સિલિકૉન વૅલી બૅન્કના ફિયાસ્કાથી સેફ હેવન ડિમાન્ડ નીકળતાં સોનું એક મહિનાની ઊંચાઈએ

14 March, 2023 03:06 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ ઇન્ટરેસ્ટ રેટ વધારવામાં સાવચેતી રાખશે એવી ધારણાએ ડૉલર ઘટતાં સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું : મુંબઈમાં સોનામાં ૧૨૯૯ અને ચાંદીમાં ૧૮૭૫ રૂપિયાનો ઉછાળો

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

સિલિકૉન વૅલી બૅન્કના ફિયાસ્કાની અસરે સોનામાં સેફ હેવન ડિમાન્ડ વધતાં ભાવ એક મહિનાની ઊઠચાઈએ પહોંચ્યા હતા. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૨૯૯ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૧૮૭૫ રૂપિયા ઊછળી હતી. 

વિદેશી પ્રવાહ 

સિલિકૉન વૅલી બૅન્ક તૂટી પડતાં એની અસરે સોનામાં સેફ હેવન બાઇંગ વધ્યું હતું તેમ જ ફેડ હવે આગામી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારે એના ચાન્સિસ ઘટીને ૭૦ ટકા થયા હતા એને પગલે સોનામાં ખરીદીનું આકર્ષણ વધ્યું હતું. વળી સિલિકૉન વૅલી બૅન્કની જેમ અનેક અમેરિકન બૅન્કોની સ્થિતિ ઊંચા ઇન્ટરેસ્ટ રેટને કારણે કપરી બની રહી હોવાથી ફેડ ૨૦૨૩ના અંતે ઇન્ટરેસ્ટ  રેટમાં ઘટાડો કરે એવી શક્યતાની પણ ચર્ચા થતાં ડૉલર ઘટ્યો હતો. ખાસ કરીને અમેરિકા સહિત વિશ્વના અનેક દેશોનાં સ્ટૉક માર્કેટ ઘટતાં ઇન્વેસ્ટરો સેફ હેવન સોનાની ખરીદી તરફ વળતાં સોનામાં ઉછાળો નોંધાયો હતો. સોનું શુક્રવારે ઘટીને ૧૮૩૧.૬૦ ડૉલર હતું જે સોમવારે એક તબક્કે વધીને ૧૮૯૪.૬૦ ડૉલર થયા બાદ સાંજે ૧૮૮૩થી ૧૮૮૪ ડૉલરની રેન્જમાં હતું. સોનું વધતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

સિલિકૉન વૅલી બૅન્કે દેવાળું ફૂંકતાં અમેરિકી ડૉલર ઘટીને ૧૦૪ના લેવલે પહોંચ્યો હતો. અમેરિકન રેગ્યુલેટરે ડિપોઝિટરોને નાણાં પરત મેળવવાની ખાતરી આપી હતી અને દરેક ફાઇનૅન્શિયલ ઇન્સ્ટિટ્યૂટને નવો લૅન્ડિંગ પ્રોગ્રામ બનાવવાનો નિયમ બનાવ્યો હતો, પણ એનાથી ઇન્વેસ્ટરોનો ભરોસો પાછો મેળવવામાં નિષ્ફળતા મળી હતી, જેને કારણે ડૉલર નબળો પડ્યો હતો. વળી સિલિકૉન વૅલી બૅન્કના ફિયાસ્કા પછી ફેડરલ રિઝર્વ ઇન્ટરેસ્ટ રેટમાં આક્રમક વધારો કરવામાં સાવચેતી રાખશે એવો એક સૂર ઊભો થતાં ડૉલરમાં વેચવાલી વધી હતી. 
અમેરિકાની બજેટ ડેફિસિટ ફેબ્રુઆરીમાં વધીને ૨૬૨ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૨૧૭ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૨૫૬ અબજ ડૉલરની હતી એના કરતાં પણ ડેફિસિટ વધી હતી. હાલની અમેરિકાની બજેટ ડેફિસિટ છેલ્લા આઠ મહિનાની સૌથી વધુ છે. અમેરિકન બજેટ આઉટ-લે ચાર ટકા વધ્યો છે, જ્યારે બજેટ રિસીટમાં ૧૦ ટકાનો ઘટાડો થયો છે. 

અમેરિકામાં ફેબ્રુઆરી મહિનામાં ૩.૧૧ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જેના વિશે ધારણા ૨.૦૫ લાખ નોકરીઓ ઉમેરાવાની હતી. જોકે જાન્યુઆરીમાં અમેરિકામાં ૫.૦૪ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી, જેની સરખામણીમાં ફેબ્રુઆરીમાં ઓછી નોકરીઓ ઉમેરાઈ હતી. છેલ્લા છ મહિનામાં અમેરિકામાં દર મહિને ૩.૪૩ લાખ નવી નોકરીઓ ઉમેરાઈ હતી. અમેરિકાનો અનએમ્પ્લૉયમેન્ટ ઇન્ડેક્સ ફેબ્રુઆરીમાં વધીને ૩.૬ ટકા રહ્યો હતો, જે જાન્યુઆરીમાં ૫૦ વર્ષની નીચી સપાટીએ ૩.૪ ટકા હતો. ગયા મહિને અમેરિકન પબ્લિકનું પ્રતિ કલાક વેતન આઠ સેન્ટ એટલે કે ૦.૨ ટકા વધ્યું હતું, જેના વિશે ધારણા ૦.૩ ટકા વધારાની હતી. 

જપાનનો બિઝનેસ મૂડ ૨૦૨૩ના ફર્સ્ટ ક્વૉર્ટરમાં ઘટીને નેગેટિવ ૧૦.૫ ટકા રહ્યો હતો, જે અગાઉના ક્વૉર્ટરમાં નેગેટિવ ૩.૬ ટકા હતો. જપાનનું ઇન્ફ્લેશન ૪૨ વર્ષની ઊંચાઈએ પહોંચતાં ઇન્પુટ કૉસ્ટના વધારાને કારણે દરેક બિઝનેસને રો-મટીરિયલ્સ કૉસ્ટનો બોજો વધ્યો હતો. જોકે જૅપનીઝ બિઝનેસ હાઉસોને આગામી એક મહિનામાં સ્થિતિ સુધરવાની આશા છે. 

આ પણ વાંચો:  USAના અનએમ્પ્લૉયમેન્ટ બેનિફિટ ડેટા નબળા આવતાં સોનામાં આગળ વધી રહેલી મંદીને બ્રેક

ચાલુ સપ્તાહે અનેક મહત્ત્વના ડેટા જાહેર થવાના છે. મંગળવારે અમેરિકાના ફેબ્રુઆરી મહિનાના ઇન્ફ્લેશનના ડેટા જાહેર થશે જેના પરથી ફેડ ૨૧-૨૨ માર્ચે કેટલો ઇન્ટરેસ્ટ રેટ વધારશે? એ નક્કી થશે. સિલિકૉન વૅલી બૅન્કની ઘટના પછી અમેરિકાના ઇન્ફ્લેશન ડેટાનું મહત્ત્વ અનેક ગણું વધી જશે. બુધવારે બ્રિટનનું બજેટ રજૂ થશે. ત્યાર બાદ ગુરુવારે યુરોપિયન સેન્ટ્રલ બૅન્કની પૉલિસી મીટિંગ યોજાશે, જેમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાની પૂરેપૂરી શક્યતા છે. જોકે સિલિકૉન વૅલી બૅન્કની ઘટના પછી ફેડ સાવચેતીભર્યો નિર્ણય લેશે એવી શક્યતાએ યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક પણ ૫૦ બેસિસ પૉઇન્ટને બદલે ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારી શકે છે. ચાલુ સપ્તાહે ચીનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને રીટેલ સેલ્સના ડેટા જાહેર થવાના છે. બ્રિટન, ઑસ્ટ્રેલિયા અને દક્ષિણ કોરિયાના અનએમ્પ્લૉયમેન્ટ ડેટા પણ ચાલુ સપ્તાહે જાહેર થશે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

સિલિકૉન વૅલી બૅન્કની ઘટનાએ ફાઇનૅન્શિયલ માર્કેટમાં યુટર્ન લાવી દીધો છે. ખાસ કરીને બૅન્કિંગ સેક્ટર પર રોકાણકારો અને સામાન્ય પબ્લિકનો ભરોસો તૂટી જતાં સ્ટૉક માર્કેટ સહિતની તમામ ફાઇનૅન્શિયલ માર્કેટમાં વેચવાલીનો મારો ચાલ્યો હતો, એની બદલે આમ પબ્લિકે સેફ હેવન સોનાની ખરીદી વધારી હતી. સોનાની તેજીનો આધાર હવે સિલિકૉન વૅલી બૅન્ક દ્વારા ફાઇનૅન્શિયલ માર્કેટમાં આવેલા ધરતીકંપ બાદ આફટરશૉક કેવા રહે છે? એની પર રહેશે. જો સિલિકૉન વૅલી બૅન્ક તૂટતાં એની અસરે અન્ય બૅન્કો નબળી પડી રહી હોવાના આછેરા સમાચારથી ફેડે રણનીતિમાં ધરમૂળથી ફેરફાર કરવા પડશે અને એની અસરે ડૉલર તૂટશે અને સોનામાં તેજીનો નવો અધ્યાય શરૂ થશે, પણ હજી આ જો અને તો વચ્ચે અટવાયેલું છે. અમેરિકાના ઇન્ફ્લેશનના ડેટા અને યુરોપિયન સેન્ટ્રલ બૅન્કનો ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો નિર્ણય પણ આ તમામ બાબતોમાં મહત્ત્વની ભૂમિકા ભજવશે. આથી સોના-ચાંદીની માર્કેટ સાથે સંકળાયેલા તમામે હવે બારીકાઈથી તમામ ઘટનાક્રમ પર નજર રાખવી પડશે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૫૬,૯૬૮
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૫૬,૭૪૦
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૬૩,૬૬૬

(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation