વૈશ્વિક બજારમાં સોનું નવ વર્ષની ઊંચી સપાટીએ, ભારતમાં ઐતિહાસિક ઊંચો ભાવ

09 July, 2020 06:47 PM IST  |  Mumbai Desk | Mumbai correspondent

વૈશ્વિક બજારમાં સોનું નવ વર્ષની ઊંચી સપાટીએ, ભારતમાં ઐતિહાસિક ઊંચો ભાવ

સોનાના ભાવમાં વધારો

કોરોના વાઇરસના વધી રહેલા કેસ અને અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા જરૂર પડ્યે હજી પણ નાણાં બજારમાં સ્ટિમ્યુલસ તરીકે ઠાલવવામાં આવશે એવો સંકેત આપતાં તેજીનો નવો દોર જોવા મળી રહ્યો છે. મંગળવારે કોમેક્સ ખાતે સોનું વાયદો નવ વર્ષની ઊંચી સપાટીએ પહોંચ્યો હતો અને ચાંદીના ભાવમાં પાંચ સપ્તાહની ઊંચી સપાટી હતી. વૈશ્વિક બજારમાં ઊંચા ભાવ અને નબળા રૂપિયાથી ભારતમાં સોનું વધુ એક વખત નવી ઐતિહાસિક સપાટીએ બંધ રહ્યું હતું. છેલ્લા થોડા દિવસોમાં બજારમાં શૅરબજારના જોખમનું આકર્ષણ હતું અને ડરના માહોલમાં રોકાણનું રક્ષણ ગણાતા ડૉલરમાં ઘટાડો જોવા મળી રહ્યો હતો. મંગળવારે ડૉલર પણ વધ્યો હતો, જેનાથી ફરી લોકો સેફ હેવન તરફ વળી રહ્યા હોવાના સંકેત મળ્યા હતા.
મંગળવારે વૈશ્વિક બજારમાં સોનાના વાયદા સપ્ટેમ્બર ૨૦૧૧ પછીની સૌથી ઊંચી સપાટીએ બંધ રહ્યા બાદ ગઈ કાલે એમાં તેજી આગળ વધી હતી. કોમેક્સ ખાતે ઑગસ્ટ વાયદો મંગળવારે ૦.૯૧ ટકા વધી ૧૮૦૯.૯૦ ડૉલર પ્રતિ ઔંસ બંધ આવ્યો હતો. ચાંદીનો વાયદો પણ ૦.૬૩ ટકા વધી ૧૮.૬૯૯ ડૉલર પ્રતિ ઔંસ બંધ રહ્યા હતા.  બુધવારે સોનું વાયદો ૦.૩૪ ટકા કે ૬.૧૦ ડૉલર વધી ૧૮૧૬ અને હાજરમાં ૦.૬૭ ટકા કે ૧૨.૦૬ ડૉલર વધી ૧૮૦૬.૯૨ ડૉલર પ્રતિ ઔંસ રહ્યો હતો. ચાંદી વાયદો ૦.૫૭ ટકા કે ૧૧ સેન્ટ વધી ૧૮.૮૧ અને હાજરમાં ૧.૩૦ ટકા કે ૨૪ સેન્ટ વધી ૧૮.૫૧ ડૉલર પ્રતિ ઔંસની સપાટી પર છે.
ફેડના નિવેદન બાદ સોનું ઊછળ્યું
મંગળવારે ફેડરલ રિઝર્વના વાઇસ-ચૅરમૅન રીચાર્ડ ક્લારિડાએ જણાવ્યું હતું કે ‘ફેડરલ રિઝર્વ જરૂર પડ્યે કોઈ પણ પગલું લેવા તૈયાર છે. માર્ચ મહિનામાં કોરોનાની સાથે ફેડરલ રિઝર્વે એક પછી એક વ્યાજદર ઘટાડ્યા હતા અને એની સાથે બજારમાં જંગી નાણાપ્રવાહ પણ ઠાલવ્યો હતો. નાણાપ્રવાહ વધી જતાં સોનાના ભાવમાં આકર્ષણ વધે છે ત્યારે નાણાપ્રવાહની દૃષ્ટિએ ઘણાં પગલાં લેવાયાં છે. અમે ઘણું કરી શકીએ એમ છીએ. જરૂર પડ્યે અમે ઘણાં પગલાં લેવાનાં છીએ, એમ તેમણે જણાવ્યું હતું. બજારમાં વધારે નાણાપ્રવાહિતા આવશે એવી ધારણાએ સોનાના ભાવમાં તેજીને ટેકો મળ્યો હતો.
સોનું નવી વિક્રમી સપાટીએ
