ગ્લોબલ ઇક્વિટી ફન્ડમાં ઇન્વેસ્ટરોનું રોકાણ વધતાં સોના-ચાંદીમાં આગળ વધતો ઘટાડો

19 June, 2021 12:37 PM IST  |  Mumbai | Mayur Mehta

બૅન્ક ઑફ જપાને ઇઝી મૉનેટરી પૉલિસીની મુદત લંબાવતા સોનામાં ઘટાડો ધીમો પડ્યો

મિડ-ડે લોગો

અમેરિકન ફેડરલ રિઝર્વે ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાની જાહેરાત કરતાં છેલ્લા બે દિવસથી વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદીના ભાવ સતત તૂટી રહ્યા છે. ફેડના નિર્ણયને પગલે બુલિયન ઇન્વેસ્ટરો ઝડપથી ઇક્વિટી ફન્ડમાં શિફટ થઈ રહ્યા છે. આક્રમક વૅક્સિનેશન અને ઝડપી ઇકૉનૉમિક રિકવરીને પગલે ડૉલર પણ સુધરી રહ્યો હોઈ સોના-ચાંદી પર દબાણ વધી રહ્યું છે જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૩૩ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહો
વૈશ્વિક બજારમાં બુલિયન બજારમાં કડાકો બોલી ગયો છે. સોના-ચાંદીમાં ચાલુ સપ્તાહ દરમ્યાન માર્ચ ૨૦૨૦ બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકન ફેડરલ રિઝર્વ બૅન્ક દ્વારા વ્યાજદરમાં વધારો કરવાની જાહેરાત કર્યા બાદ ડૉલર ઈન્ડેક્સમાં સુધારો આવતા સોનું ઘટીને એક તબક્કે ૧૭૮૧ ડૉલર સુધી પહોંચ્યા બાદ શુક્રવારે સાંજે ૧૭૯૩ ડૉલર બોલાયું હતું.  સોનામાં સપ્તાહ દરમ્યાન સરેરાશ પાંચ ટકાનો ઘટાડો આવ્યો છે, જે માર્ચ ૨૦૨૦ બાદનો સૌથી મોટો સાપ્તાહિક ઘટાડો છે. અમેરિકન ડૉલર ઈન્ડેક્સ બે મહિનાની ઊંચી સપાટીએ પહોંચી ગયો છે.
ટેક્નિકલ એનલિસ્ટો માને છે કે સોનાએ ૧૮૦૦ ડૉલર પ્રતિ ઓંસની અતિ મહત્ત્વની સાઇકોલૉજિક સપાટી તોડી હોવાથી હવે વધુ તૂટી શકે છે. સોનામાં ૧૦૦ અને ૨૦૦ દિવસની મુવિંગ એવરેજ પણ તૂટી ગઈ છે, જેને પગલે હવે મંદીનો ટ્રેન્ડ જોવા મળી શકે છે. ચાંદીના ભાવ પણ સપ્તાહ દરમ્યાન છ ટકા જેટલા તૂટીને ૨૬.૦૯ ડૉલરની સપાટી પર પહોંચ્યા છે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટ 
બૅન્ક ઑફ જપાને બે દિવસની બેઠક બાદ વ્યાજદર સ્થિર રાખવાનો નિર્ણય લીધો છે. જપાને ટૂંકા ગાળાના વ્યાજદર નેગેટિવ ૦.૧ ટકા અને ૧૦ વર્ષના બૉન્ડના રેટ ઝીરો ટકા પણ જાળવી રાખ્યા છે. બૅન્ક ઑફ જપાને સપ્ટેમ્બર સુધી પેનડેમિક રિલીફ જાળવી રાખવાનો નિર્ણય લીધો હતો, ઉપરાંત ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યુટોને વધુ પૅકેજ આપવા નવી યોજના શરૂ કરવાનો નિર્ણય લીધો હતો. ગ્લોબલ ઇક્વિટી ફન્ડમાં ૧૬ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ૧૦.૩ અબજ ડૉલરનું નવું ઇન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું હતું જેમાં અગાઉના સપ્તાહે ૧૩ અબજ ડૉલરનો આઉટફ્લો જોવા મળ્યો હતો. ઇક્વિટી ફન્ડમાં ઇન્વેસ્ટમેન્ટ છેલ્લા ત્રણ મહિનાનું સૌથી વધુ જોવા મળ્યુ હતું. ખાસ કરીને અમેરિકન, યુરોપિયન અને એશિયન ઇક્વિટી ફન્ડમાં સૌથી વધુ ઇન્વેસ્ટમેન્ટ જોવા મળ્યું હતું. બૅન્ક ઑફ જપાનના ઇઝી મૉનેટરી પૉલિસી લંબાવવાના નિર્ણયને પગલે સોનામાં ઘટાડો થોડો ધીમો પડ્યો હતો. 
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
અમેરિકન પ્રેસિડન્ટ જો બાઇડનના પૉઝિટિવ અપ્રોચને કારણે ગ્લોબલ ટેન્શન સતત ઘટી રહ્યું છે. તાજેતરમાં યોજાયેલી જી-સેવન દેશોની મીટિંગમાં અનેક મુદ્દે એકબીજા દેશો વચ્ચે સહમતી સધાઈ હતી. કોરોનાનું સંક્રમણ હવે મોટા ભાગના દેશોમાં ઘટી રહ્યું હોઈ તેમ જ ઇકૉનૉમિક રિકવરી ફાસ્ટ બની હોઈ સોનામાં હવે શૉર્ટ ટર્મથી માંડીને લૉન્ગ ટર્મ તેજી થવાના કોઈ ચાન્સીસ હાલ દેખાતા નથી. 

business news mayur mehta