સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોનું-ચાંદી મક્કમ

24 October, 2020 12:05 PM IST  |  Mumbai | Mumbai correspondent

સ્ટિમ્યુલસની આશાએ ડૉલર નબળો પડતાં સોનું-ચાંદી મક્કમ

પ્રતીકાત્મક તસવીર

વૈશ્વિક સોનું અને ચાંદીની વધ-ઘટ માટે આ સપ્તાહમાં સૌથી મોટાં બે પરિબળ રહ્યાં હતાં. એક અમેરિકન ડૉલરમાં વધ-ઘટ અને બીજું અમેરિકામાં ઑગસ્ટમાં જેની મુદત પૂરી થઈ છે એવા આર્થિક સહાયના પૅકેજ વિશે ચાલી રહેલી ચર્ચા. મંગળવારે આ પૅકેજ વિશે અંતિમ નિર્યણ લેવાય એવી શક્યતા વચ્ચે આજે પણ એની આશા સાથે ચર્ચા ચાલી રહી છે. અમેરિકામાં નાગરિકો અને ઠપ પડી ગયેલા બિઝનેસને વધારાની સહાય આપવામાં આવે એવી શક્યતા છે. આ અબજો ડૉલરના પૅકેજને કારણે અમેરિકન ડૉલર નબળો પડી રહ્યો છે અને ડૉલરની નબળાઈથી શૅર અને સોનું વધી રહ્યાં છે.
અમેરિકન ડૉલરનું વિશ્વનાં ૬ અગ્રણી ચલણ સામે મૂલ્ય નક્કી કરતો ડૉલર ઇન્ડેક્સ આજે ફરી ૦.૧૬ ટકા ઘટી ગયો છે અને એને કારણે સોનું ૧૯૦૦ ડૉલરની ઉપર અને ચાંદી ૨૫ ડૉલર પ્રતિ ઔંસની નજીક ટકી રહ્યાં છે. અમેરિકન સત્રમાં સોનું ડિસેમ્બર વાયદો ૦.૨૩ ટકા કે ૪.૩૦ ડૉલર વધી ૧૯૦૮.૯૦ અને હાજરમાં ૦.૨૩ ટકા કે ૪.૨૯ ડૉલર વધી ૧૯૦૮.૪ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી વાયદો ૦.૩૩ ટકા કે ૮ સેન્ટ વધી ૨૪.૭૯ અને હાજરમાં એક સેન્ટ વધી ૨૪.૭૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
બજારમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પ અને તેમના સ્પર્ધક જૉ બાયડન વચ્ચે યોજાયેલી બીજ ડિબેટની કોઈ અસર જોવા મળી રહી નથી. કોઈ પણ ઉમેદવારે આ ડિબેટમાં એવાં કોઈ નિવેદન કર્યાં નહોતાં જેનાથી અર્થતંત્રના પ્રતિબિંબ એવા બજારે કોઈ વિચાર કરવો પડે. વૈશ્વિક બજારમાં સોનાના ભાવની વધ-ઘટ અત્યારે એક નાણાકીય પ્રોડક્ટની જેમ ચાલી રહી છે. હાજરમાં લોકોની જ્વેલરીની માગ ૩૦ ટકા જેટલી ઘટી ગઈ છે, પણ સામે એક્સચેન્જ ટ્રેડેડ ફન્ડમાં રોકાણ થઈ રહ્યું છે. આ રોકાણને કારણે વળતરની આશા માગ અને પુરવઠાને બદલે હવે બજારમાં નાણાપ્રવાહિતા આધારિત બની છે. શૅરબજાર અને સોનામાં વૃદ્ધિ એકબીજાથી વિપરીત હોય છે, પણ અત્યારે બન્ને સાથે વધી કે ઘટી રહ્યા છે. દરમ્યાન, વિશ્વની સેન્ટ્રલ બૅન્ક દ્વારા ઑગસ્ટમાં સોનાનું વેચાણ કર્યું હોવાના અહેવાલ આવી રહ્યા છે.
ભારતમાં સોના-ચાંદીના ભાવમાં વૃદ્ધિ
આજે હાજર બજારમાં મુંબઈમાં સોનું ૧૯૦ વધી ૫૩,૦૯૦ અને અમદાવાદમાં ૧૩૫ વધી ૫૩,૦૦૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામની સપાટીએ બંધ હતું. સોનું ડિસેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૫૦,૮૬૫ ખૂલી, ઉપરમાં ૫૦,૯૭૭ અને નીચામાં ૫૦,૬૮૪ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૮૩ વધીને ૫૦,૯૪૯ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૩ ઘટીને ૮ ગ્રામદીઠ ૪૦,૭૯૨ અને ગોલ્ડ-પેટલ ઑક્ટોબર કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫ ઘટીને ૧ ગ્રામદીઠ ૫૧૦૨ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની નવેમ્બર વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૯૦ વધીને બંધમાં ૫૦,૯૩૧ રૂપિયાના ભાવ રહ્યા હતા.
મુંબઈમાં હાજર ચાંદી ૭૨૦ વધી ૬૪,૫૦૦ અને અમદાવાદમાં ૬૮૫ વધી ૬૪,૪૨૫ રૂપિયા પ્રતિ કિલોના ભાવે બંધ રહી હતી. ચાંદીના વાયદાઓમાં ચાંદી ડિસેમ્બર કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૬૨,૬૫૮ ખૂલી, ઉપરમાં ૬૨,૯૭૮ અને નીચામાં ૬૨,૧૭૪ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૨૫૮ વધીને ૬૨,૮૭૩ રૂપિયા બંધ રહ્યો હતો.
સાપ્તાહિક રીતે સોનું
અને ચાંદી વધ્યાં
આ સપ્તાહ દરમ્યાન વૈશ્વિક બજારમાં સોના-ચાંદીના ભાવમાં વધ-ઘટ માટેનું સૌથી મોટું પરિબળ ડૉલરના ભાવની સપાટી હતી. ડૉલર ઇન્ડેક્સની વધ-ઘટના આધારે બન્ને ધાતુઓના ભાવ સાંકડી વધ-ઘટ સાથે બંધ રહ્યા હતા. અમેરિકન ડૉલર આ સપ્તાહમાં ૧.૧૪ ટકા ઘટ્યો હતો. આ ઘટાડા સામે ચાંદી ૧.૭૪ ટકા અને સોનું ૦.૦૭ ટકા જ વધ્યા હતા.
સપ્તાહ દરમ્યાન ભારતમાં હાજર સોનું અને ચાંદી વધ્યાં હતાં. હાજરમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૦૫ અને ચાંદી ૧૧૦૦ રૂપિયા પ્રતિ કિલો વધી હતી. વાયદાઓમાં સોનું ડિસેમ્બર વાયદો સપ્તાહના પ્રારંભે ૧૦ ગ્રામદીઠ ૫૦,૫૮૬ના ભાવે ખૂલી, સપ્તાહ દરમ્યાન ઇન્ટ્રા-ડેમાં ઉપરમાં ૫૧,૪૫૪ અને નીચામાં ૫૦,૪૩૭ રૂપિયાના મથાળે અથડાઈ, સપ્તાહના અંતે ૫૪ (૦.૧૧ ટકા) વધી ૫૦,૭૬૬ રૂપિયાના સ્તરે બંધ થયો હતો.

business news