અમેરિકા-ચીનના નબળા ટ્રેડ ડેટાને પગલે રિસેશનનો ભય વધતાં સોનામાં જળવાતી મજબૂતી

08 December, 2022 12:34 PM IST  |  Mumbai | Mayur Mehta

ફેડ આગામી સપ્તાહે ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ વધારશે એ શક્યતા ૯૧ ટકાએ પહોંચતાં સોનામાં વેચવાલી ઘટી

પ્રતીકાત્મક તસવીર

અમેરિકા અને ચીનના નબળા ટ્રેડ ડેટાને પગલે વર્લ્ડમાં રિસેશનનો ભય વધ્યો હતો તેમ જ ફેડ આગામી સપ્તાહે ૫૦ બેસિસ પૉઇન્ટ રેટ વધારશે એની શક્યતા ૯૧ ટકાએ પહોંચતાં સોનામાં વેચવાલી ઘટતાં મજબૂતી જળવાયેલી હતી. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૬ રૂપિયા ઘટ્યું હતું, જ્યારે ચાંદી પ્રતિ કિલો ૭૦ રૂપિયા વધી હતી.

વિદેશી પ્રવાહ

ફેડ આગામી સપ્તાહે પૉલિસી મીટિંગમાં ૫૦ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એ શક્યતા વધીને ૯૧ ટકા પહોંચતાં સોનામાં મજબૂતી જળવાયેલી હતી. ફેડ ૫૦ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે એની અસર ઑલરેડી સોનામાં થઈ ચૂકી છે આથી હવે સોનામાં નવી તેજી માટે નવાં કારણોની જરૂર પડશે જે હાલ માર્કેટ પાસે નથી. સોનું વધીને મંગળવારે ૧૭૮૧.૯૦ ડૉલર થયું હતું જે બુધવારે ઘટીને ૧૭૬૯ ડૉલરના લેવલે પહોંચ્યા બાદ ૧૭૭૧થી ૧૭૭૨ ડૉલરની વચ્ચે રહ્યું હતું. સોનું સુધરતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ સુધર્યાં હતાં.

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

રિઝર્વ બૅન્ક ઑફ ઇન્ડિયાએ રેપો રેટ એટલે કે બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટમાં ૩૫ બેસિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટને ૬.૨૫ ટકાએ પહોંચાડ્યા હતા જે માર્ચ ૨૦૧૯ પછીના સૌથી ઊંચા રેટ હતા તેમ જ સતત પાંચમી વખત રિઝર્વ બૅન્કે ઇન્ટરેસ્ટ રેટમાં વધારો કર્યો હતો. સપ્ટેમ્બરમાં યોજાયેલી પૉલિસી મીટિંગમાં રિઝર્વ બૅન્કે ૫૦ બેસિસ પૉઇન્ટનો વધારો કર્યો હતો. ઇન્ફ્લેશન ડેટા ઑક્ટોબરમાં ઘટીને ૬.૭૭ ટકા રહ્યા હતા જે સપ્ટેમ્બરમાં ૭.૪૧ ટકા હતા. ઑક્ટોબરના ઇન્ફ્લેશન ડેટા ત્રણ મહિનાના સૌથી નીચા હતા, પણ રિઝર્વ બૅન્કના બેથી છ ટકાના ઇન્ફ્લેશનના ટાર્ગેટથી વધુ હતા. રિઝર્વ બૅન્ક આ.ફ ઇન્ડિયાએ ઇન્ફ્લેશનનો ટાર્ગેટ ચાલુ ફાઇનૅન્શિયલ વર્ષ માટે ૬.૭ ટકાનો અને ગ્રોથ રેટનું પ્રોજેક્શન ૬.૮ ટકાનું રાખ્યું હતું જે અગાઉ સાત ટકાનું મૂક્યું હતું.

