ફેડને ઇન્ફ્લેશન સામે લડવા સુપર સ્ટ્રૉન્ગ બનવાની સલાહ આપતી કમેન્ટથી સોનું બે સપ્તાહના તળિયે

18 May, 2023 02:50 PM IST  |  Mumbai | Mayur Mehta

યુનાઇડેટ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડ દ્વારા સોનું આગામી ૧૨ મહિનામાં ૨૨૦૦ ડૉલર થવાની આગાહી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડને ઇન્ફ્લેશન સામે લડવા સુપર સ્ટ્રૉન્ગ બનવાની સલાહ આપતી કમેન્ટને પગલે ડૉલર વધીને દોઢ મહિનાની ઊંચાઈએ પહોંચતાં સોનું ઘટીને ૨૦૦૦ ડૉલરની અંદર બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૨૦ રૂપિયા ઘટ્યું હતું અને ચાંદી પ્રતિ કિલો ૧૨૨ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

ફેડની મીટિંગનો સમયગાળો જેમ-જેમ નજીક આવતો જાય છે એમ ફેડના જુદા-જુદા ઑફિશ્યલ્સ ઇન્ટરેસ્ટ રેટનો વધારો ચાલુ રાખવા માટે દબાણ વધારી રહ્યા છે. અટલાન્ટાના ફેડ પ્રેસિડન્ટ રાફેલ બોસ્ટિકે જણાવ્યું હતું કે ઇન્ફ્લેશનને બે ટકા સુધી લાવવા ફેડને સુપર સ્ટ્રૉન્ગ બનીને ઇન્ટરેસ્ટ રેટ વધારો લાંબો સમય ચાલુ રાખવો જોઈએ. અટલાન્ટા ઉપરાંત બે અન્ય ઑફિશ્યલ્સે પણ ઇન્ટરેસ્ટ રેટ વધારા પર બ્રેક મારવાને પ્રીમૅચ્યોર ગણાવ્યું હતું. આ તમામ કમેન્ટને પગલે સોનું ઘટીને બે સપ્તાહના તળિયે ૧૯૮૩.૮૦ ડૉલર થયા બાદ સાંજે ૧૯૮૫થી ૧૯૮૬ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી અને પૅલેડિયમ ઘટ્યાં હતા, પણ પ્લૅટિનમ વધ્યું હતું. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

અમેરિકાનું રીટેલ સેલ્સ એપ્રિલમાં ૦.૪ ટકા વધ્યું હતું, જે સતત બે મહિના ઘટ્યું હતું. જોકે માર્કેટની ૦.૮ ટકા વધારાની ધારણા કરતાં રીટેલ સેલ્સનો વધારો અડધો રહ્યો હતો. સૌથી વધારે રીટેલ સેલ્સ મિસલેનિયસ સ્ટોરનું વધ્યું હતું. બિલ્ડિંગ મટીરિયલ્સ, ગાર્ડન મટીરિયલ્સ, ફૂડ સર્વિસ અને ડ્રિન્કિંગ પ્લેસનું સેલ્સ વધ્યું હતું, જ્યારે ગૅસોલીન, કલોધિંગ, ઇલેક્ટ્રૉનિક્સ, ફર્નિચર અને બુક્સનું સેલ્સ ઘટ્યું હતું.

યુરો એરિયાનો ઇન્વેસ્ટર મોરલ ઇન્ડેક્સ મે મહિનામાં માઇનસ ૯.૪ પૉઇન્ટ રહ્યો હતો, જે એપ્રિલ મહિનામાં માઇનસ ૬.૪ પૉઇન્ટ રહ્યો હતો. માર્કેટની ધારણા માઇનસ એક પૉઇન્ટની હતી. યુરો એરિયાનો ઇન્વેસ્ટર મોરલ ઇન્ડેક્સ છ મહિનાની નીચી સપાટીએ પહોંચ્યો હતો. યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક આગામી મહિનામાં ઇન્ટરેસ્ટ રેટમાં વધુ વધારો કરશે એવી ધારણાને પગલે ઇન્વેસ્ટર મોરલ ગગડ્યું હતું. 

અમેરિકાની ડેબ્ટ સીલિંગ વધારવાનો પ્રશ્ન હજી લટકી રહ્યો હોવાથી ડૉલર ઇન્ડેક્સ ૧૦૨.૫ના લેવલે સ્ટેડી રહ્યો હતો. અમેરિકાના પ્રેસિડન્ટ બાઇડન અને હાઉસ સ્પીકર વચ્ચે હજી ડેબ્ટ સીલિંગ વધારવા પ્રશ્ને મતભેદ પ્રવર્તી રહ્યા છે એને કારણે ડેબ્ટ સીલિંગ વધારવા પ્રશ્ને કોઈ ઉકેલ આવવાની શક્યતા ઓછી છે. શિકાગો ફેડ પ્રેસિડન્ટ ઑસ્ટિંગ ગુલ્સબીએ ઇન્ટરેસ્ટ રેટ ઘટાડવાની વાતને ઘણી દૂર બતાવતાં ડૉલરને મજબૂતી મળી હતી. કલ્વેલૅન્ડના ફેડ પ્રેસિડન્ટ લોરેટા મેસ્ટરે જણાવ્યું હતું કે ઇન્ફ્લેશન હજી ઊંચું હોવાથી હાલ ઇન્ટરેસ્ટ રેટને હોલ્ડ રાખવાની સ્થિતિ બની નથી. ફેડના બે ઑફિશ્યલ્સની કમેન્ટ જૂનમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનો સંકેત આપનારી હોવાથી ડૉલર મજબૂત બન્યો હતો. 

