ફેડ ઇન્ટરેસ્ટ રેટનો વધારો જાળવી રાખે એવી ધારણાએ સોનું ઘટીને એક સપ્તાહના તળિયે

22 November, 2022 05:19 PM IST  |  Mumbai | Mayur Mehta

ચીનમાં કોરોનાને કારણે ૬ મહિના પછી પ્રથમ મૃત્યુ થતાં લૉકડાઉનના ભયે સોનામાં વેચવાલી વધી

પ્રતીકાત્મક તસવીર

ફેડરલ રિઝર્વ ડિસેમ્બર મીટિંગમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો જાળવી રાખે એવી શક્યતાને પગલે ડૉલર અને ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ વધતાં સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટતાં સોનું ઘટીને એક સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૫૪૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૮૭૮ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકન ફેડના મેમ્બરોનું ઇન્ટરેસ્ટ રેટ વધારાને રાબેતા મુજબ રાખવાનું દબાણ અને ચીનમાં કોરોનાના કેસ વધતાં સોનામાં સોમવારે સતત ચોથા સેશનમાં ઘટાડો જોવા મળ્યો હતો. અમેરિકી ડૉલર અન્ય કરન્સી સામે છેલ્લાં બે સપ્તાહથી એકધારો ઘટી રહ્યો છે, પણ સોમવારે ચાઇનીઝ કરન્સી યુઆન ઘટતાં ડૉલર સુધર્યો હતો અને ટ્રેઝરી યીલ્ડ પણ વધ્યા હોવાથી સોનામાં ખરીદીનું આકર્ષણ ઘટી રહ્યું છે. વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને એક સપ્તાહની નીચી સપાટીએ ૧૭૩૬.૮૦ ડૉલર થયું હતું, જેને પગલે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ ઘટ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ સતત ત્રીજે મહિને લૅન્ડિંગ રેટને યથાવત્ જાળવી રાખવાનો નિર્ણય કર્યો હતો. એક વર્ષના લોન પ્રાઇમ રેટ ૩.૬૫ ટકા અને પાંચ વર્ષના રેટને ૪.૩ ટકાએ જાળવી રાખ્યા હતા. ચીનમાં છ મહિના બાદ પ્રથમ વખત કોરોનાને કારણે પહેલું મૃત્યુ નોંધાયું હતું એને પગલે ચાઇનીઝ ગવર્નમેન્ટ ઑથોરિટી દ્વારા કડક લૉકડાઉન લાદવામાં આવે એવી શક્યતાએ ચાઇનીઝ બન્ને સ્ટૉક ઇન્ડેક્સ સોમવારે સતત ચોથા દિવસે ઘટ્યા હતા. ચાઇનીઝ કરન્સી યુઆનનું મૂલ્ય પણ છ સપ્તાહની ઊંચાઈએ ઘટ્યું હતું, જેની અસરે અમેરિકન ડૉલર મજબૂત બન્યો હતો.  

ચાલુ સપ્તાહે અમેરિકન ફેડની નવેમ્બર મીટિંગની મિનિટ્સ જાહેર થશે જેમાં ફેડના મેમ્બર્સ ઇન્ટરેસ્ટ રેટ વધારા વિશે શું માની રહ્યા છે? એ જાણી શકાશે. ફેડના મોટા ભાગના મેમ્બર્સની છેલ્લા ૧૫ દિવસની કમેન્ટમાં ઇન્ટરેસ્ટ રેટ વધારો જાળવી રાખવાની તરફેણ કરવામાં આવી હતી અને ઇન્ફ્લેશનને કાબૂમાં લેવાની લડત હજી લાંબા સમય સુધી ચાલુ રાખવી જોઈએ એવો મત વ્યક્ત કરવામાં આવ્યો હોવાથી ફેડ ડિસેમ્બરમાં અને ૨૦૨૩માં ઇન્ટરેસ્ટ રેટમાં કેટલો વધારો કરશે? એ વિશે અનિશ્ચિતતા વધી રહી છે. મોટા ભાગના ઍનલિસ્ટો માની રહ્યા છે કે ફેડ ડિસેમ્બરમાં ૫૦ બેસિસ પૉઇન્ટ વધારશે અને ૨૦૨૩માં શ્રેણીબદ્ધ ૨૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરશે. સૅન ફ્રાન્સિસ્કોના ફેડ પ્રેસિડન્ટ બુલાર્ડે ઇન્ટરેસ્ટ રેટ પાંચથી સાત ટકા સુધી વધારવાનો મત ગયા સપ્તાહે વ્યક્ત કર્યો હતો. 

