સોનું ઘટ્યા મથાળેથી ઊછળ્યું

20 January, 2021 12:40 PM IST  |  Mumbai | Mayur Mehta

સોનું ઘટ્યા મથાળેથી ઊછળ્યું

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા બાદ હવે યુરોપ અને જપાનનાં રિલીફ પૅકેજ આવવાની વાતોથી સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટ્યા મથાળેથી સુધર્યું હતું. એને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૭૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૯૦૬ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહો

અમેરિકા સહિત અનેક દેશો જ્યારે શ્રેણીબદ્ધ રિલીફ પૅકેજો આપવાની તૈયારીઓ કરી રહ્યા છે ત્યારે સોનાની માર્કેટના લૉન્ગ ટર્મ ચાન્સિસ એકદમ બુલિશ છે એ એકદમ દિવા જેવી સ્પષ્ટ વાત હોવાથી સોનામાં દરેક ઘટાડે નવી ખરીદી જોવા મળે છે. એ જ રીતે સોમવારે ઓવરનાઇટ વર્લ્ડ માર્કેટમાં સોનું દોઢ મહિનાના તળિયે ૧૮૦૯.૯૦ ડૉલર થયું ત્યારે એકાએક મોટી ખરીદી નીકળતાં મંગળવારે સવારથી સોનામાં જંગી ખરીદી નીકળી હતી અને શરૂઆતના તબક્કામાં જ સોનું ૩૦થી ૩૫ ડૉલર વધી ગયું હતું. ફેડના ભૂતપૂર્વ ચૅરવુમન જેનેટ યેલેન બાઇડન ઍડ્મિનિસ્ટ્રેશનમાં ફાઇનૅન્સનો એટલે કે ટ્રેઝરી સેક્રેટરીનો પોર્ટફોલિયો સંભાળશે. અમેરિકાના નવા ટ્રેઝરી સેક્રેટરી જેનેટ યેલેન સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ સેનેટ સમક્ષ વક્તવ્ય આપશે, જેમાં અમેરિકાની ઇકૉનૉમિક પૉલિસીનું ભાવિ ચિત્ર રજૂ થશે. બાઇડન બુધવારે સત્તાનાં સૂત્રો સંભાળ્યા બાદ જ તરત જ ૧.૯ ટ્રિલ્યન ડૉલરના રિલીફ પૅકેજની જાહેરાત કરશે એવી ધારણા હોવાથી ડૉલર મંગળવારે ઘટ્યો હતો, જેનો પણ સપોર્ટ સોનાને મળ્યો હતો.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

બ્રિટનમાં કોરોના વાઇરસના સંક્રમિત કેસની સંખ્યા સતત વધી રહી હોવાથી ગવર્નમેન્ટને ત્રીજું લૉકડાઉન લાદવાની જરૂરત પડી હતી, એને પગલે બ્રિટિશ ઇકૉનૉમિક કન્ડિશન વધુ ખરાબ થવાની ધારણાએ બ્રિટિશ પાઉન્ડ ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યો હતો. યુરોપિયન દેશોમાં પણ જર્મની સિવાય અનેક દેશોમાં હજી પણ કોરોના વાઇરસના કેસ સતત વધી રહ્યા છે, જેને કારણે યુરોનું મૂલ્ય પણ એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. જર્મનીમાં કોરોના વાઇરસના કેસ ઝડપથી ઘટી રહ્યા હોવાથી યુરોપિયન ઇકૉનૉમીને થોડી રાહત મળી હતી. અમેરિકામાં બાઇડનની શપથવિધિ સમયે દેખાવો અને તોફાનો થવાની શક્યતાએ હાલમાં અમેરિકન મિલિટરીને હાઈ અલર્ટ પર રખાઈ છે. ચીનમાં પણ કોરોના વાઇરસના નવા કેસ ઝડપથી વધી રહ્યા હોવાથી સ્ટૉક માર્કેટ પર એની અસર જોવા મળી રહી છે. ચીનમાં લૂનાર ન્યુ યરની ઉજવણી પહેલાં લૉકડાઉન, સોશ્યલ ડિસ્ટન્સિંગ જેવા અનેક કડક પગલાં લેવાની શરૂઆત થઈ હોવાથી ચીનમાં કોરોના વાઇરસનો બીજો વેવ વધુ ખતરનાક આવી રહ્યો હોવાની દહેશત હાલ સમગ્ર વિશ્વમાં પ્રસરી રહી છે, જે ઇકૉનૉમિક કન્ડિશનને વધુ નબળી કરશે.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ ભાવિ

યુરો એરિયાના ફાઇનૅન્સ મિનિસ્ટરોએ તાજેતરમાં વધુ રિલીફ પૅકેજ દ્વારા ઇકૉનૉમીને સપોર્ટ કરવા બાબતે ચર્ચાવિચારણા કરી હતી. અમેરિકાના રિલીફ પૅકેજની સાથે જપાન, યુરોપિયન દેશો અને બ્રિટનનાં રિલીફ પૅકેજ એકથી બે સપ્તાહમાં જાહેર થશે. આ તમામ રિલીફ પૅકેજથી માર્કેટમાં જબ્બર લિક્વિડિટી ઊભી થશે. અમેરિકાના ૧.૯ ટ્રિલ્યન ડૉલરના ઇકૉનૉમિક પૅકેજ આવ્યા બાદ ઇન્ફ્લેશન મોટા પ્રમાણમાં વધશે, જેનાથી સોનાની ખરીદીનું આકર્ષણ આગામી દિવસોમાં મોટેપાયે વધશે. ભારતમાં સોનાની માગ ૨૦૨૧માં રિબાઉન્ડ થશે, એની અસર વર્લ્ડ માર્કેટમાં જોવા મળશે. આમ, ઓવરઑલ સોનામાં કદાચ શૉર્ટ ટર્મ મોટી તેજી થવી મુશ્કેલ બની શકે છે, પણ દરેક ઘટાડે સોનામાં નવી લેવાલી જોવા મળશે, કારણ કે સોનામાં લૉન્ગ ટર્મ ભાવિ એકદમ બુલિશ છે.

ભાવ-તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૪૯,૧૪૧

સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૪૯,૯૯૪

ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૬૫,૮૦૧

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news