ચીનનું ઇન્ફ્લેશન વધતાં અને અમેરિકન ડૉલર યીલ્ડ ઘટતાં સોનામાં સતત બીજા દિવસે સુધારો

12 May, 2022 03:35 PM IST  |  Mumbai | Gujarati Mid-day Correspondent

ચીનમાં કોરોનાના કેસ એક જ દિવસમાં ૫૧ ટકા ઘટતાં સોનાની ફિઝિકલ ડિમાન્ડ વધવાની ધારણા

પ્રતીકાત્મક તસવીર

ચીનનું ઇન્ફ્લેશન વધીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચતાં તેમ જ અમેરિકન ડૉલર અને ટ્રૅઝરી બૉન્ડના યીલ્ડ ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધતાં સતત બીજે દિવસે સુધારો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં રૂપિયાની સતત બીજે દિવસે મજબૂતીથી સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૨૩ રૂપિયા ઘટ્યાં હતાં. 

વિદેશી પ્રવાહ 
અમેરિકામાં ઇન્ફ્લેશનના ડેટા અગાઉ ડૉલરનું મૂલ્ય ૦.૫ ટકા ઘટ્યું હતું તેમ જ ટ્રૅઝરી બૉન્ડના યીલ્ડ ત્રણ ટકાથી અંદર ઊતરી જતાં સોનામાં ખરીદીનો સપોર્ટ મળ્યો હતો અને સતત બીજે દિવસે સોનામાં સુધારો જોવા મળ્યો હતો. વળી ચીનનું ઇન્ફ્લેશન સુધરીને પાંચ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનાના સુધારાને સપોર્ટ મળ્યો હતો. સોનું સુધરતાં ચાંદી અને પ્લૅટિનમ સુધર્યાં હતાં, પણ પૅલેડિયમમાં ભાવ ઘટ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
ચીનનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને પાંચ મહિનાની ઊંચાઈએ ૨.૧ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૧.૫ ટકા હતું. જોકે ચીનનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને એક વર્ષની નીચી સપાટીએ આઠ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૮.૩ ટકા રહ્યું હતું અને માર્કેટની ધારણા ૭.૭ ટકાની હતી. ચીનમાં ફૂડ પ્રાઇસ છેલ્લા પાંચ મહિનામાં પ્રથમ વખત એપ્રિલમાં ૧.૯ ટકા વધી હતી જે માર્ચમાં ૧.૫ ટકા ઘટી હતી. ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી અને લૉકડાઉન અનેક શહેરોમાં લાગુ પડતાં એની ઇકૉનૉમિક ઍક્ટિવિટી પર ગંભીર અસર જોવા મળી રહી છે, ચીનનું ઑટો સેલ્સ એપ્રિલમાં ૪૭.૬ ટકા ઘટીને ૧૧.૮૦ લાખ ટન યુનિટ જ રહ્યું હતું જે છેલ્લાં સવાબે વર્ષનો સૌથી મોટો ઘટાડો હતો. અમેરિકામાં મૉર્ગેજ ઍપ્લિકેશન ૬ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે સતત બીજે સપ્તાહે વધી હતી. ઉનાળુ સીઝન ચાલુ થતાં અમેરિકામાં મકાનો ખરીદવાનો ક્રેઝ વધતો હોવાથી સતત બીજે સપ્તાહે મૉર્ગેજ ઍપ્લિકેશનની સંખ્યા બે ટકા વધી હતી. જપાનની ફૉરેન એક્સચેન્જ રિઝર્વ એપ્રિલમાં ઘટીને ૧.૩૨ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે માર્ચના અંતે ૧.૩૫ ટ્રિલ્યન ડૉલર હતી. જર્મનીનું ઇન્ફ્લેશન એપ્રિલમાં ઑલટાઇમ હાઈ સપાટી ૭.૪ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૭.૩ ટકા હતું. જર્મનીમાં એનર્જી પ્રાઇસ એપ્રિલમાં ૩૫.૩ ટકા અને ફૂડ પ્રાઇસ ૮.૬ ટકા વધી હતી. પોર્ટુગલનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૨૯ વર્ષની ઊંચાઈએ ૭.૨ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૫.૨ ટકા હતું જે પ્રિલિમિનરી એસ્ટિમેટમાં ૭.૨ ટકા જ રહ્યું હતું. રોમાનિયાનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૧૮ વર્ષની ઊંચાઈએ ૧૩.૭૬ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૧૦.૧૫ ટકા જ હતું. ચીનનું ઇન્ફ્લેશન વધતાં સોનામાં ઘટ્યા મથાળેથી સતત બીજે દિવસે સુધારો જોવા મળ્યો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડ અને બૅન્ક ઑફ ઇંગ્લૅન્ડ તેમ જ અન્ય સેન્ટ્રલ બૅન્કોની રાહે હવે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવા આગળ વધી રહી છે. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના પ્રેસિડન્ટ લગાર્ડેએ એક મીટિંગમાં જુલાઈ મિટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપ્યો હતો. યુરો એરિયાનું ઇન્ફ્લેશન યુરોપિયન સેન્ટ્રલ બૅન્કના બે ટકાના ટાર્ગેટ કરતાં હાલ ત્રણ ગણું હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા સિવાય છૂટકો નથી. યુરોપિયન સેન્ટ્રલ બૅન્કે એપ્રિલ મીટિંગમાં ટ્રૅઝરી બૉન્ડનું બાઇંગ ત્રીજા ક્વૉર્ટરથી બંધ કરવાનો નિર્ણય લીધો હતો ત્યારે જ ઇકૉનૉમિસ્ટોને ખાતરી હતી કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક નજીકના ભવિષ્યમાં ઇન્ટરેસ્ટ રેટ વધારશે. હવે ઇકૉનૉમિસ્ટોની ધારણા છે કે યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક જુલાઈમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ સપ્ટેમ્બર મીટિંગમાં પણ ઇન્ટરેસ્ટ રેટ વધારશે. અમેરિકન ફેડના કેટલાક મેમ્બર્સ જૂન-જુલાઈની બન્ને મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની ધારણા વ્યક્ત કરી રહ્યા છે. ઉપરાંત કેટલાક મેમ્બર્સ જો એપ્રિલ અને મેનું ઇન્ફ્લેશન વધશે તો ફેડ ૭૫ બેસિસ પૉઇન્ટ પણ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે એવી શક્યતા બતાવી હતી. ફેડ અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક શ્રેણીબદ્ધ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો સોના પર એની અસર આગામી ત્રણથી ચાર મહિના જોવા મળશે. આમ, ઇન્ટરેસ્ટ રેટ વધારાની અસરે સોનામાં આગામી દિવસોમાં મોટી વધ-ઘટ જોવા મળશે. ચીનમાં કોરોનાના કેસ મંગળવારે ૫૧ ટકા ઘટ્યા હતા એની અસરે સોનામાં ઘટ્યા મથાળેથી સુધરતાં ભાવને સપોર્ટ મળી શકે છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૨૦૫
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૦૦૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૧,૪૫૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news