ચાઇનીઝ કંપની એવરગ્રાન્ડ સતત ત્રીજી વખત બૉન્ડનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જતાં સોનું સુધર્યું

13 October, 2021 12:13 PM IST  |  Mumbai | Mayur Mehta

જપાનનો પ્રોડ્યુસર્સ અને જર્મનીનો હોલસેલ ઇન્ફ્લેશન મલ્ટિયર હાઈ લેવલે પહોંચતાં સોનાને સપોર્ટ

પ્રતીકાત્મક તસવીર

ચાઇનીઝ પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડ સતત ત્રીજા સપ્તાહે બૉન્ડનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું. ઉપરાંત જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ અને જર્મનીનું હોલસેલ ઇન્ફલેશન મલ્ટિયર હાઈ લેવલે પહોંચતાં વર્લ્ડ માર્કેટમાં સોના-ચાંદી સુધર્યાં હતાં જેને પગલે મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૩૩ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૪૮ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહો
જપાન, જર્મની સહિત અનેક દેશોના ઇન્ફલેશન વધવાના સ્પષ્ટ સંકેત અને અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝિમ ઇન્ડેક્સ છ મહિનાની નીચી સપાટીએ પહોંચતાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. જોકે અમેરિકી ડૉલરનું મૂલ્ય એક વર્ષની ઊંચી સપાટીએ હોવાથી સોનામાં મર્યાદિત વધારો જોવા મળ્યો હતો. વળી ચાઇનીઝ પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડ સતત ત્રીજી વખત બૉન્ડનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ ચૂકવવામાં નિષ્ફળ જતાં સોનાનું સેફ હેવન સ્ટેટસ સુધર્યું હતું, એની અસરે સોનું વધ્યું હતું. સોનુ સુધરતાં એને પગલે ચાંદી અને પ્લૅટિનમ પણ સુધર્યાં હતાં, પણ પેલેડિયમમાં ઘટાડો જોવા મળ્યો હતો. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૯૯.૧ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑગસ્ટમાં ૧૦૦.૧ પૉઇન્ટ હતો. જર્મનીનો ઇન્વેસ્ટર મોરલ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ૪.૨ પૉઇન્ટ ઘટીને ૨૨.૩ પૉઇન્ટે પહોંચ્યો હતો જે માર્ચ ૨૦૨૦ પછીનો એટલે કે દોઢ વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો. જર્મનીનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ સપ્ટેમ્બરમાં ૧૩.૨ ટકા વધ્યો હતો જે ૧૯૭૪ પછીનો એટલે કે ૪૭ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. યુરો એરિયાનું ઇન્વેસ્ટર મોરલ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં સતત ઘટીને દોઢ મહિનાની નીચી સપાટીએ ૨૧ પૉઇન્ટ રહ્યો હતો. યુરો એરિયાના ઇન્વેસ્ટર મોરલ ઇન્ડેક્સમાં સતત પાંચમા મહિને ઘટાડો જોવા મળ્યો હતો. ચીનમાં કારસેલ્સ સપ્ટેમ્બરમાં સતત પાંચમા મહિને ૧૯.૬ ટકા ઘટ્યું હતું. વર્લ્ડમાં સેમીકન્ડકટરની શૉર્ટેજના પરિણામે કારસેલ્સ ઘટ્યું હતું. બ્રિટનમાં વર્કરોના મળતા વેતનમાં જૂનથી જુલાઈ દરમિયાન ૭.૨ ટકાનો વધારો થયો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૮.૩ ટકા વધતાં કરન્ટ ક્વૉર્ટરમાં વર્કરોના મળતા વેતનનો વધારો ધીમો પડ્યો હતો. જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઑગસ્ટમાં ૬.૩ ટકા વધીને ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો જે સતત સાતમા મહિને વધ્યો હતો. જર્મનીનો હોલસેલ પ્રાઇસ ઇન્ડેક્સ ૪૭ વર્ષની ઊંચાઈએ અને જપાનનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ૧૩ વર્ષની ઊંચાઈએ પહોંચ્યો જે ઇન્ફલેશનમાં વધારાનો સ્પષ્ટ સંકેત આપતો હોવાથી સોનામાં ફરી મજબૂતી જોવા મળી હતી.   
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
અમેરિકામાં સ્મૉલ બિઝનેસ કરનારાઓ હાલ મોટી મુશ્કેલીઓમાંથી પસાર થઈ રહ્યા હોવાથી ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. સ્મૉલ બિઝનેસ હોલ્ડર્સના કહેવા અનુસાર બાઇડન સરકાર દ્વારા ટૅક્સમાં વધારો કરવાની સાથે રેગ્યુલેશનમાં કરેલા ફેરફારથી અમેરિકામાં સ્મૉલ બિઝનેસ ચલાવવા મુશ્કેલ બન્યા છે, ખાસ કરીને વર્કરોના વેતન હાલ ૪૮ વર્ષની ઊંચાઈએ પહોંચ્યા હોવાથી સ્મૉલ બિઝનેસ હોલ્ડર્સને વયાજબી વેતનમાં વર્કરો મળતા નથી જેને કારણે કસ્ટમર્સને સંતોષ આપવામાં નિષ્ફળતા મળી રહી છે. અન્ય એક ડેવલપમેન્ટ અનુસાર ચીનની પ્રૉપર્ટી જાયન્ટ એવરગ્રાન્ડ સતત ત્રીજે સપ્તાહે બૉન્ડનું ઇન્ટરેસ્ટ પેમેન્ટ કરવામાં નિષ્ફળ જતાં હવે ચીનમાં એવરગ્રાન્ડને કારણે નાણાકીય કટોકટી વધુ ઘેરી બની હતી. અમેરિકામાં જો બાઇડનની ગવર્નમેન્ટ દ્વારા ટૅક્સમાં વધારો અને કડક રેગ્યુલેશનને કારણે બિઝનેસ કમ્યુનિટીમાં વધી રહેલી મુશ્કેલી અને ચીનમાં નાણાકીય કટોકટી વધુ ઘેરી બનવાની ઘટના આગામી સમયમાં નવી મુશ્કેલી ઊભી થવાનો સંકેત આપે છે જે સોનાના ભાવને ઊંચા રાખવાનું કારણ બની શકે છે. ફેડની નવેમ્બરના આરંભે મળનારી મીટિંગમાં ટેપરિંગ શરૂ થવાનું હાલ નિશ્ચિત છે, પણ ૨૦૨૨માં ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય જો વિલંબમાં પડે તો સોનામાં નવેસરથી તેજીનો આરંભ થઈ શકે છે. આ તમામ બાબતોનો ઉલ્લેખ કરીને એએનઝેડ (ઓસ્ટ્રેલિયા-ન્યુ ઝીલૅન્ડ બૅન્કિંગ ગ્રુપ લિમિટેડ) રિસર્ચે સોનાનો ભાવ વધીને ૧૮૫૦ ડૉલર થવાની આગાહી કરી હતી. 

 

business news