વર્લ્ડમાં ઇન્ફ્લેશનના ઝડપી વધારા સામે ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો વધારો થવાની શક્યતાથી સોનું રેન્જબાઉન્ડ

20 November, 2021 03:48 PM IST  |  mumbai | Mayur Mehta

જર્મનીનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફ્લેશન ૭૦ વર્ષની ઊંચાઈએ પહોંચતાં સોનાની તેજીને સપોર્ટ ચાલુ 

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા, યુરો એરિયા, બ્રિટન, કૅનેડા, જપાન સહિત લગભગ તમામ દેશોનું ઇન્ફ્લેશન ઝડપથી વધી રહ્યું છે જેને કારણે ઇન્ટરેસ્ટ રેટમાં ધારણા કરતાં વહેલો વધારો થશે તેવી શક્યતાને પગલે સોનું રેન્જબાઉન્ડ હતું. જોકે ઇન્ટરેસ્ટ રેટમાં વહેલો વધારો કરવાનું પગલું સહેલું નથી, આથી સોનાની તેજીને સતત સપોર્ટ મળી રહ્યો છે. 
વિદેશી પ્રવાહ

વર્લ્ડમાં ઇન્ફ્લેશનરી પ્રેશર સામે ઇન્ટરેસ્ટ રેટમાં ધારણા કરતાં વહેલો વધારો થવાની શક્યતાઓ પણ ચર્ચાઈ રહી હોઈ સોનું રેન્જબાઉન્ડ અથડાઈ રહ્યું છે. અમેરિકન ડૉલર છેલ્લાં ચાર સપ્તાહથી સતત વધી રહ્યો છે, પણ ટ્રેઝરી બૉન્ડના યીલ્ડ સપ્તાહની શરૂઆતમાં ત્રણ સપ્તાહની ઊંચાઈએ ૧.૬૪ ટકા હતા તે ઘટીને હાલ ૧.૫૬ ટકાએ પહોંચ્યા છે. વળી ચાઇનીઝ યુઆનનું મૂલ્ય ડૉલર સામે છ વર્ષની ઊંચાઈએ હોઈ ચીનમાં સોનાની ડિમાન્ડ હાલ સતત વધી રહી છે. સ્વીસ ગોલ્ડની એક્સપોર્ટ ચીનમાં ઑક્ટોબરમાં વધી હતી. સોનું રેન્જબાઉન્ડ હોવા છતાં ચાંદી, પ્લેટિનમ અને પેલેડિયમમાં વધારો જોવા મળ્યો હતો. 

ઇકોનૉમિક ઇન્ડિકેટર
અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૧૩ નવેમ્બરે પૂરા થયેલા સપ્તાહ દરમ્યાન એક હજાર ઘટીને ૨.૬૮ લાખે પહોંચી હતી જે કોરોના પછીની સૌથી નીચી હતી. યુરો એરિયા કરન્ટ અકાઉન્ટ સરપ્લસ સપ્ટેમ્બરમાં ઘટીને ૨૬.૯ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૩૭.૮ અબજ યુરો હતી. યુરો એરિયા અને બ્રિટનમાં નેચરલ ગૅસના ભાવ એક મહિનાની ઊંચાઈએ પહોંચી હતી. બ્રિટનમાં રીટેલ સેલ્સ છ મહિના પછી પ્રથમ વખત ઑક્ટોબરમાં ૦.૮ ટકા વધ્યું હતું જેના વિશે માર્કેટની ધારણા ૦.૫ ટકા વધારાની હતી. બ્રિટનનું બજેટ ગેપ ઑક્ટોબરમાં વધીને ૧૮.૮ અબજ પાઉન્ડે પહોંચ્યું હતું જે અત્યાર સુધીનું સેકન્ડ હાઇએસ્ટ હતું અને માર્કેટની ૧૩.૮ અબજ પાઉન્ડની ધારણા કરતાં ઘણું ઊંચું રહ્યું હતું. બ્રિટનમાં કન્ઝ્યુમર્સ મૂડ નવેમ્બરમાં ત્રણ પૉઇન્ટ વધીને માઇનસ ૧૪ પૉઇન્ટ રહ્યું હતું જે ઑક્ટોબરમાં આઠ મહિનાની નીચી સપાટીએ માઇનસ ૧૭ પૉઇન્ટ હતો.  જર્મનીનો પ્રોડ્યુસર્સ ઇન્ફ્લેશન ઑક્ટોબરમાં વધીને ૭૦ વર્ષની ઊંચાઈએ ૧૮.૪ ટકાએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૪.૨ ટકા હતો અને માર્કેટની ધારણા ૧૬.૨ ટકાની હતી. જપાનનો કન્ઝ્યુમર્સ પ્રાઇસ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં સતત બીજે મહિને ૦.૧ ટકા વધ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૦.૨ ટકા વધ્યો હતો, એ જ રીતે જપાનનો કોર ઇન્ફ્લેશન પણ સતત બીજે મહિને ૦.૧ ટકા વધ્યો હતો જે માર્કેટની ધારણા પ્રમાણે જ વધ્યો હતો. જર્મનીનો પ્રોડ્યુસર્સ પ્રાઇસ ઇન્ફલેશન ૭૦ વર્ષની ઊંચાઈએ પહોંચવો તે વિશ્વમાં વધી રહેલા ઇન્ફ્લેશનની હાઇટ દર્શાવે છે. ઇન્ફ્લેશનના વધારા સામે સોનું બેસ્ટ હેજિંગ ટૂલ્સ હોઈ આ પ્રકારના તમામ ડેટા સોનાની તેજીને સપોર્ટ કરશે. 

