ફેડના મેમ્બરોની ઇન્ફ્લેશન ઊંચું હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ રાખવાની કમેન્ટથી સોનું ઘટ્યું

17 May, 2023 01:33 PM IST  |  Mumbai | Anil Patel

ફેડ જૂનમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એની શક્યતા ૧૫ ટકાથી વધીને ૨૦ ટકાએ પહોંચી

પ્રતીકાત્મક ફાઇલ તસવીર

ફેડના બે મેમ્બરોએ ઇન્ફ્લેશન ઊંચું હોવાથી ઇન્ટરેસ્ટ રેટ વધારો ચાલુ રાખવાની ભલામણ કરતી કમેન્ટથી સોના-ચાંદીમાં ઘટાડો જોવા મળ્યો હતો. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૧૪૨ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૫૨૫ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 

અમેરિકામાં મિનીઆપોલિસના ફેડ પ્રેસિડન્ટ નીલ કાશકરી અને રિચમોન્ડના ફેડ પ્રેસિડન્ટ થોમસ બારકીને ઇન્ફ્લેશન ઊંચું હોવાથી ફેડે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો ચાલુ રાખવો જોઈએ એવી કમેન્ટ કરતાં જૂનમાં ફેડ ઇન્ટરેસ્ટ રેટ હોલ્ડ રાખશે એની શક્યતા ૮૫થી ઘટીને ૮૦ ટકા થઈ હતી અને ફેડ જૂનમાં ૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એની શક્યતા ૧૫ ટકાથી વધીને ૨૦ ટકા થતાં સોનામાં ઘટાડો જોવા મળ્યો હતો. મંગળવારે સોનું વધીને ૨૦૧૮ ડૉલર થયું હતું જે ઘટીને સાંજે ૨૦૦૯થી ૨૦૧૦ ડૉલરની રેન્જમાં હતું. સોનું ઘટતાં ચાંદી ઘટી હતી, પણ પ્લૅટિનમ અને પૅલેડિયમ ટકેલાં હતાં. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

ચીનના રીટેલ સેલ્સમાં એપ્રિલ માં ૧૮.૪ ટકાનો વધારો થયો હતો જેમાં માર્ચમાં ૧૦.૬ ટકાનો વધારો થયો હતો, પણ માર્કેટની ધારણા ૨૧ ટકાની હતી, માર્કેટની ધારણા કરતાં રીટેલ સેલ્સનો વધારો ઓછો હતો. જોકે રીટેલ સેલ્સમાં સતત ત્રીજે મહિને વધારો જોવા મળ્યો હતો અને રીટેલ સેલ્સનો એપ્રિલ મહિનાનો વધારો છેલ્લા ૨૩ મહિનાનો સૌથી મોટો હતો. ફર્નિચર, ઑઇલ પ્રોડક્ટ, કલોધિંગ, ટબૅકો-આલ્કોહૉલ, ફર્નિચર, કૉસ્મેસ્ટિક, ઑટોમોબાઇલ્સ, ગોલ્ડ-સિલ્વર અને પર્સનલ કૅર આઇટમોનું સેલ્સ વધ્યું હતું, જ્યારે હોમ અપ્લાયન્સિઝ, કમ્યુનિકેશન ઇક્વિપમેન્ટ, ઑફિસ સપ્લાય અને બિલ્ડિંગ મટીરિયલ્સ સેલ્સ ઘટ્યું હતું. 

ચીનનું ફિક્સ્ડ અસેટ ઇન્વેસ્ટમેન્ટ ૨૦૨૩ના પ્રથમ ચાર મહિનામાં ૪.૭ ટકા વધીને ૧૪.૭૫ ટ્રિલ્યન (લાખ કરોડ) યુઆન રહ્યું હતું, જે જાન્યુઆરીથી માર્ચ મહિનામાં ૫.૧ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૫.૫ ટકા વધારાની હતી. ખાસ કરીને મૅન્યુફૅક્ચરિંગ, ઍગ્રિકલ્ચર, ફૉરેસ્ટી, ફિશરી અને યુટિલિટી સેક્ટરમાં ઇન્વેસ્ટમેન્ટ વધ્યું હતું, જ્યારે રિયલ એસ્ટેટમાં ઇન્વેસ્ટમેન્ટ ઘટ્યું હતું. 

ચીનનું ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન એપ્રિલમાં ૫.૬ ટકા વધ્યું હતું જે માર્ચમાં ૩.૯ ટકા વધ્યું હતું અને માર્કેટની ધારણા ૧૦.૯ ટકા વધારાની હતી. માર્કેટની ધારણા કરતાં ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન લગભગ અડધું વધ્યું હતું. જોકે સતત ૧૨મા મહિને ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શનમાં વધારો થયો હતો અને એપ્રિલનો વધારો છેલ્લા આઠ મહિનાનો સૌથી મોટો વધારો હતો. કોરોનાનાં નિયંત્રણો દૂર થયા બાદ ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન સતત વધી રહ્યું છે. 

