અમેરિકા-ચીનના સહિયારા પ્રયાસથી ક્રૂડ તેલમાં તેજીની પીછેહઠથી સોનું બે સપ્તાહના તળિયે

23 November, 2021 12:44 PM IST  |  mumbai | Mayur Mehta

ચાલુ સપ્તાહે થનારી ફેડના નવા ચૅરપર્સનની જાહેરાત સોના-ચાંદીની બજાર માટે મહત્ત્વની બની રહેશે

પ્રતીકાત્મક તસવીર

સોનાની તેજીનું મુખ્ય ચાલકબળ ગણાતા ઇન્ફ્લેશનને કાબૂમાં રાખવા ક્રૂડ તેલના ભાવ ઘટાડવા અમેરિકા-ચીને સહિયારા પ્રયાસ શરૂ કરતાં અનેક દેશોના ઇન્ફ્લેશન હવે ઘટશે એ ધારણાએ વર્લ્ડ માર્કેટમાં સોનું ઘટીને બે સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૪૦૧ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૫૭ રૂપિયા ઘટી હતી. 
વિદેશી પ્રવાહ

અમેરિકા-ચીને ક્રૂડ તેલના વધી રહેલા ભાવને કાબૂમાં લેવા રિઝર્વ સ્ટૉકમાંથી જથ્થો છુટો કરતાં ક્રૂડ તેલના ભાવ તૂટ્યા હતા એની અસરે આગામી દિવસોમાં અનેક દેશોના ઇન્ફ્લેશનના વધારાને બ્રેક લાગશે એ શક્યતાએ સોનું પણ ઘટીને બે સપ્તાહના તળિયે પહોંચ્યું હતું. વળી અમેરિકી ડૉલર કરન્સી બાસ્કેટમાં સતત મજબૂત બની રહ્યો હોવાથી સોનાની તેજીને બ્રેક લાગી હતી. સોનું ઘટતાં પ્લૅટિનમ અને પેલેડિયમના ભાવ પણ ઘટ્યા હતા. જોકે ચાંદીમાં મજબૂતી આગળ વધી હતી. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર

