદ વર્લ્ડની ટૉપ લેવલની બૅન્કોએ ગ્રોથરેટના પ્રોજેક્શનમાં ઘટાડો કરતાં ગ્લોબલ રિસેશનનો ભય વધ્યો હતો જેને પગલે સોના-ચાંદી મજબૂત બન્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૭ રૂપિયા વધ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૭૨૧ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહ

ફેડરલ રિઝર્વના જુલાઈ મહિનાની મિનિટ્સમાં સપ્ટેમ્બરમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો કરશે? એ વિશેનો સ્પષ્ટ સંકેત મળ્યો નહોતો, પણ ચીનના ગ્રોથરેટના પ્રોજેક્શનમાં ગોલ્ડમૅન સાક્સ અને નોમુરાએ ઘટાડો કરતાં તેમ જ અમેરિકાના રીટેલ સેલ્સના ડેટા પણ નબળા આવતાં રિસેશનનો ભય વધતાં સોના-ચાંદી ગુરુવારે બપોર બાદ વધ્યાં હતાં. સોના-ચાંદી વધતાં પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ફેડરલ રિઝર્વની જુલાઈ મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં તમામ મેમ્બર્સે ઇન્ફ્લેશનના બે ટકાના ટાર્ગેટને હાંસલ કરવા તમામ પગલાં લેવાનો મત વ્યક્ત કર્યો હતો. ફેડના તમામ મેમ્બર્સનો મત હતો કે ઇન્ટરેસ્ટ રેટના વધારાને ધીમો કરવા પહેલાં ઇન્ફ્લેશન ઘટતું હોવાની ખાતરી મેળવવી જરૂરી છે, પણ ગ્રોથને ધ્યાનમાં રાખીને ઇન્ટરેસ્ટના વધારાની ગતિને ધીમી પાડવા બાબતે પણ લગભગ તમામ મેમ્બર્સ સંમત હતા. ફેડરલ રિઝર્વે માર્ચમાં ૨૫ બેસિસ પૉઇન્ટ, મે મહિનામાં ૫૦ બેસિસ પૉઇન્ટ અને જૂન અને જુલાઈમાં ૭૫-૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. આ રીતે ૨.૨૫ ટકા ઇન્ટરેસ્ટ રેટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨.૨૫થી ૨.૫૦ ટકાએ પહોંચાડ્યા હતા.અમેરિકાનું રીટેલ સેલ્સ જુલાઈમાં જળવાયેલું રહ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૦.૧ ટકા વધારાની હતી. જુલાઈમાં ગૅસોલિનના ભાવમાં ૭.૭ ટકાનો ઘટાડો થયો હોવા છતાં ગૅસોલિનનું સેલ્સ જુલાઈમાં ૧.૮ ટકા ઘટ્યું હતું. આ ઉપરાંત મોટર વેહિકલ, પાર્ટ્સ, ક્લોધિંગ અને ઍક્સેસરીઝનું સેલ્સ જુલાઈમાં ઘટ્યું હતું. ફૂડ આઇટમો અને ઍમેઝૉનના પ્રાઇમ ડે ઇવેન્ટને કારણે નૉન-સ્ટોર સેલ્સ વધ્યું હતું. અમેરિકાની મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરી જૂનમાં ૧.૪ ટકા વધી હતી, જે મે મહિનામાં ૧.૬ ટકા વધી હતી. વાર્ષિક ધોરણે મૅન્યુફૅક્ચરિંગ અને ટ્રેડ ઇન્વેન્ટરી જૂનમાં ૧૮.૫ ટકા વધી હતી.

યુરો એરિયાનું ઇન્ફ્લેશન જુલાઈમાં નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૮.૯ ટકા રહ્યું હતું જે જૂનમાં ૮.૬ ટકા અને એક વર્ષ અગાઉ માત્ર ૨.૨ ટકા હતું. જુલાઈ મહિનાના એનર્જી આઇટમોના ભાવ ૩૯.૬ ટકા વધ્યા હતા જે જૂનમાં ૪૨ ટકા વધ્યા હતા. એનર્જી આઇટમોનો ભાવવધારો ધીમો પડ્યો હતો પણ ફૂડ અને આલ્કોહૉલના ભાવ જુલાઈમાં ૯.૮ ટકા વધ્યા હતા જે જૂનમાં ૮.૯ ટકા વધ્યા હતા. સર્વિસિસ પણ જુલાઈમાં ૩.૭ ટકા મોંઘી બની હતી, જે જૂનમાં ૩.૪ ટકા મોંઘી બની હતી. જૂનની સરખામણીમાં જુલાઈમાં ઇન્ફ્લેશન ૦.૧ ટકા વધ્યું હતું.

યુરો એરિયાનો કન્સ્ટ્રક્શન્સ ગ્રોથ જૂનમાં ૦.૧ ટકા વધ્યો હતો જે મે મહિનામાં ૨.૩ ટકા વધ્યો હતો, પણ કન્સ્ટ્રક્શન્સ ગ્રોથ છેલ્લા છ મહિનાનો સૌથી નીચો રહ્યો હતો. યુરો એરિયાનો ગ્રોથરેટ ૨૦૨૨ના સેકન્ડ ક્વૉર્ટરમાં ૦.૬ ટકા રહ્યો હતો જે ફર્સ્ટ ક્વૉર્ટરમાં ૦.૫ ટકા રહ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૭ ટકા ગ્રોથની હતી.