ચીનમાં અનએમ્પ્લૉઇમેન્ટ ઇન્ડેક્સ એપ્રિલમાં ઘટીને ૧૬ મહિનાની નીચી સપાટીએ ૫.૨ ટકાએ પહોંચ્યો હતો, જે માર્ચ મહિનામાં ૫.૩ ટકા હતો. ખાસ કરીને ૨૫-૫૯ વર્ષના ગ્રુપનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ ઘટીને ૪.૨ ટકાએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૪.૩ ટકા હતો, જ્યારે ૧૬-૨૪ વર્ષના ગ્રુપનો અનએમ્પ્લૉયમેન્ટ રેટ વધીને ૨૦.૪ ટકાએ પહોંચ્યો હતો, જે માર્ચમાં ૧૯.૬ ટકા હતો. ચાઇનીઝ વર્કરોએ એપ્રિલમાં વીકલી ૪૮.૮ કલાક કામ કર્યું હતું, જે માર્ચમાં ૪૮ કલાક કર્યું હતું. ચાઇનીઝ ગવર્નમેન્ટે ૨૦૨૩ માટે અનએમ્પ્લૉયમેન્ટ રેટનો ટાર્ગેટ ૫.૫ ટકા રાખ્યો હતો એના કરતાં અનએમ્પ્લૉયમેન્ટ રેટ નીચો રહ્યો હતો. 

અમેરિકામાં ફૉરેન પ્રાઇવેટ ઇન્વેસ્ટમેન્ટ માર્કેટમાં રેકૉર્ડબ્રેક ૧૩.૨ અબજ ડૉલરનું રહ્યું હતું, જ્યારે ઑફિશ્યલ ઇન્વેસ્ટમેન્ટ ૪૩.૬ અબજ ડૉલર રહ્યું હતું. માર્ચમાં ફૉરેન રેસિડન્ટે લૉન્ગ ટર્મ અમેરિકન સિક્યૉરિટીમાં ઇન્વેસ્ટમેન્ટ વધાર્યું હતું. ફૉરેન ઇન્વેસ્ટમેન્ટ વધતાં અમેરિકાની કૅપિટલ અને ફાઇનૅન્શિયલ અકાઉન્ટ સરપ્લસ વધીને માર્ચમાં ૫૬.૭ અબજ ડૉલરે પહોંચી હતી, જે ફેબ્રુઆરીમાં માત્ર ૧૩.૭ અબજ ડૉલર હતી. 

અમેરિકાની હાઉસહોલ્ડ ડેબ્ટ ૨૦૨૩માં પ્રથમ ક્વૉર્ટરમાં ઑલટાઇમ હાઈ સપાટીએ ૧૪૮ અબજ ડૉલર વધીને ૧૭.૦૪ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી. હાઉસહોલ્ડ ડેબ્ટમાં ૭૦ ટકા મૉર્ગેજ ડેબ્ટ હોય છે, જેમાં ૧૨૧ અબજ ડૉલરનો વધારો થઈ ૧૨.૦૪ ટ્રિલ્યન ડૉલરે પહોંચી હતી, જ્યારે ક્રેડિટ કાર્ડ બૅલૅન્સ વધીને ૯૮૬ અબજ ડૉલરે પહોંચી હતી. 
ભારતની ટ્રેડ ડેફિસિટ એપ્રિલમાં ઘટીને બે વર્ષની નીચી સપાટીએ ૧૫.૨૪ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ પહેલાં ૨૦.૧૧ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ૧૯.૫ અબજ ડૉલર ડેફિસિટની હતી. ગ્લોબલ ડિમાન્ડ ઘટતાં એક્સપોર્ટ અને ઇમ્પોર્ટ બંને ઘટતાં ટ્રેડ ડેફિસિટ ઘટી હતી. ભારતની એક્સપોર્ટ એપ્રિલમાં ૧૨.૭ ટકા ઘટીને ૩૪.૬૬ અબજ ડૉલર રહી હતી, જ્યારે ઇમ્પોર્ટ ૧૪.૧ ટકા ઘટીને ૨૦ મહિનાની નીચી સપાટીએ ૪૯.૯ અબજ ડૉલર રહી હતી. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ 

અમેરિકન ગવર્નમેન્ટ ડિફૉલ્ટ થવાની નજીક પહોંચી ગઈ છે, પણ હજી સુધી અમેરિકાની બે મુખ્ય પાર્ટીઓ સત્તાધારી ડેમોક્રેટિક અને વિરોધી પાર્ટી રિપબ્લિકન વચ્ચે ડેબ્ટ લિમિટ વધારવા વિશે કોઈ સમાધાન થયું નથી અને સમાધાન થાય એવા કોઈ સંકેત નથી. અમેરિકાની ૩૧.૪ ટ્રિલ્યન ડૉલરની ડેબ્ટ સરલિંગ વધારવા માટે હાલ મડાગાંઠ પડી છે. જો ડેબ્ટ સીલિંગ નહીં વધે તો જૂનનાં પ્રથમ બે સપ્તાહમાં ગવર્નમેન્ટ પેમેન્ટ અટકી જશે. અમેરિકન ગવર્નમેન્ટ ડિફૉલ્ટ થવાની ઘટના પ્રથમ વખત બની નથી, આવું વારંવાર થાય છે અને દરેક વખતે એનો રસ્તો નીકળે છે. હાલ શૉર્ટ ટર્મ અમેરિકન સરકાર ડિફૉલ્ટ થવાની અસરે ડૉલર ઘટી શકે છે અને સોનામાં નવો તેજીનો ચમકારો ડિફૉલ્ટ થવાની અસરે જોવા મળી શકે છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ) : ૬૧,૦૬૬
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ) : ૬૦,૦૬૬
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ) : ૭૧,૯૩૦
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news commodity market inflation