અમેરિકાનું એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ ઑક્ટોબરમાં ૫.૯ ટકા ઘટીને ૧૧ વર્ષની નીચી સપાટીએ ૪૪.૩ લાખ યુનિટે પહોંચ્યું હતું. એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ સતત નવમા મહિને ઘટ્યું હતું. અમેરિકન ફેડ દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો થઈ રહ્યો હોવાથી મૉર્ગેજ રેટ સતત વધી રહ્યા છે જેને પગલે એક્ઝિસ્ટિંગ હોમસેલ્સ સતત વધી રહ્યું છે. ઑક્ટોબરમાં એક્ઝિસ્ટિંગ હોમની પ્રાઇસ ૬.૬ ટકા વધી હતી. અમેરિકાનું હાઉસિંગ સેક્ટર હવે ઝડપથી મંદીતરફ સરકી રહ્યું છે. 

બ્રિટન રિસેશન તરફ ધકેલાઈ રહ્યું હોવાના સતત વધી રહેલા સમાચાર વચ્ચે બ્રિટનનું રીટેલ સેલ્સ ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધ્યું હતું જે સપ્ટેમ્બરમાં ૧.૫ ટકા વધ્યું હતું અને માર્કેટની ૦.૩ ટકા વધારાની ધારણા સામે રીટેલ સેલ્સ ૦.૬ ટકા વધ્યું હતું. નૉન ફૂડ અને ઑટો ફ્યુઅલ સેલ્સ બન્ને ઑક્ટોબરમાં વધ્યા હતા. 

મલેશિયામાં યોજાયેલા નૅશનલ ઇલેક્શનમાં એક પણ પક્ષને બહુમતી ન મળતાં રાજકીય અસ્થિરતાનો માહોલ સર્જાયો છે. મલેશિયાના ઇતિહાસમાં પહેલી વખત હંગ પાર્લામેન્ટનો ચુકાદો લોકોએ આપ્યો છે. હાલના પ્રાઇસ મિનિસ્ટરની પાર્ટી અને વિરોધ પક્ષમાં બેઠેલી પાર્ટી, બન્નેમાંથી કોઈને બહુમતી મળી નથી. સરકારમાં અસ્થિરતા સર્જાતાં મલેશિયન રિંગિટ ડૉલર સામે ઘટ્યો હતો જે ચૂંટણી અગાઉ ડૉલર સામે બે મહિનાની ઊંચાઈએ હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ  

અમેરિકાનું ઇન્ફ્લેશન ઑક્ટોબર મહિનામાં ઘટીને ૭.૭ ટકાએ પહોંચ્યું હતું, પણ નૅચરલ ગૅસના ભાવ અને ગ્લોબલ વૉર્મિંગને કારણે ખાદ્ય ચીજોના ભાવ જે રીતે વધી રહ્યા છે એ જોતાં ઇન્ફ્લેશન ગમે ત્યારે રિબાઉન્સ થવાના ચાન્સ છે. બ્રિટન અને યુરો એરિયાનું ઇન્ફ્લેશન હજી રેગ્યુલર ગતિએ વધી રહ્યું છે. અમેરિકામાં ઠંડીનો પારો રેકૉર્ડબ્રેક નીચી સપાટીએ પહોંચતાં અનેક વિસ્તારમાં બરફનાં તોફાનો ચાલુ થયાના અહેવાલો છે. આવા વખતે નૅચરલ ગૅસનો વપરાશ વધશે એ સ્વાભાવિક છે. ગયા સપ્તાહે અમેરિકામાં નૅચરલ ગૅસના ભાવ પાંચ ટકા વધ્યા હતા. નૅચરલ ગૅસની તેજી ઇન્ફ્લેશનને ફરી રિબાઉન્ડ કરાવી શકે છે, જે વખતે ફેડ અને તમામ સેન્ટ્રલ બૅન્ક ફરી ઇન્ટરેસ્ટ રેટ વધારવા આગળ આવશે. જો રિસેશનની તીવ્ર અસર ચાલુ થઈ હશે તો સોના-ચાંદીમાં તેજીના ઉછાળા સંજોગો જોવા મળશે, પણ જો માત્ર ઇન્ટરેસ્ટ રેટ વધતો રહેશે, પણ રિસેશનની અસર મોટી નહીં હોય તો સોના-ચાંદીમાં માત્ર વધ-ઘટ જોવા મળશે.

business news commodity market