ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયની આઇએમએફ દ્વારા ટીકા થતાં સોનું વધ્યું

12 January, 2022 01:34 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ધારણાથી નીચો આવવાની શક્યતા પર સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું

ફાઇલ તસવીર

અમેરિકન ફેડના બૅક-ટુ-બૅક ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયની આઇએમએફ (ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડ) દ્વારા આકરી ટીકા થતાં તેમ જ ઇન્ટરેસ્ટ રેટ ધારણાથી નીચો આવે તો ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણયની પુન: વિચારણા કરવી પડે એવી સ્થિતિની ચર્ચા શરૂ થતાં સોના-ચાંદી વધ્યાં હતાં. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૮ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૯ રૂપિયા વધ્યાં હતાં. 
વિદેશી પ્રવાહ
ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ચર્ચા વચ્ચે અમેરિકન ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ બે વર્ષની ઊંચાઈએ પાછા ફરતાં તેમ જ અમેરિકન ડૉલર ઘટતાં વર્લ્ડ માર્કેટમાં સોનું ફરી ૧૮૦૦ ડૉલરની સપાટીને પાર કરી ગયું હતું. ગોલ્ડમૅન સાક્સ દ્વારા ૨૦૨૨માં ચાર વખત ઇન્ટરેસ્ટ રેટ વધશે એવી નવી આગાહી વચ્ચે ઇન્ફ્લેશન રેટ ધારણાથી નીચો આવશે તો પણ ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? એ ચર્ચાએ પણ જોર પકડ્યું હતું. આવી ચર્ચા વચ્ચે સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પેલેડિયમ પણ વધ્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી નવેમ્બરમાં ૧.૪ ટકા વધી હતી જેની ધારણા ૧.૨ ટકા વધારાની હતી. જપાનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન, રીટેલ સેલ્સ અને જૉબમાર્કેટને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ચાર મહિનાની ઊંચાઈએ ૯૩.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૮૯.૮ પૉઇન્ટ હતો, આ ઇન્ડેક્સ સતત બીજે મહિને વધ્યો હતો. જપાનની કન્ઝ્યુમર્સ સેતન્ટમેન્ટ અને અન્ય ઇકૉનૉમિક ઍક્ટિવિટીને બતાવતો લીડિંગ ઇકૉનૉમિક્સ ઇન્ડેક્સ નવેમ્બરમાં વધીને ૧૦૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૧૦૧.૫ પૉઇન્ટ હતો. બ્રિટનનું રીટેલ સેલ્સ ડિસેમ્બરમાં ૦.૬ ટકા વધ્યું હતું જે નવેમ્બરમાં ૧.૮ ટકા વધ્યું હતું. કોરોના ઇફેક્ટને કારણે ક્રિસમસનો મહિનો હોવા છતાં ડિસેમ્બરમાં રીટેલ સેલ્સનો ગ્રોથ ધીમો પડ્યો હતો. ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં નવેમ્બરમાં ૭.૩ ટકાનો વધારો થયો હતો જેમાં ઑક્ટોબરમાં ૪.૯ ટકાનો વધારો થયો હતો. નેધરલૅન્ડ્સનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૨૯ વર્ષની ઊંચાઈએ ૫.૭ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૫.૨ ટકા હતું. ઇકૉનૉમિક ઇન્ડિકેટરની સોનાના ભાવ પર કોઈ મોટી અસર નહોતી. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ઇન્ટરનૅશનલ મૉનિટરી ફંડે તેના બ્લૉગમાં ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટ વધારવાની તજવીજની આકરી ટીકા કરીને સ્પષ્ટ ચેતવણી આપી હતી કે જો ફેડ ઇન્ટરેસ્ટ રેટ આક્રમક રીતે વધારશે તો એની વર્લ્ડના ઇકૉનૉમિક ગ્રોથ પર ખરાબ અસર પડશે. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધવાથી ડૉલર વધુ મજબૂત થશે જે અમેરિકાની એક્સપોર્ટને ઘટાડશે અને અનેક દેશોમાં ઇન્ફ્લેશન આસમાની ઊંચાઈએ જશે. ફેડની આ ચેતવણી બાદ ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારવાના નિર્ણય વિશે નવેસરથી ચર્ચા શરૂ થઈ છે. વળી કેટલાક એક્સપર્ટે કમેન્ટ કરી હતી કે અમેરિકામાં છેલ્લાં ત્રણ સપ્તાહથી રોજના ઍવરેજ પાંચ લાખ ઉપર કોરોનાના કેસ આવી રહ્યા છે. ઉપરાંત ૩૩ કરોડની વસ્તીમાં હાલ બે કરોડની આસપાસ કોરોનાના ઍક્ટિવ કેસ છે ત્યારે કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન ધારો કે ધારણાથી નીચો આવશે તો પણ ફેડ માર્ચમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે કે કેમ? આ ચર્ચા વચ્ચે અમેરિકાની ઇન્વેસ્ટમેન્ટ બૅન્ક ગોલ્ડમૅન સાક્સે ૨૦૨૨માં ફેડ ચાર વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી નવી આગાહી કરી હતી. અગાઉ માર્ચ, જૂન અને સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી આગાહી કરી હતી એની બદલે હવે ડિસેમ્બરમાં ચોથી વખત ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી આગાહી કરી હતી. આમ, બુધવારે મોડી રાતે જાહેર થનારા ઇન્ફ્લેશનના ડેટા સોના-ચાંદીના ભાવની દિશા નક્કી કરવા માટે નિર્ણાયક બનશે.

સેબીએ પ્રસ્તાવિત સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જની ગાઇડલાઇન બહાર પાડી

ભારતમાં પ્રસ્તાવિત સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ ઊભું થવા જઈ રહ્યું છે ત્યારે એનું નિયમન કરનારા સેબીએ સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જ અને ઇલેકટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટ માટેની ગાઇડલાઇન બહાર પાડી છે. ફિઝિકલ સોનાના જથ્થા સામે મળનારી ઇલેકટ્રોનિક ગોલ્ડ રિસિપ્ટને આધારે આ સ્પૉટ એક્સચેન્જમાં સોદા થશે. સેબીની ગાઇડલાઇન અનુસાર નૅશનલ લેવલના ગોલ્ડ સ્પૉટ એક્સચેન્જમાં ત્રણ પ્રકારના સોદા પડશે જેમાં (૧) ફિઝિકલ સોનાના જથ્થાનું ઇલેક્ટ્રોનિકસ રિસિપ્ટનું કન્વર્ઝન, (૨) ઇલેકટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટની ખરીદી અને વેચાણ અને (૩) ઇલેક્ટ્રોનિક્સ ગોલ્ડ રિસિપ્ટનું ફિઝિકલ ગોલ્ડમાં કન્વર્ઝન. ફિઝિકલ ગોલ્ડ કોઈ એક લોકેશન પર વૉલેટ મૅનેજરના માધ્યમથી ડિપોઝિટ થયા બાદ અન્ય કોઈ પણ લોકેશનમાં પરત મેળવી શકાશે. આ રીતે જ્વેલર્સ તેની જરૂરિયાત પ્રમાણે ગમે એ લોકેશનમાંથી સોનું મેળવી શકશે. પ્રસ્તાવિત સ્પૉટ ગોલ્ડ એક્સચેન્જનો પ્રારંભ વાઇબ્રન્ટ ગુજરાત સમિટમાં ગિફટ સિટીમાં થવાનો હતો, પણ વાઇબ્રન્ટ ગુજરાત સમિટ કોરોનાને કારણે કૅન્સલ થતાં નવી તારીખ જાહેર થશે. 

business news