બૉન્ડ યીલ્ડ વધતાં સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો

15 January, 2021 02:01 PM IST  |  Mumbai | Mayur Mehta

બૉન્ડ યીલ્ડ વધતાં સોનામાં વધુ ઘટાડો જોવા મળ્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી નવનિયુક્ત પ્રેસિડન્ટ જો બાઇડન દ્વારા ટૂ ટ્રિલ્યન રિલીફ પૅકેજ આવવાની ચર્ચાને પગલે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચતાં વર્લ્ડ માર્કેટમાં સોનું-ચાંદી ઘટ્યાં હતાં, જેને પગલે સ્થાનિક માર્કેટમાં પણ સોનું-ચાંદી ઘટ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૬૬થી ૪૬૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૪૧ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહો
અમેરિકન હાઉસ ઑફ રિપ્રેઝન્ટેન્ટિવ (કૉન્ગ્રેસ)એ ડોનાલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટીને મંજૂરીની મહોર લગાવી દીધા બાદ આ મામલો હવે સેનેટમાં જશે, ડોનાલ્ડ ટ્રમ્પની હકાલપટ્ટીની ચર્ચા વચ્ચે જો બાઇડન એક કે બે દિવસમાં બે ટ્રિલ્યન ડૉલરનું રિલીફ પૅકેજ જાહેર કરે એવી શક્યતા ચર્ચાઈ રહી છે જેની અસરે ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ૧૦ મહિનાની ઊંચાઈએ પહોંચ્યા હતા અને ડૉલર સુધર્યો હતો. અમેરિકી ડૉલર સુધરતાં સોનામાં વેચવાલીનો દોર જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં હાલમાં સોનું ૧૮૪૦થી ૧૮૬૦ ડૉલરની રેન્જમાં અથડાઈ રહ્યું છે, કારણ કે રિલીફ પૅકેજની સોનાના ભાવ પર નેગેટિવ અને પૉઝિટિવ બન્ને અસર પડવાની છે. કઈ અસરનું પલડું ભારે રહેશે એ વિશેની અનિશ્ચિતતાને કારણે ડૉલરની વધ-ઘટના આધારે સોના-ચાંદીના ઇન્વેસ્ટરો ખરીદ-વેચાણ કરી રહ્યા છે. બાઇડનના રિલીફ પૅકેજ બાદ સોનાના ભાવને નવી સ્પષ્ટ દિશા મળવાની ધારણા છે.
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
યુરોપિયન યુનિયનની સૌથી મોટી ઇકૉનૉમી ધરાવતા જર્મનીનનો ઇકૉનૉમિક ગ્રોથ કોરોના વાઇરસની અસરે ૯ વર્ષ પછી પ્રથમ વખત ઘટ્યો હતો. જર્મનીનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૦માં પાંચ ટકા ઘટ્યો હતો અને જર્મનીને ૨૦૨૦માં ૧૫૮.૨ અબજ યુરોની ડેફિસિટનો સામનો કરવો પડ્યો હતો. બૅન્ક ઑફ જપાનની પૉલિસી મીટિંગ આવતા સપ્તાહે યોજાવાની છે એના અનુસંધાને બૅન્ક ઑફ જપાનના ગવર્નર હોરુહિકો કુરુરોડાએ જણાવ્યું હતું કે કોરોના વાઇરસની સ્થિતિને પહોંચી વળવા બૅન્ક ઑફ જપાન સ્ટિમ્યુલસ પૅકેજ કોઈ પણ જાતના વિલંબ વગર લાવવા તૈયાર છે. કુરુરોડાની કમેન્ટ બાદ આવતા સપ્તાહે બૅન્ક ઑફ જપાનનું મેગા સ્ટિમ્યુલસ જાહેર થવાની ધારણા છે જે વર્લ્ડ માર્કેટમાં લિક્વિડિટીની પોઝિશન સુધારશે. ચીનની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૧૮.૧ ટકા વધીને નવી ઊંચાઈએ પહોંચી હતી. માર્કેટની ૧૫ ટકા વધારાની ધારણા કરતાં એક્સપોર્ટ વધી હતી જ્યારે ચીનની ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં ૬.૫ ટકા વધી હતી જે પણ માર્કેટની પાંચ ટકા વધારાની ધારણા કરતાં વધુ રહી હતી.
શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ ભાવિ
અમેરિકાની ફિઝિકલ ડેફિસિટ સતત વધી રહી છે. ૨૦૨૦-૨’૧ના ફાઇનૅન્શિયલ યર કે જે ઑક્ટોબરથી શરૂ થાય છે એના પ્રથમ ત્રણ મહિના એટલે કે ઑક્ટોબરથી ડિસેમ્બર દરમ્યાન અમેરિકન તિજોરીમાંથી ૧૩૭૬ અબજ ડૉલરનો ખર્ચ થયો હતો અને એની સામે આવક માત્ર ૮૦૩ અબજ ડૉલર જ થઈ હતી. આમ પ્રથમ ત્રણ મહિનામાં બજેટ ડેફિસિટ ૫૭૩ અબજ ડૉલરે પહોંચી હતી જે ગયા વર્ષે આ સમયગાળામાં ૩૫૭ અબજ ડૉલર હતી. આમ અમેરિકાની બજેટ ડેફિસિટ જે ગતિએ વધી રહી છે એ જોતાં ઇકૉનૉમિક રિકવરી માટે બાયડન ઍડ્મિનિસ્ટ્રેશને લાંબા સમય સુધી શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજ જાહેર કરવાં પડશે અને દરેક રિલીફ પૅકેજ દ્વારા માર્કેટમાં લિક્વિડિટી વધતી જશે જે સોનાના ભાવને લૉન્ગ ટર્મ ઊંચે જવામાં સપોર્ટ કરશે. હાલમાં શૉર્ટ ટર્મ વૅક્સિનનાં રિઝલ્ટ અને અમેરિકામાં પાવરચેન્જના સમયગાળામાં સોનાના ભાવમાં મોટી વધ-ઘટ રહેશે.

ભારતમાં સોનાની ડિમાન્ડ ૨૦૨૧માં વધવાની વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલને આશા
કોરોના વાઇરસની અસરથી ૨૦૨૦માં સોનાના ભાવમાં ૨૪ ટકાનો વધારો થયો હતો તેમ જ ભારતમાં લૉકડાઉનને કારણે ગ્રાહકો જ્વેલરી શોરૂમ સુધી જઈ શક્યા નહોતા એને કારણે ભારતમાં સોનાની ડિમાન્ડને મોટો ધક્કો લાગ્યો હતો, પણ ૨૦૨૧માં ઇકૉનૉમિક રિકવરી વર્ષના પ્રારંભથી વેગ પકડી રહી છે તેમ જ લૉકડાઉનની સ્થિતિ પણ હવે પૂર્ણ થવા તરફ જ ઈરહી હોવાથી ૨૦૨૧માં ભારતમાં સોનાની ડિમાન્ડમાં વધારો થવાની આશા વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલના મૅનેજિંગ ડિરેક્ટર સોમસુંદરમે વ્યક્ત કરી છે.

business news