અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ વધારવા વિશે મેમ્બરોની બેતરફી વાતોથી સોનામાં મોટી વધ-ઘટ

25 November, 2022 03:02 PM IST  |  Mumbai | Mayur Mehta

પબ્લિક મીટિંગમાં ફેડના મેમ્બરો દ્વારા આક્રમક રેટ વધારવાની તરફેણ, પણ મિનિટ્સમાં રેટ વધારો ધીમો પાડવાનો સૂર

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

અમેરિકન ઇન્ટરેસ્ટ રેટ વધારવા મુદ્દે ફેડના મેમ્બરોના બેતરફી મતને પગલે સોનામાં મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. બુધવારે સોનું ઘટ્યા બાદ ગુરુવારે સોનામાં મોટો ઉછાળો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૯૫ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૬૬ રૂપિયા વધી હતી. 

વિદેશી પ્રવાહ 

ફેડના મેમ્બરો નવેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારાની ગતિને ધીમી પાડવાના મતના હોવાનું જાહેર થયેલી મિનિટ્સમાં જોવા મળ્યું છે, પણ ફેડના મેમ્બરો પબ્લિક મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં મોટો વધારો કરવાનો મત વ્યક્ત કરી રહ્યા છે. મીટિંગની મિનિટ્સની અસરે અમેરિકી ડૉલર ઘટીને ૧૦૬ના લેવલે પહોંચતાં સોનામાં સુધારો જોવા મળ્યો હતો. સોનું ઘટીને બુધવારે ૧૭૨૪ ડૉલર થયું હતું જે વધીને ગુરુવારે ૧૭૫૯.૬૦ ડૉલર થયું હતું. આમ, સોનામાં ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારવાની બાબતે બેતરફી વાતોથી મોટી વધ-ઘટ જોવા મળી રહી છે. સોનું વધતાં ચાંદી અને પૅલેડિયમ સુધર્યાં હતાં, પણ પ્લૅટિનમ ઘટ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકન ડૉલર ઇન્ડેક્સ ઘટીને ૧૦૬ના લેવલે પહોંચ્યો હતો. નવેમ્બરના આરંભે યોજાયેલી ફેડની મીટિંગમાં મોટા ભાગના પૉલિસી મેકરો ઇન્ટરેસ્ટ રેટને ધીમો પાડવાના મતના હોવાથી ડિસેમ્બરમાં ફેડ ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ ધારણા વધુ મજબૂત બની હતી. ફેડે સતત ચાર વખત ૭૫ બેસિસ પૉઇન્ટ વધાર્યા હતા, એના પરિણામ સ્વરૂપે અમેરિકન ઇન્ફ્લેશન ૯.૧ ટકાથી ઘટીને ૭.૭ ટકાએ પહોંચ્યું હતું, પણ ઇન્ટરેસ્ટ રેટમાં ઝડપી વધારાને કારણે હાઉસિંગ માર્કેટને મોટી અસર પડી હોવાથી અમેરિકન ઇકૉનૉમી નબળી પડી હતી અને ગ્રોથ રેટના પ્રોજેક્શન નીચા મુકાવા લાગ્યા હોવાથી ફેડ પર ઇન્ટરેસ્ટ રેટ વધારાને ધીમો પાડવાનું દબાણ વધ્યું હતું. 

અમેરિકામાં નવાં રહેણાક મકાનોનું વેચાણ ઑક્ટોબરમાં વધ્યું હતું, જેમાં સિંગલ ફૅમિલી રહેણાક મકાનોનું વેચાણ ૭.૫ ટકા વધીને ૬.૩૨ લાખે પહોંચ્યું હતું, જેની ધારણા ૫.૭૨ લાખ મકાનોના વેચાણની હતી. હાઉસિંગ માટેના મૉર્ગેજ રેટ ઑક્ટોબરમાં સાત ટકા ઘટતાં મકાનોનું વેચાણ વધ્યું હતું. અન્ડર કન્સ્ટ્રક્શન્સ હોય એવાં ૪.૭૦ લાખ મકાનોનું વેચાણ થયું હતું, જ્યારે જેનું કન્સ્ટ્રક્શન્સ ચાલુ પણ થયું નથી એવાં મકાનોનું વેચાણ ઑક્ટોબરમાં મોટે પાયે થયું હતું અને આ વેચાણ ગયા જાન્યુઆરી મહિના પછીનું સૌથી વધુ થયું હતું. અમેરિકામાં અનએમ્પ્લૉયમેન્ટ ક્લેમ લેનારાઓની સંખ્યા ગયા સપ્તાહે ૧૭,૦૦૦ વધીને ૨.૪૦ લાખે પહોંચી હતી અને છેલ્લાં ચાર સપ્તાહની ઍવરેજ ૫૫૦૦ની વધી હતી. અમેરિકાના જૉબ ઍનલિસ્ટે જણાવ્યું હતું કે ઇન્ટરેસ્ટર રેટ સતત વધી રહ્યા હોવાથી અમેરિકામાં લે-ઑફની સંખ્યા સતત વધી રહી હોવાથી અનએમ્પ્લૉયમેન્ટ ક્લેમ લેનારાઓની સંખ્યા પણ વધી રહી છે. છેલ્લા સપ્તાહમાં ૧૫.૫ લાખને અનએમ્પ્લૉયમેન્ટ ક્લેમ ચૂકવ્યા હતા, જે અગાઉના સપ્તાહ કરતાં ૪૮,૦૦૦ વધુ હતા. 