વૈશ્વિક બજારમાં સોનાના ભાવ રોકાણના સ્વર્ગની માગ, કોરોનાના વધી રહેલા કેસની ચિંતામાં વધી રહ્યા છે એના ટેકે ભારતમાં ભાવ ગઈ કાલે નવી ઐતિહાસિક ઊંચી સપાટીએ બંધ રહ્યા હતા. ભારતમાં ડૉલર સામે રૂપિયો નબળો પડતાં ભાવમાં વધારે તીવ્ર વૃદ્ધિ જોવા મળી રહી છે. ગઈ કાલે ભાવ ૧ જુલાઈની ૫૦,૬૬૦ રૂપિયાની વિક્રમી સપાટી પાર કરી બંધ રહ્યા હતા. હાજર બજારમાં મુંબઈ ખાતે સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૭૫૫ વધી ૫૦,૮૩૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૭૪૫ વધી ૫૦,૭૯૫ રૂપિયાની સપાટીએ બંધ રહ્યું હતું.
એમસીએક્સ સોનું ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૪૮૭૦૪ ખૂલી, ઉપરમાં ૪૯૦૪૫ અને નીચામાં ૪૮૬૪૨ રૂપિયાના મથાળે અથડાઈ પ્રથમ સત્રના અંતે ૧૭૨ વધીને ૪૮૯૭૨ રૂપિયા બંધ રહ્યો હતો. ગોલ્ડ-ગિની જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૭૭ વધીને ૮ ગ્રામદીઠ ૩૯૩૩૧ રૂપિયા અને ગોલ્ડ-પેટલ જુલાઈ કોન્ટ્રેક્ટ પ્રથમ સત્રના અંતે ૯ વધીને ૧ ગ્રામદીઠ ૪૮૯૧ રૂપિયા થયા હતા, જ્યારે સોનું-મિની ઑગસ્ટ વાયદો ૧૦ ગ્રામદીઠ ૧૪૨ વધીને બંધમાં ૪૮૯૩૮ રૂપિયાના ભાવ રહ્યા હતા.
ચાંદીમાં મુંબઈ હાજર ૮૮૦ વધી ૫૧,૩૮૦ રૂપિયા અને અમદાવાદ ખાતે ૯૦૦ વધી   ૫૧,૩૫૦ રૂપિયા પ્રતિ કિલોનો ભાવ હતો. ચાંદીના વાયદાઓમાં ચાંદી સપ્ટેમ્બર કોન્ટ્રેક્ટ કિલોદીઠ ૫૦૧૭૭ ખૂલી, ઉપરમાં ૫૦૭૭૨ અને નીચામાં ૫૦૦૦૫ રૂપિયાના સ્તરને સ્પર્શી પ્રથમ સત્રના અંતે ૩૬૭ વધીને ૫૦૫૬૯ રૂપિયા બંધ રહ્યો હતો. ચાંદી-મિની ઑગસ્ટ ૩૩૮ વધીને ૫૦૬૫૬ રૂપિયા અને ચાંદી-માઇક્રો ઑગસ્ટ ૩૩૮ વધીને ૫૦૬૪૭ રૂપિયા બંધ રહ્યા હતા.
વૈશ્વિક બજારમાં ડૉલરની મજબૂતીથી રૂપિયો પણ ગબડ્યો
મંગળવારે અમેરિકન બજારમાં ટ્રેડિંગ ચાલુ હતું ત્યારે કોરોના વાઇરસના વધી રહેલા કેસની ચિંતાએ શૅરબજારમાં ઘટાડો હતો અને રોકડનું માપદંડ ગણાતા ડૉલરમાં વૃદ્ધિ જોવા મળી હતી. એશિયા અને યુરોપનાં શૅરબજારમાં પણ ઘટાડો જોવા મળી રહ્યો હતો, જે સંકેત આપી રહ્યા છે કે છેલ્લા થોડા દિવસની વૃદ્ધિ બાદ, જોખમની અવગણના કરી રોકાણ બાદ ફરી ડૉલર તરફ ધીમી ચાલ જોવા મળી શકે છે. ગઈ કાલે ભારતીય શૅરબજાર અને રૂપિયો પણ ઘટીને બંધ આવ્યાં હતાં.
જિયો પ્લૅટફૉર્મના ડૉલરનો પ્રવાહ રિલાયન્સને મળી ગયો છે, એનાથી બજારને ટેકો મળ્યો હતો, પણ ફૉરેક્સ માર્કેટમાં ટ્રેડિંગ ચાલુ હતું ત્યારે ઊંચા ક્રૂડ ઑઇલના ભાવની પણ અસર જોવા મળી હતી. મંગળવારે ડૉલર સામે ૭૪.૯૩ બંધ આવેલો રૂપિયો ગઈ કાલે ૭૪.૮૮ની સપાટીએ ખુલ્યો હતો, પણ પછી સતત ઘટી ૭૫.૦૫ની નીચી સપાટીએ અથડાઈ આગલા દિવસ કરતાં ૯ પૈસા ઘટી ૭૫.૦૨ બંધ આવ્યો હતો.

business news