શૉર્ટ ટર્મ-લૉન્ગ ટર્મ
ઇન્ફ્લેશનરી પ્રેશર દરેક દેશોમાં અવિરત વધી રહ્યું હોઈ સોનાની તેજીને સપોર્ટ મળી રહ્યો છે. ટૉપ લેવલના ઇકોનૉમિસ્ટો ઇન્ફ્લેશનરી પ્રેશર હજી લાંબો સમય રહેવાની આગાહી કરી રહ્યા છે, કારણ કે કોરોનાના સતત વધી રહેલા કેસને કારણે અનેક દેશો સ્ટિમ્યુલેસ પૅકેજ અને ઇઝી મૉનેટરી પૉલિસીમાં કોઈ બદલાવ કરી શકે તેવી સ્થિતિમાં નથી. કોરોનાનો કેર હજી પણ અનેક દેશોને તબાહ કરી રહ્યો છે, ગુરુવારે અમેરિકામાં ૯૯,૧૪૬, જર્મનીમાં ૬૪,૧૬૪, બ્રિટનમાં ૪૬,૮૦૭, રશિયામાં ૩૭,૩૭૪, ફ્રાન્સમાં ૨૦,૩૬૬, યુક્રેનમાં ૨૦,૫૯૧, પોલૅન્ડમાં ૨૪,૮૯૯ અને નેધરલૅન્ડમાં ૨૩,૫૯૧ નવા કેસ નીકળા હતા. વળી અમેરિકા અને રશિયામાં એક જ દિવસમાં ૧૧૦૦થી ૧૨૦૦ મૃત્યુ થયા હોઈ કોરોનાની સ્થિતિ હજી ચિંતાજનક રીતે આગળ વધી રહી છે. કોરોનાની સ્થિતિ સુધરવાના બદલે બગડી રહી હોઈ ફેડ સહિત અનેક દેશોની સેન્ટ્રલ બૅન્કો ઇન્ટરેસ્ટ રેટ વધારવા માટે ઉતાવળ કરી શકે તેમ નથી કારણ કે કોરોનાની અસર આજે નહીં તો કાલે ઇકોનૉમિક ગ્રોથ પર જોવા મળી શકે છે. બુલિયન એનલિસ્ટો સોનાનો શૉર્ટ ટર્મ ટાર્ગેટ ૧૮૩૫થી ૧૮૮૦ ડૉલર બતાવી રહ્યા છે, જો સોનું ૧૮૮૦ ડૉલરની સપાટી વટાવશે તો ૧૯૨૦ ડૉલર જોવા મળશે. ફેડરલ રિઝર્વે ટેપરિંગ શરૂ કરવાની જાહેરાત કરી તે પહેલાં સોનું ૧૭૫૦ ડૉલર હતું જે ટેપરિંગની જાહેરાત પછીના ગણતરીના દિવસોમાં વધીને ૧૮૬૦થી ૧૮૬૫ ડૉલરની સપાટીએ પહોંચીને રેન્જબાઉન્ડ અથડાઈ રહ્યું છે. 

business news