અમેરિકાનો હોમબિલ્ડર સેન્ટિમેન્ટ ઇન્ડેક્સ મે મહિનામાં પાંચ પૉઇન્ટ વધીને ૫૦ પૉઇન્ટે પહોંચ્યો હતો, જેના વિશે માર્કેટની ધારણા ૪૫ પૉઇન્ટની હતી. હોમબિલ્ડર સેન્ટિમેન્ટ સતત પાંચમા મહિને વધ્યો હતો અને ૧૦ મહિનાની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો. લિમિટેડ હાઉસિંગ સપ્લાય વચ્ચે નવા કન્સ્ટ્રક્શન થયેલા બિલ્ડિંગની ડિમાન્ડ સતત વધી રહી છે. મૅન્યુફૅક્ચરિંગ અને બિઝનેસ ઇન્વેન્ટરી માર્ચમાં ૦.૧ ટકા ઘટી હતી, જેના વિશે માર્કેટની ધારણા ફ્લૅટ રહેવાની હતી. 

અમેરિકાનું મૅન્યુફૅક્ચરિંગ પ્રોડક્શન એપ્રિલમાં એક ટકા વધ્યું હતું, જે માર્કેટની ૦.૧ ટકા વધારાની ધારણા કરતાં ઘણું ઊંચું રહ્યું હતું. ડ્યુરેબલ પ્રોડક્શન એપ્રિલમાં ૧.૪ ટકા અને નૉન-ડ્યુરેબલ પ્રોડક્શન ૦.૬ ટકા વધ્યું હતું. જોકે અન્ય આઇટમોનું પ્રોડક્શન ૦.૧ ટકા ઘટ્યું હતું. અમેરિકાનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન એપ્રિલમાં ૦.૫ ટકા વધ્યું હતું, જેના વિશે માર્કેટની ધારણા ફ્લૅટ રીડિંગની હતી. 

ચીનનાં ટૉપ લેવલનાં ૭૦ સિટીમાં રહેણાક મકાનોના ભાવ એપ્રિલમાં ૦.૨ ટકા ઘટ્યા હતા, જે માર્ચમાં ૦.૮ ટકા ઘટ્યા હતા અને સતત ૧૨મા મહિને રહેણાક મકાનોના ભાવ ઘટ્યા હતા. વળી હાલનાં નવા રહેણાક મકાનોના ભાવ અગિયાર મહિનાની નીચી સપાટીએ પહોંચ્યા છે. ચાઇનીઝ ગવર્નમેન્ટ છેલ્લા એક વર્ષથી રિયલ એસ્ટેટની બેફામ બનેલી તેજીને વ્યવહારુ બનાવવા પ્રયાસ કરી રહી છે, એનાં પરિણામ હવે મળવાનાં શરૂ થયાં છે. 

જપાનનો ૨૦૨૩ના ફર્સ્ટ ક્વૉર્ટરનો ગ્રોથ રેટ ૦.૪ ટકા રહ્યો હતો, જે ૨૦૨૨ના ચોથા ક્વૉર્ટરમાં ઝીરો રહ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૧ ટકા ગ્રોથની હતી. જપાનનો ગ્રોથ રેટ હાલ છેલ્લાં ત્રણ ક્વૉર્ટરનો સૌથી ઊંચો રહ્યો હતો. ફર્સ્ટ ક્વૉર્ટરમાં બિઝનેસ ઇન્વેસ્ટમેન્ટ ૦.૯ ટકા વધ્યું હતું, જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૭ ટકા ઘટ્યું હતું. ગવર્નમેન્ટ સ્પેન્ડિંગ સતત ત્રીજા ક્વૉર્ટરમાં વધ્યું હતું. 

જપાનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન માર્ચમાં ૧.૧ ટકા ઘટ્યું હતું જે ફેબ્રુઆરીમાં ૪.૬ ટકા વધ્યું હતું અને પ્રિલિમિનરી રીડિંગમાં ૦.૮ ટકા વધ્યું હતું. જપાનના ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં સતત બીજે મહિને વધારો જોવા મળ્યો હતો. મોટર વેહિકલ, પ્રોડક્શન મશીનરી અને ઑર્ગેનિક કેમિકલના પ્રોડક્શનમાં નોંધપાત્ર વધારો થયો હતો. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

ફેડના વિવિધ ઑફિશ્યલ્સની કમેન્ટનો સીધો સંકેત એ છે કે ફેડ જૂનમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું પ્લૅટફૉર્મ તૈયાર કરી રહ્યું છે, પણ એક વાત સ્પષ્ટ છે કે સતત દસ વખત ઇન્ટરેસ્ટ રેટ વધાર્યા બાદ હજી કેટલી વખત ઇન્ટરેસ્ટ રેટ વધારી શકશે? કદાચ એક કે બે વખત, ત્યાર બાદ ફેડને ઇન્ટરેસ્ટ રેટના વધારાને બ્રેક લગાડવી પડશે અને છ-આઠ મહિના પછી ઇન્ટરેસ્ટ રેટમાં ઘટાડો પણ કરવો પડશે. આ તમામ બાબતોનો સીધો અને સ્પષ્ટ સંકેત છે કે લૉન્ગ ટર્મ ઇન્વેસ્ટરોએ હાલ દરેક ઘટાડે સોનું ખરીદવું જોઈએ, જે લાંબા ગાળે ૧૦૦ ટકા તગડું રિટર્ન આપશે. યુનાઇટેડ બૅન્ક ઑફ સ્વિટ્ઝરલૅન્ડના ઍનલિસ્ટોએ આગામી ૧૨ મહિનામાં સોનું વધીને ૨૨૦૦ ડૉલર થવાની આગાહી કરી હતી.

columnists commodity market inflation