અમેરિકામાં બેરોજગારી વધતાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળે મજબૂતીનો માહોલ

04 April, 2020 11:01 AM IST  |  Mumbai Desk

અમેરિકામાં બેરોજગારી વધતાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળે મજબૂતીનો માહોલ

અમેરિકામાં માર્ચ મહિનામાં બેરોજગારીનો દર વધી જતાં સોનાના ભાવમાં ઘટ્યા મથાળેથી ઉછાળો આવ્યો છે. બજારમાં માત્ર એક લાખ લોકોનો ઉમેરો થયો હોવાની ધારણા હતી એની સામે બેરોજગારોની સંખ્યા વધીને ૭.૦૧ લાખ થઈ છે. 

ગુરુવારે ઉછાળા બાદ દિવસભર નરમ રહ્યા બાદ ફરી સોનામાં ભાવ ઘટ્યા મથાળેથી વધ્યા હતા. આ લખાય છે ત્યારે કૉમેક્સ ખાતે જૂન વાયદો ૦.૧૦ ટકા કે ૧.૭૦ ડૉલર ઘટીને ૧૬૩૬ ડૉલર પ્રતિ ઔંસ અને હાજરમાં ૦.૦૩ ટકા કે ૪૩ સેન્ટ ઘટીને ૧૬૧૩.૫૬ ડૉલર પ્રતિ ઔંસ હતા. ચાંદી મે વાયદો ૦.૬૪ ટકા કે ૯ સેન્ટ ઘટીને ૧૪.૫૬ ડૉલર અને હાજરમાં ૯ સેન્ટ ઘટી ૧૪.૪૦ ડૉલર પ્રતિ ઔંસ છે.

ભારતમાં હાજર બજારો લૉકડાઉનને કારણે બંધ રહ્યાં હતાં. ગુરુવારે રામ નવમીની રજા બાદ બુધવારની સરખામણીએ ઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશનના રેફરન્સ રેટ અનુસાર સોનાના ભાવ ૪૬૨ વધી ૪૩,૯૩૬ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ અને ચાંદી ૧૪૬૦ વધી ૪૦,૭૧૦ રૂપિયા પ્રતિ કિલો રહ્યા હતા. આજે એમસીએક્સ ઉપર એપ્રિલ સોનું ૨૯૩ વધી ૪૩,૬૫૦ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ  અને ચાંદી ૧૩૮૭ વધી ૪૧,૨૫૯ રૂપિયા પ્રતિ કિલો રહી હતી. બુધવારે ભારતીય બજાર બંધ રહ્યું ત્યારથી વૈશ્વિક બજારમાં આવેલા ઉછાળા અને ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભારતમાં ઉછાળો વધારે તીવ્ર બન્યો છે.

અમેરિકામાં માર્ચ મહિનામાં બેરોજગારી વધી
લેબર ડિપાર્ટમેન્ટના માસિક અહેવાલ અનુસાર અમેરિકામાં માર્ચ મહિનામાં ૭,૦૧,૦૦૦ લોકોએ રોજગારી ગુમાવી હતી. ગુરુવારે જૉબલેસ કલેમના આંકડા બાદ એવી અપેક્ષા હતી કે બેરોજગારીમાં ચોક્કસ વધારો થશે. માર્ચ ૧૨ના અંતે લગભગ ૧ કરોડ લોકોએ બેરોજગારીના ભથ્થા માટે અરજી કરી હતી, જે કુલ રોજગારલાયક વસ્તીના ૬ ટકા જેટલી થાય છે. બજારમાં બેરોજગારીનો દર ૩.૮ ટકા રહે એવી ધારણા હતી એની સામે એ વધીને ૪.૪ ટકા આવ્યો છે.

business news united states of america