અમેરિકાના જૉબડેટા નબળા આવતાં અને ઇકૉનૉમિસ્ટો દ્વારા રિસેસનની શક્યતાના નિર્દેશથી સોનું વધ્યું

21 May, 2022 01:15 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ચાર મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનામાં ખરીદી વધી

ફાઇલ તસવીર

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ચાર મહિનાની ઊંચાઈએ પહોંચતાં અને રૉયટર્સના સર્વેમાં વર્લ્ડના ટૉપમોસ્ટ ઇકૉનૉમિસ્ટોએ રિસેસનની શક્યતાનો નિર્દેશ કરતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. જોકે ઊંચા મથાળેથી પ્રત્યાઘાતી ઘટાડો પણ જોવાયો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૩૪૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૧૭ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ 
અમેરિકાના જૉબડેટા નબળા આવતાં અને વર્લ્ડના ટૉપમોસ્ટ ઇકૉનૉમિસ્ટોએ આગામી બે વર્ષમાં રિસિસનનો ભય ૪૦ ટકા હોવાનું તારણ કાઢતાં એની અસરે ગુરુવારે સોનાના ભાવમાં મોટો ઉછાળો આવ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનાનો ભાવ વધીને ૧૮૫૦ ડૉલરની સપાટીએ પહોંચ્યો હતો. જોકે શુક્રવારે ઊંચા મથાળેથી સોનાના ભાવ ઘટ્યા હતા, કારણ કે ડૉલરની મજબૂતી વધી હતી. સોનાનો ભાવ સતત ચાર સપ્તાહ સુધી ઘટ્યા બાદ ચાલુ સપ્તાહે શુક્રવાર સુધીમાં દોઢ ટકા વધ્યા હતા. વર્લ્ડ માર્કેટમાં સોનું વધ્યા મથાળેથી ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ કોરોનાના કારણે નબળી પડેલી ઇકૉનૉમીને બેઠી કરવા પાંચ વર્ષના મૉર્ગેજ રેફરન્સ રેટમાં ૧૫ બેસિસ પૉઇન્ટનો ઘટાડો કર્યો હતો, જ્યારે હોમલોન માટે લોઅર લિમિટ વધારીને ૨૦ બેસિસ પૉઇન્ટની કરી હતી. જપાનનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને સાડાસાત વર્ષની ઊંચાઈએ ૨.૫ ટકાએ પહોંચ્યું હતું, જેમાં ફૂડ પ્રાઇસ એપ્રિલમાં ચાર ટકા વધીને ૭ વર્ષની ઊંચાઈએ પહોંચી હતી, જપાનની ફૂડ પ્રાઇસમાં સતત આઠમા મહિને વધારો જોવા મળ્યો હતો.  અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૪ મેએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૧,૦૦૦ વધતાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ચાર સપ્તાહની ઊંચી સપાટીએ પહોંચી હતી. અમેરિકાનું એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ એપ્રિલમાં ૨.૪ ટકા ઘટ્યું હતું જે સતત ત્રીજે મહિને ઘટ્યું હતું. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ૨૩ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જર્મનીનું પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને નવી ઑલટાઇમ હાઈ સપાટીએ ૩૩.૫ ટકા રહ્યું હતું, જે સતત પાંચમા મહિને વધ્યું હતું. માર્ચમાં જર્મનીનું ઇન્ફ્લેશન ૩૦.૯ ટકા રહ્યું હતું અને માર્કેટની ધારણા ૩૧.૫ ટકાની હતી. એનર્જી પ્રાઇસ એપ્રિલમાં ૮૭.૩ ટકા વધી હતી. બ્રિટનના રીટેલ સેલ્સમાં એપ્રિલમાં ૧.૪ ટકા વધારો થયો હતો જેમાં અગાઉના બે મહિના ઘટાડો જોવા મળ્યો હતો તેમ જ માર્કેટની ધારણા ૦.૨ ટકા ઘટાડાની હતી. ઇજિપ્તની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ ૨૦૦ બેસિસ પૉઇન્ટ વધારીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૧૧.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા. ઇજિપ્તમાં ઇન્ફ્લેશન ઝડપથી વધી રહ્યું હોવાથી માર્ચ પછી બીજી વખત સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા હતા. સાઉથ આફ્રિકાની સેન્ટ્રલ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૪.૭૫ ટકાએ પહોંચાડ્યા હતા. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા વધતાં સોનામાં ઝડપી ઉછાળો જોવા મળ્યો હતો. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
રૉયટર્સે ૧૨થી ૧૮ મે દરમિયાન વિશ્વના ટૉપ લેવલના ૮૯ ઇકૉનૉમિસ્ટોનો એક સર્વે કર્યો હતો, જેમાં મોટા ભાગના ઇકૉનૉમિસ્ટોએ આગામી બે વર્ષમાં રિસેસન એટલે કે મહામંદી આવવાની શક્યતા ૪૦ ટકા બતાવી હતી. મોટા ભાગના ઇકૉનૉમિસ્ટોના મતે ૨૦૨૨માં અમેરિકાનું ઇન્ફ્લેશન ૭.૧ ટકા ઍવરેજ રહેશે એટલે કે અમેરિકાનું ઇન્ફ્લેશન ૨૦૨૨માં ઘટવાની કોઈ શક્યતા નથી. હાલ અમેરિકાનું ઇન્ફ્લેશન ૪૧ વર્ષની ઊંચાઈએ ૭.૪ ટકા છે, જે માર્ચમાં ૭.૫ ટકા હતું. સર્વેમાં સામેલ ૮૯ ઇકૉનૉમિસ્ટોમાંથી ૫૪ ઇકૉનૉમિસ્ટોના મતે ફેડર રિઝર્વ જૂનમાં અને જુલાઈમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે અને ૨૦૨૨ના અંત સુધીની તમામ મીટિંગમાં ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે. ઇકૉનૉમિસ્ટોમાંથી ૧૮ના મતે સપ્ટેમ્બર મીટિંગમાં પણ ફેડ ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે. ૨૦૨૨ના અંત સુધીમાં અમેરિકાનો ઇન્ટરેસ્ટ રેટ ૨.૫૦થી ૨.૭૫ ટકાએ પહોંચવાનો અંદાજ છે. છ મહિના અગાઉ કરેલા સર્વેમાં ૨૦૨૨ના અંતે ઇન્ટરેસ્ટ રેટ ૨.૭૫થી ૩ ટકા રહેવાનો અંદાજ મુકાયો હતો. અમેરિકાનો ગ્રોથ રેટ ૨૦૨૨ના પહેલા ક્વૉર્ટરમાં ઘટ્યો હતો, પણ હવે પછીના ક્વૉર્ટરમાં ગ્રોથ રેટ પૉઝિટિવ રહેશે એવું મોટા ભાગના ઇકૉનૉમિસ્ટોનું માનવું હતું. રૉયટર્સના ઇકૉનૉમિસ્ટોના સર્વેનું તારણ એ છે કે રશિયા અને યુક્રેન વચ્ચે સતત લંબાઈ રહેલા યુદ્ધથી સપ્લાય સાઇડ શૉર્ટેજ વધતાં ઇન્ફ્લેશન સતત વધતું રહેશે જેને ઇન્ટરેસ્ટ
રેટના વધારાથી કાબૂમાં લેવું અશક્ય બનશે, છતાં ફેડ સહિત તમામ સેન્ટ્રલ બૅન્ક જો આક્રમક રીતે ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો દિવસે-દિવસે મહામંદી એટલે કે રિસિસનનો ભય વધતો જશે, જે સોનાને ગમે ત્યારે બાઉન્સબૅક કરશે.

business news