અમેરિકાની એક્સપોર્ટ ઑક્ટોબરમાં ૧.૯ અબજ ડૉલર ઘટીને ૨૫૬.૬ અબજ ડૉલર રહી હતી, જે સતત બીજે મહિને ઘટી હતી. એક્સપોર્ટનો ઘટાડો બતાવી રહ્યો છે કે રિસેશનની અસરે તમામ દેશોની ડિમાન્ડ ઘટી રહી છે. અમેરિકન ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્ટ અને મટીરિયલ્સની એક્સપોર્ટ મોટા પ્રમાણમાં ઘટી હતી. અમેરિકાની ઇમ્પોર્ટ ઑક્ટોબરમાં ૦.૬ ટકા વધીને ૩૩૪.૮ અબજ ડૉલરે પહોંચી હતી, જે માર્ચ મહિનાની ઑલટાઇમ હાઈ સપાટી ૩૫૧.૧ અબજ ડૉલરની નજીક પહોંચી હતી. અમેરિકાની ઇમ્પોર્ટના વધારા સામે એક્સપોર્ટ ઘટતાં ટ્રેડ ડેફિસિટ ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૭૮.૨ અબજ ડૉલરે પહોંચી હતી જે સપ્ટેમ્બરમાં ૭૪.૧ અબજ ડૉલર હતી અને માર્કેટની ધારણા ટ્રેડ ડેફિસિટની ૮૦ અબજ ડૉલરની હતી.

ચીનની એક્સપોર્ટ નવેમ્બરમાં ૮.૭ ટકા ઘટીને ૨૯૬.૧ અબજ ડૉલરે પહોંચી હતી જે ઑક્ટોબરમાં ૦.૩ ટકા ઘટી હતી અને માર્કેટની ધારણા ૩.૫ ટકા ઘટાડાની હતી. ચીનની એક્સપોર્ટ સતત બીજે મહિને ઘટી હતી તેમ જ છેલ્લા અગિયાર મહિનાની સૌથી નીચી સપાટીએ એક્સપોર્ટ પહોંચી હતી. ચાઇનીઝ ગુડ્સની એક્સપોર્ટ અમેરિકા ખાતે છેલ્લા ચાર મહિનાથી સતત ઘટી રહી છે અને નવેમ્બરમાં ૨૫.૪૩ ટકા ઘટી હતી. યુરોપિયન દેશો ખાતે એક્સપોર્ટ ૧૦.૬૨ ટકા ઘટી હતી, પણ રશિયા ખાતે એક્સપોર્ટ ૧૭.૯ ટકા વધી હતી. ચીનની ઇમ્પોર્ટ નવેમ્બરમાં ૧૦.૬ ટકા ઘટીને ૩૦ મહિનાની નીચી સપાટીએ પહોંચી હતી જે ઑક્ટોબરમાં ૦.૭ ટકા ઘટી હતી તેમ જ માર્કેટની ધારણા છ ટકા ઘટાડાની હતી. ચીનની ઇમ્પોર્ટ સતત બીજે મહિને ઘટી હતી. અમેરિકા ખાતે એક્સપોર્ટ ઘટી હતી એ જ રીતે ઇમ્પોર્ટ ૭.૨૮ ટકા ઘટી હતી અને યુરોપિયન દેશો ખાતેથી ઇમ્પોર્ટ ૧૬.૨૫ ટકા ઘટી હતી.

ચીનની એક્સપોર્ટ કરતાં ઇમ્પોર્ટ વધુ ઘટતાં ચીનની ટ્રેડ સરપ્લસ નવેમ્બરમાં ઘટીને સાત મહિનાની નીચી સપાટીએ ૬૯.૮૪ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક વર્ષ અગાઉ ૭૧.૭ અબજ ડૉલર હતી અને માર્કેટની ટ્રેડ સરપ્લસની ધારણા ૭૮.૧ અબજ ડૉલરની હતી.

