અમેરિકામાં કોરોનાના જંગી કેસોને કારણે નવું સ્ટીમ્યુલેસ પૅકેજ આવવાની વાતોથી સોનું વધ્યું

11 January, 2022 04:07 PM IST  |  Mumbai | Mayur Mehta

બુધવારે જાહેર થનારા અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા બાદ ઇન્ટરેસ્ટ રેટના વધારાનું ભાવિ નક્કી થશે

ફાઇલ તસવીર

અમેરિકામાં કોરોનાના નવા કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે. હાલ અમેરિકામાં પોણાબે કરોડ કરતાં પણ વધારે ઍક્ટિવ કેસ હોવાથી નવું સ્ટીમ્યુલેસ પૅકેજ આવવાની વાતો શરૂ થતાં સોનાના ભાવ ઘટ્યા મથાળેથી સુધર્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૩૬૦ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ
અમેરિકન ઇન્ફ્લેશન ડેટા વધારે પડતાં ઊંચા આવશે તો ફેડ ઇન્ટરેસ્ટ રેટમાં માર્ચ પહેલા વધારો કરે એવી શક્યતાને પગલે વર્લ્ડ માર્કેટમાં સોનું ગગડીને ત્રણ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું, પણ કોરોનાના વધી રહેલા કેસોને કારણે નવા સ્ટીમ્યુલેસ પૅકેજ આવવાની શક્યતાઓની પણ ચર્ચા શરૂ થતાં સોનામાં નીચા મથાળેથી સુધારો જોવા મળ્યો હતો. સોનું ગત શુક્રવારે ઘટીને ૧૭૮૨.૧૦ ડૉલર થયું હતું જે સોમવારે સુધરીને ૧૭૯૮ ડૉલર સુધી સુધર્યું હતું. સોનું ઘટ્યા ભાવથી સુધરતાં ચાંદી અને પેલેડિયમના ભાવ પણ સુધર્યા હતા. જોકે પ્લૅટિનમ ઘટ્યું હતું. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાના નૉન-ફાર્મ પે-રોલ ડેટા ધારણા કરતાં અત્યંત નબળા આવ્યા હતા. ડિસેમ્બર મહિનામાં અમેરિકામાં ૧.૯૯ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી જેની ધારણા ચાર લાખની હતી અને નવેમ્બરમાં ૨.૧૦ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. નૉન-ફાર્મ પે-રોલ ડેટા સાત મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા હતા. અમેરિકાના જૉબડેટા નબળા આવ્યા હોવા છતાં અનએમ્પ્લોયમેન્ટ ઇન્ડેક્સ ઘટીને ૨૩  મહિનાની નીચી સપાટીએ ૩.૯ ટકાએ પહોંચ્યો હતો. અમેરિકન વર્કરોના વેતન ડિસેમ્બરમાં ૧૯ સેન્ટ એટલે કે ૦.૬ ટકા વધ્યા હતા જે નવેમ્બરમાં ૦.૪ ટકા વધ્યા હતા અને માર્કેટની ધારણા ૦.૪ ટકાની હતી. ચાલુ સપ્તાહે બુધવારે અમેરિકાના ડિસેમ્બરના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે. આ ઉપરાંત ચાલુ સપ્તાહે ભારત-ચીન અને બ્રાઝિલના પણ ઇન્ફ્લેશન ડેટા જાહેર થવાના છે. આ ઉપરાંત અમેરિકા, યુરો એરિયા, ભારત અને મૅક્સિકોના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનના પણ ડેટા જાહેર થશે. અમેરિકાના રીટેલ સેલ્સ અને કન્ઝ્યુમર્સ મોરલના ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. આમ, અમેરિકાના નબળા જૉબડેટાની અસરે સોનું સુધરવું જોઈએ એની બદલે ઘટ્યું હતું, પણ ચાલુ સપ્તાહે જાહેર થનારા ઇન્ફ્લેશનના ડેટા સોના માટે બહુ જ મહત્ત્વના સાબિત થશે. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકાના ડિસેમ્બર મહિનાના જૉબડેટા નબળા આવ્યા હતા, પણ ૨૦૨૧માં ઍવરેજ દર મહિને ૫.૩૭ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હોવાથી અને ૨૦૨૧માં અમેરિકામાં કુલ ૬૪.૪ લાખ લોકોને નોકરી મળી હતી. ઓવરઑલ જૉબડેટા બુલિશ હોવાથી ફેડરલ રિઝર્વ ડિસેમ્બરના નબળા જૉબડેટાને બહુ ધ્યાનમાં લેશે નહીં. હવે બધાને ડિસેમ્બર મહિનાના અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાની રાહ છે. મોટા ભાગની એજન્સીઓ અને ઍનલિસ્ટો બુધવારે જાહેર થનારું અમેરિકાનું ઇન્ફ્લેશન ૫.૪ ટકાથી સાત ટકા આવવાની ધારણા રાખી રહ્યા છે. જો અમેરિકાનું ઇન્ફ્લેશન સાત ટકા આવશે તો ચાર વર્ષનું સૌથી વધુ ઇન્ફ્લેશન હશે. જો ડિસેમ્બર મહિનાનું ઇન્ફ્લેશન વધુ ઊંચું આવશે તો ફેડ માર્ચ પહેલાં પણ ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો નિર્ણય લઈ શકે છે. હાલ ઍનલિસ્ટોના અંદાજ અનુસાર માર્ચ અને જૂન મહિનામાં બે વખત ઇન્ટરેસ્ટ રેટ વધારવાના ચાન્સ ૯૦ ટકા છે. ફેડ દ્વારા ટેપરિંગ માર્ચમાં પૂરું કરવાની જાહેરાત કરાઈ છે ત્યારે અમેરિકામાં કોરોનાના નવા કેસો કૂદકેને ભૂસકે વધી રહ્યા છે ત્યારે કેટલાંક જૂથો દ્વારા નવા સ્ટીમ્યુલેસ પૅકેજ લાવવાની તરફેણ થઈ રહી છે. આ મુદ્દો જો રાજકીય બનશે તો ફેડના મનસૂબા પર પાણી ફરી વળશે એ નક્કી છે. આ ઉપરાંત ઇન્ટરેસ્ટ રેટ વધ્યા બાદ પણ જો ઇન્ફ્લેશન કાબૂમાં નહીં આવે તો સોનાના ભાવ ઘટવાને બદલે બમણી ગતિથી વધી શકે છે. ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ ડિમાન્ડ આધારિત ઇન્ફ્લેશન રોકી શકાય છે, પણ સપ્લાયમાં ખાંચો પડતાં જે ઇન્ફ્લેશન વધ્યું હોય એને ઇન્ટરેસ્ટ રેટ વધારવાથી રોકી શકવું બહુ જ મુશ્કેલ હોવાનું નિષ્ણાતો માની રહ્યા છે. ઇન્ટરેસ્ટ રેટ વધ્યા બાદ પણ જો ઇન્ફ્લેશન વધતું રહેશે તો સોનું જોતજાતામાં ૨૦૦૦ ડૉલરની સપાટીને કુદાવી દેશે. આમ હવે આગામી મહિનામાં ફેડના તમામ નિર્ણયો અને એની અસર સોના-ચાંદીના ભાવ નક્કી કરવામાં નિર્ણાયક ભૂમિકા ભજવશે. 

સૉવરિન ગોલ્ડ બૉન્ડની નવમી સિરીઝ શરૂ થઈ, છેલ્લી તારીખ ૧૪ જાન્યુઆરી રહેશે 

નરેન્દ્ર મોદી ગવર્નમેન્ટની બહુ જ પ્રતિષ્ઠિત સૉવરિન ગોલ્ડ બૉન્ડની ૨૦૨૧-૨૨ના વર્ષની નવમી સિરીઝની શરૂઆત ૧૦ જાન્યુઆરીથી થઈ છે જેની છેલ્લી તારીખ ૧૪ જાન્યુઆરી છે. રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ નવમી સિરીઝ માટે સોનાનો ભાવ પ્રતિ એક ગ્રામ ૪૭૮૬ રૂપિયા નક્કી કર્યો છે. આ સ્કીમમાં ઑનલાઇન નાણાં ભરનારાઓને પ્રતિ ગ્રામ ૫૦ રૂપિયા ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. અગાઉ ૨૯ નવેમ્બરથી ૩ ડિસેમ્બર સુધી ચાલેલી ગોલ્ડ બૉન્ડ સ્કીમમાં સોનાનો ભાવ ૪૭૯૧ રૂપિયા પ્રતિ ગ્રામ હતો. 

business news