અમેરિકાનું ઇન્ફ્લેશન ઊંચું આવવાની ધારણાને પગલે સોનામાં ઘટાડો અટકીને ભાવ વધ્યા

11 May, 2022 05:01 PM IST  |  Mumbai | Mayur Mehta

સોનાએ ટેક્નિકલ સપોર્ટ લેવલ ૧૮૫૦ ડૉલર તોડ્યું ન હોવાથી ઍનલિસ્ટોના મતે આગળ જતાં તેજી થશે

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનું ૪૦ વર્ષની ઊંચાઈએ પહોંચેલું ઇન્ફ્લેશન એપ્રિલ મહિનામાં પણ વધીને આવશે એવી ધારણાને પગલે સોનામાં ઘટાડો અટકીને નીચા મથાળેથી ભાવ વધ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૭ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૧૨ રૂપિયા વધી હતી. 
વિદેશી પ્રવાહ 
અમેરિકાના બુધવારે જાહેર થનારા એપ્રિલ મહિનાના ઇન્ફ્લેશનના ડેટા વધીને આવવાની ધારણાને પગલે સોનામાં ઘટાડો અટકી સુધારો જોવા મળ્યો હતો. વર્લ્ડ માર્કેટમાં સોનું સોમવારે ૧.૭ ટકા ઘટીને ૧૮૫૧.૪૦ ડૉલર થયું હતું. સોનાએ ૧૮૫૦ ડૉલરનું સપોર્ટ લેવલ તોડ્યું ન હોવાથી ટેક્નિકલ ઍનલિસ્ટો સોનામાં આગળ જતાં તેજી જોઈ
રહ્યા છે. સોનું ઘટ્યા મથાળેથી સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં. 
ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનું કન્ઝ્યુમર્સ ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન એપ્રિલમાં ઘટીને ૬.૩ ટકા રહ્યું હતું, જે માર્ચમાં ૬.૬ ટકા હતું અને એક વર્ષ પહેલાં ઇન્ફ્લેશન એક્સપેક્ટેશન ૪.૪ ટકા હતું. અમેરિકાના એપ્રિલ મહિનાના રિયલ ઇન્ફ્લેશન ડેટા બુધવારે મોડી સાંજે જાહેર થશે જે વધીને આવવાની ધારણા છે. અમેરિકાનો સ્મૉલ બિઝનેસ ઑપ્ટિમિઝમ ઇન્ડેક્સ એપ્રિલમાં ૯૩.૨ પૉઇન્ટે ટકેલો હતો, પણ માર્ચમાં આ ઇન્ડેક્સ બે વર્ષની નીચી સપાટીએ હતો જે લેવલ જળવાયેલું હતું. યુરો એરિયાનું ઇન્વેસ્ટર્સ મોરલ મે મહિનામાં સુધરીને માઇનસ ૨૯.૫ પૉઇન્ટે પહોંચ્યું હતું જે એપ્રિલમાં બે વર્ષની નીચી સપાટીએ માઇનસ ૪૩ પૉઇન્ટ હતું. અમેરિકાની હોલસેલ ઇન્વેન્ટરી માર્ચમાં ૨.૩ ટકા વધી હતી જે ફેબ્રુઆરીમાં ૨.૮ ટકા વધી હતી, પણ માર્કેટની ધારણા પ્રમાણે જ હોલસેલ ઇન્વેન્ટરી રહી હતી. 
ગ્રીસનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૨૭ વર્ષની ઊંચાઈએ ૧૦.૨ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૮.૯ ટકા હતું. હંગેરીનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૨૧ વર્ષની ઊંચાઈએ ૯.૫ ટકાએ પહોંચ્યું હતું જે માર્ચમાં ૮.૫ ટકા હતું. ડેન્માર્કનું ઇન્ફ્લેશન એપ્રિલમાં વધીને ૩૮ વર્ષની ઊંચાઈએ ૬.૭ ટકા રહ્યું હતું જે માર્ચમાં ૫.૪ ટકા હતું. ઑસ્ટ્રેલિયાના રીટેલ સેલ્સમાં સતત ત્રીજે મહિને માર્ચમાં ૧.૬ ટકાનો વધારો નોંધાયો હતો જેમાં માર્ચમાં ૧.૮ ટકાનો વધારો થયો હતો. જપાનના પર્સનલ સ્પેન્ડિંગમાં માર્ચમાં ૨.૩ ટકાનો ઘટાડો નોંધાયો હતો જે છેલ્લા ત્રણ મહિનામાં સૌપ્રથમ ઘટાડો હતો. બ્રિટનના રીટેલ સેલ્સમાં એપ્રિલમાં ૧.૭ ટકાનો ઘટાડો નોંધાયો હતો જેમાં માર્ચમાં ૦.૪ ટકાનો ઘટાડો નોંધાયો હતો. ઇન્ફ્લેશનના વધારાનો ભય હજી ઓછો થયો ન હોવાથી સોનું દરેક ઘટાડે બાઉન્સબૅક થઈ રહ્યું છે. 
શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
સોનાની માર્કેટમાં હાલ મંદીનાં કારણો વધારે હાવી છે, કારણ કે યુક્રેન અને રશિયા વચ્ચે સતત લંબાઈ રહેલા યુદ્ધથી યુરોપિયન દેશો, બ્રિટન, કૅનેડા, ઑસ્ટ્રેલિયા અને અનેક એશિયાઈ દેશોની ઇકૉનૉમી ઊંચી એનર્જી પ્રાઇસથી નબળી પડી રહી છે. અમેરિકન ઇકૉનૉમિક ગ્રોથને પણ રશિયા-યુક્રેન વચ્ચેના યુદ્ધની અસર નડી હતી અને ફર્સ્ટ ક્વૉર્ટરનો ઇકૉનૉમિક ગ્રોથ ઘટ્યો હતો, પણ એપ્રિલ મહિનાના જૉબડેટા અને અન્ય ઇકૉનૉમિક ડેટા મજબૂત આવ્યા હોવાથી ડૉલર મજબૂત બન્યો હતો. અધૂરામાં પૂરું ચીનમાં કોરોનાના કેસ સતત વધી રહ્યા હોવાથી અને ગવર્નમેન્ટની કડક પૉલિસીને કારણે ચીનનાં અનેક શહેરો હજી પણ લૉકડાઉન હેઠળ હોવાથી ચીનની ઇકૉનૉમી પણ નબળી પડી રહી છે. ચીન વર્લ્ડનું મૅન્યુફૅક્ચરિંગ એન્જિન હોવાથી અનેક દેશોને ચાઇનીઝ સપ્લાય ઓછી મળવા લાગતાં તમામને અસર થઈ છે. ઓવરઑલ આ તમામ કવાયતને પગલે અમેરિકી ડૉલર સતત મજબૂત બની રહ્યો છે એને કારણે સોનું ઘટી રહ્યું છે, પણ ઇન્ફ્લેશનનો ભય હજી ગયો નથી. ઇન્ફ્લેશનનો વધારો સોનાને ઘટતો રોકશે. જો બુધવારે જાહેર થનારું અમેરિકાનું એપ્રિલ મહિનાનું ઇન્ફ્લેશન ઘટશે તો સોનામાં વધ-ઘટ ઓછી થશે, કારણ કે ઇન્ફ્લેશન ઘટતાં ફેડને પણ ઇન્ટરેસ્ટ રેટ વધારવાની આક્રમકતા ઓછી કરવી પડશે. આમ, સોનામાં બેતરફી વધ-ઘટનો દોર હજી બેથી ત્રણ મહિના ચાલુ રહેશે.

business news