જપાનની ફૉરેન એક્સચેન્જ રિઝર્વ નવેમ્બરમાં ૨.૬ ટકા વધીને ૧.૨૬૬ ટ્રિલ્યન (લાખ કરોડ) ડૉલરે પહોંચી હતી જે ઑક્ટોબરમાં ૧.૯૫૧ ટ્રિલ્યન ડૉલર હતી. છેલ્લા ચાર મહિનામાં પ્રથમ વખત ફૉરેન એક્સચેન્જ રિઝર્વ વધી હતી. ફૉરેન એક્સચેન્જ રિઝર્વ વધતાં જૅપનીઝ કરન્સી યેન પરનું પ્રેશર હળવું થયું હતું. જપાનના ફૅક્ટરી આઉટપુટ, એમ્પ્લૉયમેન્ટ અને રીટેલ સેલ્સને બતાવતો કો-ઇન્સિડન્ટ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં ઘટીને ત્રણ મહિનાની નીચી સપાટીએ ૯૯.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૧૦૦.૮ પૉઇન્ટે હતો. જપાનની જૉબ ઑફર અને કન્ઝ્યુમર સેન્ટિમેન્ટને બતાવતો લીડિંગ ઇન્ડેક્સ ઑક્ટોબરમાં વધીને ૯૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે સપ્ટેમ્બરમાં ૯૮.૪ પૉઇન્ટ હતો.

ઑસ્ટ્રેલિયાનો ગ્રોથ રેટ ત્રીજા ક્વૉર્ટરમાં ૦.૬ ટકા વધ્યો હતો જે અગાઉના ક્વૉર્ટરમાં ૦.૭ ટકા વધ્યો હતો અને માર્કેટની ધારણા ૦.૯ ટકા વધારાની હતી. ઑસ્ટ્રેલિયાનો ગ્રોથ રેટ સતત ચોથા ક્વૉર્ટરમાં નીચો રહ્યો હતો. ઑસ્ટ્રેલિયાની એક્સપોર્ટ થર્ડ ક્વૉર્ટરમાં ૨.૭ ટકા વધી હતી એની સામે ઇમ્પોર્ટ ૩.૯ ટકા વધી હતી અને ઑસ્ટ્રેલિયાનો વાર્ષિક ગ્રોથ રેટ ૫.૯ ટકા રહ્યો હતો, જેની ધારણા ૬.૨ ટકાની હતી.

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ

વર્લ્ડની બે ટૉપ લેવલની ઇકૉનૉમી અમેરિકા અને ચીનની એક્સપોર્ટ સતત ઘટી રહી છે. અમેરિકાની ટ્રેડ ડેફિસિટ વધી રહી છે અને ચીનની ટ્રેડ સરપ્લસ ઘટી રહી છે. બન્ને દેશોના મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. રિસેશનના સંકેતો મળવાના શરૂ થયા છે, પણ હજી અમેરિકાની જૉબ માર્કેટ અને હાઉસિંગ માર્કેટ સ્ટ્રૉન્ગ હોવાથી ડૉલરનો ઘટાડો મર્યાદિત છે. ડૉલર ઇન્ડેક્સ ૧૧૪.૧૭ના લેવલથી ઘટીને ૧૦૫ના લેવલ સુધી પહોંચ્યો છે અને એની અસરે સોનું ૧૮૦૦ ડૉલરની નજીક પહોંચ્યું હતું. આગામી દિવસોમાં રિસેશનની અસર અને એને કારણે ડૉલરમાં કેટલો ઘટાડો થાય છે? એના પરથી સોનામાં કેટલી તેજી થશે એ નક્કી થશે. ફેડ આગામી સપ્તાહે ૫૦ બેસિસ પૉઇન્ટ વધાર્યા બાદ ૨૦૨૩માં આરંભમાં જો ૨૫-૨૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારશે તો ડૉલર ઘટતો જશે અને સોનામાં તેજીની આગેકૂચ જોવા મળશે. ચીનમાં કોરોનાનાં નિયંત્રણો હળવા થતાં ફિઝિકલ ડિમાન્ડનો વધારો થશે જેનાથી સોનાની તેજીને સપોર્ટ મળશે.

business news