અમેરિકાનું ઇન્ફ્લેશન વધીને ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનું સતત ત્રીજા દિવસે વધ્યું

14 January, 2022 12:21 PM IST  |  Mumbai | Mayur Mehta

ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટતાં સોનાએ ઇન્ટરેસ્ટ રેટ વધારાના ડરને ડિસ્કાઉન્ટ કર્યો

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનું ઍન્યુઅલ ઇન્ફ્લેશન વધીને સાડાઓગણચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચતાં વર્લ્ડ માર્કેટમાં સોનું સતત ત્રીજા દિવસે વધ્યું હતું. વળી ઇન્ફ્લેશનના વધારા બાદ ડૉલર અને બૉન્ડ યીલ્ડ ઘટતાં ઇન્ટરેસ્ટ રેટ વધારાના ડરને સોનાએ ડિસ્કાઉન્ટ કર્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૮૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૨૨ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ
અમેરિકાનું ઍન્યુઅલ ઇન્ફ્લેશન ધારણા પ્રમાણે વધીને ૭ ટકાએ પહોંચતાં સોનામાં સતત ત્રીજા દિવસે ઉછાળો જોવા મળ્યો હતો. હાલના તબક્કે ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ ડરને સોનાની માર્કેટે ડિસ્કાઉન્ટ કર્યો છે. અમેરિકાનું ઇન્ફ્લેશન વધતાં ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ ઘટીને ૧.૭૫ ટકાએ પહોંચ્યા હતા જે ગયા સપ્તાહે બે વર્ષની ઊંચાઈએ ૧.૮ ટકા હતા. સોનું વધતાં ચાંદી અને પેલેડિયમ વધ્યાં હતાં, પણ પ્લૅટિનમમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો ઍન્યુઅલ ઇન્ફ્લેશન આંક વધીને ૭ ટકાની  સાડાઓગણચાલીસ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. નવેમ્બરમાં ઇન્ફ્લેશન ૬.૮ ટકા અને માર્કેટની ધારણા પણ ૬.૮ ટકાની હતી. ખાસ કરીને યુઝ્‍ડ કાર અને વેહિકલના ભાવમાં ડિસેમ્બરમાં ૩૭.૩ ટકાનો વધારો થતાં એની અસરે ઇન્ફલેશન નવી ઊંચાઈએ પહોંચ્યું હતું. અમેરિકાની બજેટ ડેફિસિટ ડિસેમ્બરમાં ઘટીને ૨૧.૩ અબજ ડૉલર થઈ હતી જે ગયા વર્ષે આ સમયે ૧૪૩.૫ અબજ ડૉલર હતી તેમ જ માર્કેટની ધારણા ૨૫ અબજ ડૉલરની ડેફિસિટ રહેવાની હતી. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન કરનારાની સંખ્યા જાન્યુઆરીના પ્રથમ સપ્તાહમાં ૧.૪ ટકા વધી હતી, જેમાં ખાસ કરીને હાઉસિંગ સેક્ટરમાં મોટો વધારો થયો હતો. રશિયાનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૬ વર્ષની ઊંચાઈએ ૮.૩૯ ટકાએ પહોંચ્યું હતું, જે નવેમ્બરમાં ૮.૪૦ ટકા હતું, રશિયામાં ઇન્ફ્લેશન ૨૦૨૧ના આરંભથી સતત વધી રહ્યું છે, રશિયાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ૪ ટકા નક્કી કર્યો છે. ભારતનું રીટેલ પ્રાઇસ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૫.૫૯ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૪.૯૧ ટકા હતું. ભારતમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ નવેમ્બરમાં ૧.૪ ટકા વધ્યું હતું જે ઑક્ટોબરમાં ૪ ટકા વધ્યું હતું. ભારતમાં કોરોનાના વધી રહેલા કેસ અને ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટના ડેટા નબળા આવતાં આગામી મહિનાઓમાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ ઘટવાના સંકેત મળી રહ્યા છે જે સોનાની તેજીને સપોર્ટ 
નહીં કરે. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાનું ઇન્ફ્લેશન જાહેર થવાની બધાને રાહ હતી, પણ હવે ઇન્ફ્લેશન ધારણા પ્રમાણે વધીને ૭ ટકાએ પહોંચતાં સોનાના ભાવમાં ઉછાળો નોંધાયો હતો. જ્યારે પણ ઇન્ફ્લેશન વધે ત્યારે સોનાની હેજિંગ ડિમાન્ડ વધે છે એવું વર્ષોથી થઈ રહ્યું છે, પણ અત્યારે કિસ્સો જુદો છે, કારણ કે હાલમાં અમેરિકાનું ઇન્ફ્લેશન વધે તો ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં તાત્કાલિક વધારો કરે એવી ધારણાને પગલે સોનામાં ઘટાડો થઈ શકે છે, પણ સોનાની માર્કેટે ઇન્ટરેસ્ટ રેટ વધવાના ડરને ડિસ્કાઉન્ટ કરીને વધી રહેલા ઇન્ફ્લેશનના ફૅક્ટરનું અનુસરણ કર્યું છે. અમેરિકાના ઇન્ફ્લેશનના વધારા સાથે સોનું વધતાં એક તારણ એવું નીકળે છે કે અમેરિકાનું વધી રહેલું ઇન્ફ્લેશન ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારાને કારણે વધતું અટકી જશે એવું માનવું ભૂલભરેલું ગણાશે. ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારે અને એપ્રિલથી જૂન સુધી જો ઇન્ફ્લેશન સતત ઊંચું રહે તો સોનામાં નવેસરથી તેજીની આગેકૂચ ચાલુ થઈ શકે છે. હાલમાં વધી રહેલા ઇન્ફ્લેશન પાછળ સપ્લાય ક્રન્ચ જવાબદાર છે, જ્યારે ઇન્ટરેસ્ટ રેટ વધારો ડિમાન્ડ ડ્રિવન ઇન્ફ્લેશનને રોકી શકે છે એથી કદાચ હાલનો ઇન્ફ્લેશનનો વધારો ફેડના ઇન્ટરેસ્ટ રેટના વધારાથી ન અટકે એવી વધુ શક્યતા છે.
આમ, સોનાની માર્કેટની દિશા નક્કી કરવા માટે આગામી દિવસોમાં બની રહેલી ઘટનાઓ પર બારીકાઈથી નજર રાખવી જરૂરી છે.

 

business news