અમેરિકન પબ્લિકનો કન્ઝ્યુમર કૉન્ફિડન્સ નવેમ્બરમાં ઘટીને ૫૬.૮ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૯.૯ પૉઇન્ટ હતો, પણ માર્કેટની ધારણા ૫૫ પૉઇન્ટની હતી એના કરતાં કન્ઝ્યુમર કૉન્ફિડન્સ વધુ રહ્યો હતો. 

જપાનનો પ્રિલિમિનરી મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ નવેમ્બરમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૪૯.૪ પૉઇન્ટે પહોંચ્યો હતો જે ઑક્ટોબરમાં ૫૦.૭ પૉઇન્ટ હતો. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરમાં નવા ઑર્ડર ઘટીને ૨૭ મહિનાની નીચી સપાટીએ અને આઉટપુટ ઘટીને બે વર્ષની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનો મુખ્ય આધાર રહેલા એક્સપોર્ટ ઑર્ડર સતત ઘટી રહ્યા છે. મૅન્યુફૅક્ચરિંગ સેક્ટરનું સેન્ટિમેન્ટ ઘટીને છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યું હતું. જપાનના સર્વિસ સેક્ટરનો પ્રિલિમિનરી ગ્રોથ નવેમ્બરમાં ઘટીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે ઑક્ટોબરમાં ૫૩.૨ પૉઇન્ટ હતો. જપાનની ટુરિઝમ ઇન્ડસ્ટ્રીઝમાં ગ્રોથ જોવા મળ્યો હતો, પણ અન્ય ઍક્ટિવિટી નબળી પડી હતી. 

બ્રિટનના ફૅક્ટરી ઑર્ડરનો ઇન્ડેક્સ નવેમ્બરમાં સતત ચોથા મહિને ઘટ્યો હતો અને માઇનસ પાંચ પૉઇન્ટે પહોંચ્યો હતો, જેના વિશે માર્કેટની ધારણા માઇનસ આઠ પૉઇન્ટની હતી. એક્સપોર્ટ ઑર્ડરમાં સતત ઘટાડાને પગલે ફૅક્ટરી ઑર્ડર ઘટ્યા હતા. આગામી છ મહિનાનું આઉટલુક યથાવત હતું, પણ ઇન્ફ્લેશનના વધારાને કારણે ઇન્પુટ કોસ્ટ વધતાં એની અસર ઑર્ડર પર પડશે એવી ધારણા છે. 

મલેશિયામાં પૉલિટિકલ ક્રાઇસિસ પૂરી થતાં કરન્સી રિંગિટના મૂલ્યમાં એક જ દિવસમાં બે ટકાનો ઉછાળો નોંધાયો હતો અને રિંગિટનું મૂલ્ય ડૉલર સામે ૪.૫ રહ્યું હતું. મલેશિયન રિંગિટનો એક દિવસનો ઉછાળો ૨૦૧૬ પછીનો સૌથી મોટો હતો અને રિંગિટનું મૂલ્ય છેલ્લા ત્રણ મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મલેશિયન કિંગે અપોઝિશન લીડર અનવર ઇબ્રાહિમની પ્રાઇમ મિનિસ્ટર તરીકે નિમણૂક કરતાં પૉલિટિકલ ક્રાઇસિસનો અંત આવ્યો હતો. મલેશિયન પાર્લામેન્ટની ચૂંટણીમાં એક પણ પક્ષને બહુમતી ન મળતાં છેલ્લા ત્રણ દિવસથી મલેશિયામાં પૉલિટિકલ ક્રાઇસિસ સર્જાઈ હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

ફેડ ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો કરે છે એ વિશે અનિશ્ચિતતાઓ વધી રહી છે. ફેડના કેટલાક મેમ્બરો ૭૫થી ૧૦૦ બેસિસ પૉઇન્ટ વધારવાની અપીલ પબ્લિક મીટિંગમાં કરી રહ્યા છે, પણ એની સામે નવેમ્બર મહિનામાં યોજાયેલી મીટિંગની મિનિટ્સમાં મોટા ભાગના મેમ્બરોએ ઇન્ટરેસ્ટ રેટના વધારાની ગતિ ધીમી કરવાના મતના હતા. આમ, ફેડના ઇન્ટરેસ્ટ રેટ વધારવા બાબતે બેતરફી વાતોને કારણે સોનામાં વધ-ઘટ વધી રહી છે અને હવે ફેડનો નિર્ણય ન આવે ત્યાં સુધી સોનામાં આવી જ વધ-ઘટ રહેવાની ધારણા છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૨,૭૧૩
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૨,૫૦૨
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૨,૨૬૬
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news