નોર્વેએ ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા અને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨૦ વર્ષની ઊંચાઈએ પહોંચાડ્યા હતા. નોર્વેએ જુલાઈમાં પણ ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ વધાર્યા હતા. ફિલિપીન્સની સેન્ટ્રલ બૅન્કે પણ ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૩.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. ફિલિપીન્સે ૨૦૨૨માં આ ચોથી વખત ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. ઘાનાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૩૦૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૨૨ ટકાએ પહોંચાડ્યા હતા. ઘાનાનું ઇન્ફ્લેશન જુલાઈમાં વધીને ૧૯ વર્ષની ઊંચાઈએ ૩૧.૭ ટકા રહ્યું હતું. નામ્બિયાની સેન્ટ્રલ બૅન્કે પણ ઇન્ટરેસ્ટ રેટમાં ૭૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૫.૫૦ ટકાએ પહોંચાડ્યા હતા.

ચીનની ઇકૉનૉમિક કન્ડિશન ઝડપથી બગડી રહી હોવાના સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ગોલ્ડમૅન સાક્સ અને નોમુરાએ ૨૦૨૨નો ચીનનો ગ્રોથરેટ અંદાજ ઘટાડ્યો હતો. ગોલ્ડમૅન સાક્સે અગાઉ ચીનના ગ્રોથરેટનો અંદાજ ૩.૩ ટકા મૂક્યો હતો જે ઘટાડીને ત્રણ ટકા કર્યો હતો તેમ જ જપાનની અગ્રણી બૅન્ક નોમુરાએ અગાઉ ૨૦૨૨નો ગ્રોથરેટ ૩.૩ ટકા મૂક્યો હતો એ ઘટાડીને હવે ૨.૮ ટકા કર્યો હતો. ચાઇનીઝ ગવર્નમેન્ટે ૫.૫ ટકાના ગ્રોથરેટનો અંદાજ મૂક્યો હતો, પણ પાછળથી ચાઇનીઝ ગવર્નમેન્ટે સ્વીકાર્યું હતું કે ગ્રોથરેટનો અંદાજ સિદ્ધ થશે નહીં. ગોલ્ડમૅન સાક્સે જણાવ્યું હતું કે ચીન હાલ છેલ્લાં ૧૦ વર્ષનો સૌથી ખરાબ હિટવેવનો સામનો કરી રહ્યું છે. ઉપરાંત અનેક વિસ્તારમાં પાવરકટની સ્થિતિ ઊભી થઈ છે. વળી મે-જૂનમાં કોરોનાના કેસના સતત વધારાને કારણે જુલાઈ મહિનામાં પ્રૉપટી ઇન્વેસ્ટમેન્ટ અને અન્ય ઇન્વેસ્ટમેન્ટમાં મોટો ઘટાડો નોંધાયો હતો.  

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

ફેડરલ રિઝર્વની જુલાઈ મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં ઇન્ટરેસ્ટ રેટના વધારાને ધીમો પાડવા બાબતે તમામ મેમ્બર્સ સંમત થતાં હવે ઑગસ્ટ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા પર નજર રહેશે. જો ઑગસ્ટ મહિનાનું ઇન્ફ્લેશન જુલાઈની જેમ વધુ ઘટશે તો સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ ૨૫ કે ૫૦ બેસિસ પૉઇન્ટ જ વધશે એવી ચર્ચા ચાલુ થશે, જે સોનાને ધીમી ગતિએ મજબૂત બનાવશે.

ભારતની સોનાની માગ સેકન્ડ ક્વૉર્ટરમાં ૪૩ ટકા વધી : વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલ

ભારતની સોનાની માગ ૨૦૨૨ના બીજા ક્વૉર્ટરમાં જથ્થાની દૃષ્ટિએ ૪૩ ટકા અને વૅલ્યુની દૃષ્ટિ ૫૪ ટકા વધી હોવાનો રિપોર્ટ વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે આપ્યો હતો. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના રિપોર્ટ અનુસાર ભારતની સોનાની માગ સેકન્ડ ક્વૉર્ટરમાં જથ્થાની દૃષ્ટિએ ૧૭૦.૭ ટન રહી હતી, જે ગયા વર્ષના સેકન્ડ ક્વૉર્ટરથી ૪૩ ટકા વધુ હતી, જ્યારે ભારતની સોનાની જ્વેલરીની માગ સેકન્ડ ક્વૉર્ટરમાં ૧૪૦.૩ ટન રહી હતી જે ગત વર્ષના સેકન્ડ ક્વૉર્ટરમાં ૯૪ ટન રહી હતી. આમ જ્વેલરી ડિમાન્ડ  સેકન્ડ ક્વૉર્ટરમાં ૪૯ ટકા વધી હતી. વૅલ્યુની દૃષ્ટિએ સેકન્ડ ક્વૉર્ટરમાં સોનાની માગ ૭૯,૨૭૦ કરોડ રૂપિયાની રહી હતી જે ગત વર્ષે સેકન્ડ ક્વૉર્ટરમાં ૫૧,૫૪૦ કરોડ રૂપિયાની રહી હતી. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૨,૦૮૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૮૭૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૫૭,૧૦૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news