યુરો એરિયાની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ સપ્ટેમ્બરમાં ઘટીને ૨૬.૯ અબજ યુરોએ પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૩૭.૮ અબજ યુરો હતી. યુએઈ (યુનાઇટેડ આરબ અમિરાત)નું ઇન્ફ્લેશન સપ્ટેમ્બરમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૧.૧૯ ટકાએ પહોંચ્યું હતું જે ઑગસ્ટમાં ૦.૫૫ ટકા હતું. અહીં ઇન્ફ્લેશન સતત બીજે મહિને વધ્યું હતું. યુએઈમાં ફૂડ ઍન્ડ બેવરિજના ભાવ ઑગસ્ટમાં ૧.૧૨ ટકા ઘટ્યા હતા જે સપ્ટેમ્બરમાં ૦.૨૮ ટકા વધ્યા હતા. પીપલ્સ બૅન્ક ઑફ ચાઇનાએ કૉર્પોરેટ અને હાઉસહોલ્ડને અપાતી લોનના ઇન્ટરેસ્ટ રેટ નવેમ્બર મહિનામાં સતત ૧૯મા મહિને સ્થિર રાખ્યા હતા. સ્ટેટ બૅન્ક ઑફ પાકિસ્તાને ઇન્ટરેસ્ટ રેટમાં ૧૫૦ બેઝિસ પૉઇન્ટનો વધારો કરીને બેન્ચમાર્ક ઇન્ટરેસ્ટ રેટ ૮.૭૫ ટકા કર્યા હતા. ચાલુ સપ્તાહે ફેડની મીટિંગની મિનિટ્સ જાહેર થશે જેમાં ટેપરિંગ અંગે વધુ વિગતો જાહેર થશે. આ ઉપરાંત ચાલુ સપ્તાહે અમેરિકા, યુરો એરિયા, જપાન, બ્રિટન સહિત અનેક દેશોના પ્રોવિઝનલ મૅન્યુફૅક્ચરિંગ અને સર્વિસ સેક્ટરના ગ્રોથના ડેટા જાહેર થશે. આ તમામ ડેટા ઇકૉનૉમિક ગ્રોથનું રિયલ પિક્ચર રજૂ કરશે. યુએઈના ઇન્ફ્લેશનમાં વધારો અને પાકિસ્તાન દ્વારા ઇન્ટરેસ્ટ રેટમાં થયેલો વધારો, આ બંને બાબત એશિયન દેશોની ઇકૉનૉમિક કન્ડિશનનું ચિત્ર રજૂ કરે છે જે સોના માટે તેજીસૂચક છે. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ચાલુ સપ્તાહે અમેરિકામાં થૅન્ક્સ ગિવિંગ હોલિડે બાદ ફેડના નવા ચૅરપર્સનનું નામ જાહેર થશે. આ યાદીમાં હાલ બે નામની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે. વિશ્વની સૌથી મોટી આર્થિક મહાસત્તા ધરાવતા અમેરિકાની સેન્ટ્રલ બૅન્કના ચૅરમૅનની જાહેરાત અનેક રીતે મહત્ત્વની છે. ફેડના ચૅરપર્સન તરીકે બે નામમાં હાલના ચૅરમૅન જેરોમ પોવેલનું નામ અને બીજું નામ લે બનાર્ડનું ચાલી રહ્યું છે. ફેડના નવા ચૅરપર્સન તરીકે નામ જાહેર થયા બાદ અમેરિકાની ઇકૉનૉમિક પૉલિસીનું ભાવિ નક્કી થશે. ખાસ કરીને ટેપરિંગની શરૂઆત થયા બાદ ટેપરિંગ કઈ રીતે આગળ વધશે અને ઇન્ટરેસ્ટ રેટમાં કયારે વધારો થશે ? આ બંને મુદ્દા ફેડના નવા ચૅરપર્સનના ફર્સ્ટ એજન્ડા રહેશે. ફેડના હાલના વાઇસ ચૅરમૅન રિચાર્ડ કેલરિડાએ જણાવ્યું હતું કે ફેડની ડિસેમ્બરની મીટિંગમાં ટેપરિંગનું ટાઇમ-ટેબલ મૂકવામાં આવશે. આમ, સોનાની તેજી-મંદીનું ભાવિ નક્કી કરવામાં ફેડની ગતિવિધિ મહત્ત્વનો ભાગ ભજવશે. સોનાની તેજીનું મુખ્ય કારણ ઇન્ફ્લેશનનો સતત વધારો છે અને ઇન્ફ્લેશનના વધારા પાછળ ક્રૂડ તેલની તેજી જવાબદાર છે. ક્રૂડ તેલના વિશ્વના સૌથી મોટા બે વપરાશકાર અમેરિકા અને ચીને સાથે મળીને ક્રૂડ તેલના વધી રહેલા ભાવને કાબૂમાં લેવાનું બીડું ઝડપ્યું છે. અમેરિકા-ચીનના સહિયારા પ્રયાસની જાહેરાત બાદ તરત જ ક્રૂડ તેલના ભાવ છ સપ્તાહની નીચી સપાટીએ પહોંચી ગયા હતા. આગળ જતાં જો ક્રૂડ તેલના ભાવ વધુ ઘટશે તો ઇન્ફ્લેશનનો વધારો અટકશે અને સોનાની તેજીને પણ બ્રેક લાગશે, કારણ કે સોનાની હાલ તેજીનું એક માત્ર કારણ ઇન્ફ્લેશનનો વધારો છે. ડૉલરનું વધી રહેલું મૂલ્ય સોનાની તેજીથી રોકાનારુ હોવાથી હવે સોનાના મીડિયમથી લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ ઘટાડાતરફી બની રહ્યા છે. શૉર્ટ ટર્મ પ્રોસ્પેક્ટ હજી તેજીના હોવાથી ડિસેમ્બર સુધીમાં સોનું ૨૦૦૦ ડૉલરની સપાટીને પાર કરી જવાની શક્યતા પણ કેટલાક ઍનૅલિસ્ટો બતાવી રહ્યા છે. 

business news