અમેરિકી બૅન્કિંગ ક્રાઇસિસ વધવાની ધારણાએ ફેડની સ્થિતિ કફોડી બનતાં સોનામાં તેજીની આગેકૂચ

16 March, 2023 03:23 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારો મુલતવી રાખવો પડે એવી શક્યતાથી ડૉલર ઘટતાં સોનામાં ખરીદી વધી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકી બૅન્કિંગ ક્રાઇસિસ વધવાની ધારણાએ ફેડની કફોડી સ્થિતિ થતાં સોનામાં તેજીની આગેકૂચ ચાલુ રહી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૮૫ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકાનું ઇન્ફ્લેશન ફેબ્રુઆરીમાં ઘટીને છ ટકાએ આવતાં અને સિલિકૉન વૅલી બૅન્કના ઉઠમણાની અસરે ફેડ આગામી મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ કદાચ વધારે તો ૨૫ બેસિસ પૉઇન્ટ જ વધારે અથવા ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું માંડી વાળે એવી શક્યતાઓ ઊભી થતાં સોનામાં તેજીની આગેકૂચ બુધવારે પણ ચાલુ રહી હતી. બુધવારે એક તબક્કે સોનું વધીને ૧૯૨૦.૭૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૧૭થી ૧૯૧૮ ડૉલર રહ્યું હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું ફેબ્રુઆરી મહિનાનું ઇન્ફ્લેશન છ ટકા નોંધાયું હતું, જે જાન્યુઆરીમાં ૬.૪ ટકા હતું, છતાં ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં હજી ઇન્ફ્લેશન ત્રણ ગણું વધારે છે. અમેરિકાનું ઇન્ફ્લેશન સતત આઠમા મહિને ઘટ્યું હતું. ગયા જૂન મહિનામાં ઇન્ફ્લેશન ૯.૧ ટકા હતું. ત્યાર બાદ સતત આઠ મહિનાથી ઇન્ફ્લેશન ઘટી રહ્યું છે. ઇન્ફ્લેશન ઘટાડવા ફેડ છેલ્લા એક મહિનાથી ઇન્ટરેસ્ટ રેટ વધારી રહ્યું છે. ફૂડ, એનર્જી, ફ્યુઅલ ઑઇલ વગેરે સસ્તું થતાં ઇન્ફ્લેશન ઘટ્યું હતું.

અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ત્રણ મહિનાની ઊંચાઈએ ૯૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે જાન્યુઆરીમાં ૯૦.૩ પૉઇન્ટ હતો. ૩૮ ટકા બિઝનેસ ઓનરોએ સેલિંગ પ્રાઇસ વધાર્યા હતા, છતાં પણ કંપનીઓને વર્કર શોધવામાં ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. 

ચીનના રીટેલ સેલ્સમાં જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૩.૫ ટકાનો વધારો નોંધાયો હતો, જેમાં ડિસેમ્બરમાં ૧.૮ ટકાનો ઘટાડો નોંધાયો હતો. રીટેલ સેલ્સમાં ત્રણ મહિનાના ઘટાડા પછી પ્રથમ વખત વધારો નોંધાયો હતો અને રીટેલ સેલ્સનો વધારો છેલ્લા પાંચ મહિનાનો સૌથી મોટો હતો. કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ કોસ્ટેમેટિકના વેચાણમાં સૌથી વધુ વધારો ૩.૮ ટકાનો નોંધાયો હતો, જેનું વેચાણ ડિસેમ્બરમાં ૧૯.૩ ટકા ઘટ્યું હતું. ચીનમાં કલોધિંગ, ફર્નિચર, ગોલ્ડ-સિલ્વર જ્વેલરી, ઑઇલ પ્રોડક્ટ, પર્સનલ કૅર વગેરેનું વેચાણ ડિસેમ્બરમાં નેગેટિવ હતું, જે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં પૉઝિટિવ બન્યું હતું. જોકે જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં હોમ એપ્લાયન્સિસ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ટબેકો-આલ્કોહૉલ અને બિલ્ડિઠગ મટીરિયલ્સનું વેચાણ ઘટ્યું હતું. 

ચીનમાં ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૫.૫ ટકા વધીને ૫.૪૬ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆને પહોંચ્યું હતું જે માર્કેટની ૪.૪ ટકા વધારાની ધારણાથી વધુ વધ્યું હતું.

૨૦૨૨ના આખા વર્ષ દરમ્યાન ફિક્સ્ડ ઍસેટ ઇન્વેસ્ટમેન્ટ ૫.૧ ટકા વધ્યું હતું. ૨૦૨૩ના પ્રથમ બે મહિનામાં ફિક્સ્ડ ઇન્વેસ્ટમેન્ટ ધારણાથી વધુ વધતાં કોરોનાનાં નિયંત્રણો દૂર થયાની અસર જોવા મળી હતી. ખાસ કરીને સેકન્ડરી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ખૂબ સારું વધ્યું હતું. જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં ૮.૧ ટકા, માઇનિંગ સેક્ટરમાં ૫.૬ ટકા અને ઍગ્રિકલ્ચર, ફૉરેસ્ટ્રી અને ફિશરી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ ૪.૨ ટકા વધ્યું હતું. 

ચીનમાં ઇન્ડસ્ટ્રિયલ આઉટપુટ જાન્યુઆરી-ફેબ્રુઆરીમાં ૨.૪ ટકા વધ્યું હતું, જે ડિસેમ્બરમાં ૧.૩ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૨.૬ ટકા વધારાની હતી. ખાસ કરીને કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં આઉટપુટ ઝડપથી વધ્યું હતું જેમાં કોલ-માઇનિંગ, ઑઇલ-ગૅસ અને કેમિકલ રો-મટીરિયલ્સ સેક્ટરમાં સારો એવો ગ્રોથ જોવા મળ્યો હતો. 
પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ એક વર્ષની મીડિયમ ટર્મ લૅન્ડિંગ ફેસિલિટીના ઇન્ટરેસ્ટ રેટ ૨.૭૫ ટકા જાળવી રાખ્યા હતા અને માર્કેટમાં ૪૮૧ અબજ યુઆન ઠાલવ્યા હતા. આ ઉપરાંત સાત દિવસના રેપો રેટ દ્વારા બૅન્કે માર્કેટમાં ૧૦૪ અબજ યુઆન ઠાલવ્યા હતા. ચીનની ઇકૉનૉમીને કોરોનાની થપાટમાંથી બહાર લાવવા પીપલ્સ બૅન્ક ઑફ ચાઇના દ્વારા સતત પગલાં લેવાઈ રહ્યાં છે. 

અમેરિકન ડૉલર ઘટીને એક મહિનાની નીચી સપાટીએ ૧૦૩.૫ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકાનું ઇન્ફ્લેશન દોઢ વર્ષની નીચી સપાટીએ આવતાં ફેડ ૨૧-૨૨ માર્ચની મિટિંગમાં હવે ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એવી શક્યતા ૮૦ ટકાએ પહોંચતાં ડૉલરમાં વેચવાલી વધી હતી. આ ઉપરાંત અમેરિકન બૅન્કિંગ સેક્ટરમાં સિલિકૉન વૅલી બેન્કના ઉઠમણાથી ઊભી થયેલી ક્રાઇસિસને કારણે ફેડ પર ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું પ્રેશર વધતાં ડૉલરમાં ચારેતરફથી વેચવાલી વધી હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

અમેરિકન ફેડ દ્વારા છેલ્લા એક વર્ષથી ઇન્ફ્લેશનને  ઘટાડવા શ્રેણીબદ્ધ ઇન્ટરેસ્ટ રેટ વધારો આવ્યો, પણ એનું પરિણામ માત્ર ૯.૧ ટકાનું ઇન્ફ્લેશન ઘટીને છ ટકાએ પહોંચ્યું છે, જે ફેડના બે ટકાના ટાર્ગેટ કરતાં ત્રણ ગણું વધારે છે. ફેડ દ્વારા આક્રમક ઇન્ટરેસ્ટ રેટ વધારાને કારણે સિલિકૉન વૅલી બૅન્કનું ઉઠમણું થયું અને અમેરિકાની આખી બૅન્કિંગ સિસ્ટમ પરથી આમ પબ્લિકનો ભરોસો ઊઠી ગયો છે. આ સ્થિતિમાં હવે ફેડને ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક માર્યા સિવાય છૂટકો નથી. ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારાને બ્રેક લગાવીને જૂન પછી ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાનું ચાલુ કરે તો ડૉલરને ધોબી પછડાટ ખાવી પડે તેવી સ્થિતિ સામે દેખાવા લાગતાં સોનામાં તેજીની આગેકૂચ ચાલુ થઈ ચૂકી છે, જે હજી લાંબો સમય ચાલુ રહેશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૭,૯૦૨
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૬૭૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૩,૮૬૧
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation