અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે સ્પષ્ટ દિશાનિર્દેશની રાહે સોનું રેન્જબાઉન્ડ રહ્યું

15 January, 2022 04:30 PM IST  |  Mumbai | Mayur Mehta

અમેરિકાના જૉબડેટા અને પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનના ડેટા નબળા આવતાં સોનામાં સાવચેતીભર્યો મૂડ

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાના વીકલી અનએમ્પ્લોયમેન્ટ ડેટા અને ડિસેમ્બર મહિનાના પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનના ડેટા નબળા આવતાં સોનામાં સતત વધી રહેલી ખરીદી ધીમી પડતાં ભાવ રેન્જબાઉન્ડ રહ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૦૪ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૦૬ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ
અમેરિકાનું ઇન્ફ્લેશન ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા બાદ બે દિવસ સોનું સતત વધ્યા બાદ શુક્રવારે સોનું રેન્જબાઉન્ડ રહ્યું હતું. અમેરિકાના ઇન્ટરેસ્ટ રેટ વધવા વિશે હજી સ્પષ્ટ ચિત્ર આવ્યું ન હોવાથી ટ્રેડરો હાલ કોઈ મોટું જોખમ ઉઠાવવાના મૂડમાં નથી. આથી વેપાર મર્યાદિત થઈ રહ્યા છે. સોનું રેન્જબાઉન્ડ રહેતાં ચાંદી અને પ્લૅટિનમ મજબૂત હતાં, જ્યારે પેલેડિયમમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં ૦.૨ ટકા વધ્યો હતો જે નવેમ્બરમાં એક ટકા વધ્યો હતો. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૮ જાન્યુઆરીએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૩,૦૦૦ વધી હતી જે છેલ્લાં આઠ સપ્તાહની સૌથી વધુ હતી અને માર્કેટની બે લાખની ધારણા સામે બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા વધીને ૨.૩૦ લાખે પહોંચી હતી. ચીનની એક્સપોર્ટ ડિસેમ્બરમાં ૨૦.૯ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૨૨ ટકા વધી હતી અને ટ્રેડની ધારણા ૨૦ ટકાની હતી જ્યારે ઇમ્પોર્ટ ડિસેમ્બરમાં ૧૯.૫ ટકા વધી હતી જે નવેમ્બરમાં ૩૧.૭ ટકા વધી હતી અને ટ્રેડની ધારણા ૨૬.૩ ટકાની હતી. ચીનની ઇમ્પોર્ટ કરતાં એક્સપોર્ટ વધારે બુલિશ રહેતાં ટ્રેડ સરપ્લસ ઑલટાઇમ હાઈ સપાટીએ ૯૪.૪૬ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૭૫.૮ અબજ ડૉલર રહી હતી. યુરો એરિયાની ટ્રેડ ડેફિસિટ નવેમ્બરમાં વધીને ૧.૫ અબજ યુરોએ પહોંચી હતી, આઠ વર્ષ પછી પ્રથમ વખત ટ્રેડ ડેફિસિટ જોવા મળી હતી. યુરો એરિયાની ઇમ્પોર્ટ નવેમ્બરમાં ૩૨ ટકા વધીને ઑલટાઇમ હાઈ સપાટીએ પહોંચી હતી, જ્યારે એક્સપોર્ટ નવેમ્બરમાં ૧૪.૪ ટકા વધી હતી. જર્મનીનો ઇકૉનૉમિક ગ્રોથ ૨૦૨૧માં ૨.૭ ટકા રહ્યો હતો જે ૨૦૨૦માં નેગેટિવ ૪.૬ ટકા રહ્યો હતો. બ્રિટનની એક્સપોર્ટ નવેમ્બરમાં ૪.૬ ટકા વધીને ૨૨ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૩.