ચીન સામે અમેરિકા શું પગલાં લેશે એની ગણતરીએ સોનના ભાવ મક્કમ

30 May, 2020 10:17 AM IST  |  Mumbai Desk | Mumbai Correspondent

ચીન સામે અમેરિકા શું પગલાં લેશે એની ગણતરીએ સોનના ભાવ મક્કમ

પ્રતીકાત્મક તસવીર

 સોનાના ભાવમાં આંશિક વધારો જોવા મળી રહ્યો છે, જ્યારે વૈશ્વિક બજારમાં ચાંદી તીવ્ર ઉછાળા સાથે ત્રણ મહિનાની ઊંચી સપાટીએ પહોંચી છે. અમેરિકા અને ચીન વચ્ચે તંગદિલી વધી રહી છે અને એને કારણે બન્ને ધાતુઓમાં ફરી જોખમ હળવું કરી રોકાણ કરવાની વૃત્તિ જોવા મળી રહી છે.
હૉન્ગકૉન્ગ પર નિયંત્રણ લાદતા કાયદાને અમેરિકાના વિરોધ પછી પણ ચીને મંજૂરી આપી છે. રાષ્ટ્રપતિ ટ્રમ્પ આ વિશે આજે પત્રકાર-પરિષદ કરવાના છે. આમાં બન્ને દેશ વચ્ચે સંબંધો વધારે વણસે અને ૨૦૧૮ની જેમ વિશ્વની સૌથી મોટી બે આર્થિક મહાસત્તા આમને-સામને આવે એવી શક્યતા છે. અમેરિકા અને ચીન વચ્ચેની તંગદિલીની અસર ફૉરેક્સ માર્કેટમાં ચોક્કસ છે. આ તંગદિલીને કારણે વિશ્વની બે આર્થિક મહાસત્તાઓ ટ્રેડ-વૉરની જેમ ફરી આમને-સામને આવશે અને એનાથી કોરોના વાઇરસને કારણે મંદીમાં સરી પડેલા વૈશ્વિક અર્થતંત્રને વધુ નુકસાન થશે.
સોનું ૭૮૯ વધ્યું, ચાંદી ૨૧૫૮ ઊછળીને ૫૦,૦૦૦ રૂપિયાને પાર
ભારતમાં સોના-ચાંદીના ભાવમાં આજે વૃદ્ધિ જોવા મળી હતી. બંધ બજારે ઇન્ડિયન બુલિયન અને જ્વેલર્સ અસોસિએશનના ટૅક્સ સિવાયના રેફરન્સ રેટ અનુસાર સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૬૯૨૯ અને પ્રતિ કિલો ચાંદી ૫૩૦ વધી ૪૮,૪૩૫ રૂપિયા હતી.
લૉકડાઉનને કારણે બજારો બંધ હતાં, પણ ખાનગીમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૮૯ વધી ૪૮,૩૫૯ અને ચાંદી ૨૧૫૮ ઊછળી ૫૦,૧૭૭ રૂપિયા પ્રતિ કિલો હતી.
એમસીએક્સ સોનું જૂન વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૬૫૨૩ ખૂલી, ઉપરમાં ૪૬૬૯૨ અને નીચામાં ૪૬૩૯૪ રૂપિયાના મથાળે અથડાઈને પ્રથમ સત્રના અંતે ૨૬૦ વધીને ૪૬૬૬૫ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૩૩૬ વધીને ૮ ગ્રામદીઠ ૩૮૩૪૪ અને ગોલ્ડ-પેટલ મે કૉન્ટ્રૅક્ટ પ્રથમ સત્રના અંતે ૧૫૨ વધીને ૧ ગ્રામદીઠ ૪૯૪૧ રૂપિયા થયા હતા. ચાંદીના વાયદાઓમાં ચાંદી જુલાઈ કૉન્ટ્રૅક્ટ કિલોદીઠ ૪૮૭૧૦ ખૂલી, ઉપરમાં ૪૯૪૮૫ અને નીચામાં ૪૮૪૫૨ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૭૩૨ વધીને ૪૯૨૯૦ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની જૂન ૬૪૪ વધીને ૪૯૫૬૯ અને ચાંદી-માઇક્રો જૂન ૫૯૩ વધીને ૪૯૬૧૬ રૂપિયા બંધ રહ્યા હતા.

business news united states of america china