ચીનના સ્ટિમ્યુલસથી બે સપ્તાહની ઊંચી સપાટીએ સોનાના ભાવમાં તેજીને બ્રેક

18 February, 2020 11:58 AM IST  |  New Delhi

ચીનના સ્ટિમ્યુલસથી બે સપ્તાહની ઊંચી સપાટીએ સોનાના ભાવમાં તેજીને બ્રેક

ગોલ્ડ

જપાનમાં આર્થિક વિકાસદર પાંચ વર્ષમાં સૌથી નબળો આવ્યો હોવા છતાં ચીનની પીપલ્સ બૅન્કે કોરોના વાઇરસના કારણે આર્થિક અસરોને ખાળવા માટે જાહેર કરેલા પૅકેજના કારણે શૅરબજારમાં જોવા મળેલી વૃદ્ધિના કારણે ગઈ કાલે સોનાના ભાવમાં નરમ હવામાન જોવા મળી રહ્યું હતું. જોકે ગઈ કાલે સોનાની બજારમાં વૉલ્યુમ ઓછું રહ્યું હતું, કારણ કે અમેરિકામાં પ્રેસિડન્ટ ડેની રજા છે. શુક્રવારે સોનાના ભાવ બે સપ્તાહની ઊંચી સપાટીએ બંધ આવ્યા પછી એમાં ઘટાડો જોવા મળ્યો છે.

પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ આજે વ્યાજનો દર ૦.૧૦ ટકા ઘટાડી ૩.૧૫ ટકા કરવાની જાહેરાત કરી હતી. આની સાથે ૨૯ અબજ ડૉલર કે ૭૦૦ અબજ યુઆનની રકમ ધિરાણ માટે બૅન્કોને ફાળવવાની જાહેરાત કરી હોવાથી શૅરબજારમાં થોડી વૃદ્ધિ થઈ હતી. યુરોપમાં પણ શૅર વધી ગયા હતા. કોરોના વાઇરસનાં આર્થિક જોખમો સપાટી પર આવી રહ્યાં છે ત્યારે હળવા અને પુષ્કળ ધિરાણની નીતિ એને અટકાવી શકે એવી ધારણાએ સોનું નરમ પડ્યું હતું. મહિનાના પ્રારંભે જ ચીને ૧૭૪ અબજ ડૉલરનાં પગલાં જાહેર કર્યાં હતાં.

વૈશ્વિક બજારમાં સોનાનો એપ્રિલ વાયદો ગઈ કાલે ૦.૧૨ ટકા કે ૧.૯૫ ડૉલર ઘટી ૧૫૮૪.૪૫ ડૉલર પ્રતિ ઔંસ છે, જ્યારે હાજરમાં ભાવ ૨.૪૯ ડૉલર ઘટી ૧૫૮૧.૫૭ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે. ચાંદી માર્ચ વાયદો આંશિક વધી ૧૭.૭૮ ડૉલર અને હાજરમાં ૭ સેન્ટ વધી ૧૭.૮૨ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.

મુંબઈ ખાતે હાજરમાં સોનું ૧૬૫ ઘટી ૪૨,૦૯૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૧૫૫ ઘટી ૪૨,૧૬૫ રૂપિયા પ્રતિ ૧૦ ગ્રામ બંધ રહ્યું હતું. સોનું એપ્રિલ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૦,૮૮૯ ખૂલી, ઉપરમાં ૪૦,૯૨૫ અને નીચામાં ૪૦,૭૨૦ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૨૧૫ ઘટીને ૪૦,૭૬૪ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૭૪ ઘટીને ૮ ગ્રામદીઠ ૩૨,૩૬૫ રૂપિયા અને ગોલ્ડ-પેટલ ફેબ્રુઆરી કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૮ ઘટીને ૧ ગ્રામદીઠ ૪૦૧૯ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની માર્ચ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૭૬ ઘટીને બંધમાં ૪૦,૭૦૩ રૂપિયાના ભાવ રહ્યા હતા.

મુંબઈ ચાંદી ૪૭,૬૦૫ રૂપિયાના ભાવે સ્થિર હતી તો અમદાવાદમાં ભાવ ૧૫ ઘટી ૪૭,૫૭૫ રૂપિયા પ્રતિ કિલોની સપાટી પર હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી માર્ચ કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૪૬,૩૮૦ ખૂલી ઉપરમાં ૪૬,૪૪૦ અને નીચામાં ૪૬,૦૨૧ના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૧૪૧ ઘટીને ૪૬,૦૮૬ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ફેબ્રુઆરી ૧૩૫ ઘટીને ૪૬,૧૧૨ અને ચાંદી-માઇક્રો ફેબ્રુઆરી ૧૩૫ ઘટીને ૪૬,૧૧૮ રૂપિયા બંધ રહ્યા હતા.

રૂપિયો ડૉલર સામે વધ્યો

શૅરબજારમાં સતત ત્રણ દિવસની વેચવાલી, નબળા આર્થિક ડેટા હોવા છતાં ડૉલર સામે રૂપિયો વધીને બંધ આવ્યો હતો. ક્ર‍ૂડ ઑઇલના ભાવ નરમ રહ્યા હોવાથી અને આવી રહેલા પ્રાઇવેટ પ્લેસમેન્ટના પ્રવાહથી રૂપિયાને ટેકો મળ્યો હતો. આજે રૂપિયો ૭૧.૪૫ની સપાટીએ ખૂલી વધીને ૭૧.૨૪ થઇ દિવસના અંતે ૮ પૈસા વધી૭૧.૨૯ બંધ આવ્યો હતો.

business news