૮ ટકા વધીને ૧૧ મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. બ્રિટનનો ઇકૉનૉમિક ગ્રોથ નવેમ્બરમાં પૂરા થયેલા ત્રણ મહિના દરમિયાન ૧.૧ ટકા રહ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૮ ટકા હતો. બ્રિટનની ટ્રેડ સરપ્લસ નવેમ્બરમાં વધીને છ મહિનાની ઊંચાઈએ ૦.૬૩ અબજ પાઉન્ડ રહી હતી જે ઑક્ટોબરમાં ૦.૧૫ અબજ પાઉન્ડ હતી. જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૮.૫ ટકાએ પહોંચ્યો હતો જે નવેમ્બરમાં ૯.૨ ટકા હતો. 
ફ્રાન્સનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ ૨.૮ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં પણ ૨.૮ ટકા હતું. પોલૅન્ડનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૨૧ વર્ષની ઊંચાઈએ ૮.૬ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૭.૮ ટકા હતું. હંગેરીનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં સતત છઠ્ઠે મહિને વધીને ૧૪ વર્ષની ઊંચાઈએ ૭.૪ ટકા રહ્યું હતું. રોમાનિયાનું ઇન્ફ્લેશન ડિસેમ્બરમાં વધીને ૧૧ વર્ષની ઊંચાઈએ ૮.૧૯ ટકાએ પહોંચ્યું હતું જે નવેમ્બરમાં ૭.૮ ટકા હતું. અનેક દેશોના ઇકૉનૉમિક ડેટા સ્પષ્ટપણે સોનાની તેજીને સપોર્ટ દેનારા હતા. અમેરિકાના નબળા જૉબડેટા, ચીનના બુલિશ એક્સપોર્ટ-ઇમ્પોર્ટ ડેટા અને અનેક યુરોપિયન દેશોનું મલ્ટિયર હાઈ ઇન્ફ્લેશન સોનાની તેજીના પ્રોસ્પેકટ મજબૂત બનાવનારા હતા. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકન ફેડના ગવર્નર બ્રેઇનાર્ડે માર્ચથી ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કરવાનો સ્પષ્ટ સંકેત આપ્યો હતો, પણ ફેડ ચૅરમૅન જેરોમ પોવેલે સેનેટ સમક્ષ આપેલા વક્તવ્યમાં ઇન્ટરેસ્ટ રેટમાં વધારો સાવચેતીભર્યો રહેવાની કમેન્ટ કરતાં ચાલુ સપ્તાહ દરમિયાન સોનું ૧.૬ ટકા વધ્યું હતું. સોના-ચાંદી સહિત તમામ ફાઇનૅન્શિયલ માર્કેટ સાથે કોરોનાના વધતા કેસનો નાતો લગભગ તૂટી ચૂક્યો છે, પણ કોરોનાના નવા વેરિઅન્ટ એમાઇક્રોનમાં હૉસ્પિટલાઇઝેશન અને મૃત્યુદર સાવ ઓછો હોવાથી હાલ ડરની સ્થિતિ નથી તેમ છતાં, કેસનો આંકડો બહુ જ મોટો દેખાઈ રહ્યો હોવાથી આગામી દિવસોમાં ઇકૉનૉમિક ઍક્ટિવિટી પર ૧૦૦ ટકા અસર જોવા મળશે એ નક્કી છે. ગુરુવારે વિશ્વમાં નવા કેસ ૩૨.૨૦ લાખ નીકળ્યા હતા જેમાં અમેરિકામાં ૮.૬૯ લાખ, ફ્રાન્સમાં ૩.૦૫ લાખ, ઇટલીમાં ૧.૮૪ લાખ, સ્પેનમાં ૧.૫૯ લાખ અને ઑસ્ટ્રેલિયામાં ૧.૫૩ લાખ નવા કેસ નીકળ્યા હતા. અમેરિકાના જૉબડેટા તેમ જ પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશનના જાહેર થયેલા ડેટા બહુ જ નબળા છે. આમ ફેડનો ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય બૂમરેંગ સાબિત થશે તો સોનામાં ડબલ તેજી થશે. આથી આવનારા દિવસોની દરેક ઘટનાક્રમ સોનાની તેજી-મંદી નક્કી કરવા માટે નિર્ણાયક બનશે.

business news