ફેડ પર જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધવાનું દબાણ વધતાં સોનું ૭ સપ્તાહના તળિયે

02 July, 2022 12:48 PM IST  |  Mumbai | Mayur Mehta

ભારતે સોનાની આયાત-ડ્યુટી પાંચ ટકા વધારતાં ગોલ્ડની ફિઝિકલ ડિમાન્ડ ઘટવાની ધારણા

પ્રતીકાત્મક તસવીર

અમેરિકાનો પર્સનલ કમ્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ વધતાં ફેડ પર જુલાઈમાં પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ વધતાં ડૉલરની વધુ મજબૂતીની શક્યતાએ સોનું ઘટીને ૭ સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૯૨૮ રૂપિયા વધ્યું હતું અને ચાંદી પ્રતિ એક કિલો ૧૦૩૦ રૂપિયા ઘટી હતી. 

વિદેશી પ્રવાહ 
અમેરિકાનું ઇન્ફ્લેશન હજી કાબૂમાં આવે એવા કોઈ સંકેત ન મળતાં ફેડના મેમ્બર્સ દ્વારા જુલાઈમાં પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધશે એવી કમેન્ટ આવી રહી હોવાથી તેમ જ ભારતે સોનાની આયાત ડ્યુટી વધારતાં ફિઝિકલ ડિમાન્ડ ઘટવાની શક્યતાએ સોનું વર્લ્ડ માર્કેટમાં ઘટીને સાત સપ્તાહની નીચી સપાટીએ પહોંચ્યું હતું. સોનાએ ૧૮૦૦ ડૉલરની મનોવૈજ્ઞાનિક સપાટી તોડી હોવાથી મંદીનો ગભરાટ વધ્યો હતો. વળી એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં સોનું ૬.૩ ટકા ઘટ્યું હતું અને શુક્રવાર સુધી ચાલુ સપ્તાહે ૧.૨ ટકા ઘટતાં સતત ત્રીજો સાપ્તાહિક ઘટાડો સોનામાં જોવા મળશે. વળી અમેરિકી ડૉલર એપ્રિલ-જૂન ક્વૉર્ટરમાં ૬ ટકા વધ્યો હતો. સોનું ઘટતાં ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમના ભાવ પણ ઘટ્યા હતા. 

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાનો પર્સનલ કન્ઝમ્પ્શન એક્સપેન્ડિચર પ્રાઇસ ઇન્ડેક્સ મે મહિનામાં ૦.૬ ટકા વધ્યો હતો અને એપ્રિલમાં ૦.૨ ટકા વધ્યો હતો, જોકે ઍન્યુઅલ રેટ ૬.૩ ટકાએ સ્થિર રહ્યો હતો. અમેરિકામાં મે મહિનામાં એનર્જી આઇટમના ભાવ મે મહિનામાં ૩૫.૮ ટકા વધ્યા હતા, જે એપ્રિલમાં ૩૦.૪ ટકા વધ્યા હતા, જ્યારે ફૂડ પ્રાઇસ મે મહિનામાં ૧૧ ટકા વધી હતી, જે એપ્રિલમાં ૧૦ ટકા વધી હતી, એનર્જી અને ફૂડ સિવાયની ચીજવસ્તુઓના ભાવ મે મહિનામાં ઘટ્યા હતા. અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૫ જૂને પૂરા થયેલા સપ્તાહના અંતે ૨૦૦૦ ઘટીને ૨.૩૧ લાખે પહોંચી હતી, જે ૨.૨૮ લાખની ધારણા કરતાં વધુ હતી. અમેરિકાનો પર્સનલ સ્પેન્ડિંગ ઇન્ડેક્સ મે મહિનામાં ૦.૨ ટકા ઘટીને એક વર્ષની નીચી સપાટીએ પહોંચ્યો હતો, જે એપ્રિલમાં ૦.૬ ટકા વધ્યો હતો. અમેરિકામાં પર્સનલ ઇન્કમ ઇન્ડેક્સ મે મહિનામાં ૦.૫ ટકા વધ્યો હતો, જે માર્કેટની ધારણા પ્રમાણે હતો. ચીનનો પ્રાઇવેટ એજન્સી કેઝિનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ જૂનમાં વધીને ૧૩ મહિનાની ઊંચાઈએ ૫૧.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૪૮.૧ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૦.૧ પૉઇન્ટ હતી. ચીનની ગવર્નમેન્ટનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ ઇન્ડેક્સ પણ વધ્યો હતો. ભારતનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જૂનમાં ઘટીને ૯ મહિનાની નીચી સપાટીએ ૫૩.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે મે મહિનામાં ૫૪.૬ પૉઇન્ટ હતો અને માર્કેટની ધારણા ૫૪.૫ પૉઇન્ટની હતી. ભારતનો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ગ્રોથ મે મહિનામાં ૧૮.૧ ટકા વધીને એક વર્ષની ઊંચાઈએ પહોંચ્યો હતો. જપાનનો મૅન્યુફૅક્ચરિંગ ગ્રોથ જૂનમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૫૨.૭ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૫૩.૩ પૉઇન્ટ હતો. જપાનનું બિઝનેસ સેન્ટિમેન્ટ બીજા ક્વૉર્ટરમાં ઘટીને એક વર્ષની નીચી સપાટીએ ૯ પૉઇન્ટે પહોંચ્યું હતું જે અગાઉના ક્વૉર્ટરમાં ૧૪ પૉઇન્ટ
હતું અને માર્કેટની ધારણા ૧૩ પૉઇન્ટની હતી. અમેરિકાનો પર્સનલ કમ્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ઇન્ડેક્સ વધતાં ફેડ જુલાઈમાં ૭૫ બેસિસ પૉઇન્ટ વધારશે એવા અનુમાનને પગલે સોનું ઘટ્યું હતું. 

શૉર્ટ ટર્મ - લૉન્ગ ટર્મ
ફેડના તમામ મેમ્બર્સ દ્વારા હવે જુલાઈમાં પણ ૭૫ બેસિસ પૉઇન્ટ ઇન્ટરેસ્ટ રેટ વધારવાનું દબાણ થઈ રહ્યું છે. અમેરિકાનો પર્સનલ કમ્ઝમ્પ્શન એક્સપેન્ડિચર ઇન્ડેક્સ અને પર્સનલ સ્પેન્ડિંગ ઇન્ડેક્સ ઘટતાં ફેડ પર ઇન્ફ્લેશનના વધારાને રોકવાનું દબાણ વધ્યું છે. ક્રૂડ તેલ અને નૅચરલ ગૅસના ભાવ છેલ્લાં ત્રણ સપ્તાહથી ઘટી રહ્યા હોવાથી જૂન મહિનાનું ઇન્ફ્લેશન ઘટવાની ધારણા છે. અમેરિકાના જૂન મહિનાના ઇન્ફ્લેશનના ડેટા ૧૩ જુલાઈએ જાહેર થશે અને ફેડની મીટિંગ ૨૬-૨૭ જુલાઈએ હોવાથી જૂન મહિનાના ઇન્ફ્લેશનના ડેટાના આધારે ફેડ ઇન્ટરેસ્ટ રેટ વિશે નિર્ણય લેશે. ફેડની મીટિંગ અગાઉ ઈસીબી (યુરોપિયન સેન્ટ્રલ બૅન્ક)ની પૉલિસી મીટિંગ ૨૧ જુલાઈએ યોજાશે, પણ એ પહેલાં ૬ જુલાઈએ નૉન-મૉનેટરી પૉલિસી મીટિંગ યોજાશે જેમાં ઇન્ટરેસ્ટ રેટ અને પૉલિસી વિશે સિગ્નલ મળશે. ભારતે સોનાની આયાત ડ્યુટી વધારી હોવાથી સોનાની ફિઝિકલ માગ આગામી મહિનામાં ઘટવાની ધારણા છે એની પણ સોનાના ભાવ પર અસર પડશે. ઓવરઑલ સોનામાં શૉર્ટ ટર્મ અને મીડિયમ ટર્મ પ્રોસ્પેક્ટ વધુ મંદીતરફી બની રહ્યાં છે, જ્યારે લૉન્ગ ટર્મ પ્રોસ્પેક્ટ હજી પણ તેજીકારક છે.

ભારતમાં સોનાની બેઝિક આયાત ડ્યુટી પાંચ ટકા વધતાં લોકલ ભાવ વધશે, ડિમાન્ડ ઘટશે

નરેન્દ્ર મોદી સરકારે રૂપિયાના સતત આગળ વધતા ઘટાડાને રોકવા સોનાની બેઝિક આયાત ડ્યુટીમાં પાંચ ટકાનો વધારો કર્યો હતો. સોનાની બેઝિક આયાત ડ્યુટી ૭.૫ ટકાથી વધારીને ૧૨.૫૦ ટકા કરતાં ઇફેક્ટિવ ડ્યુટી ૧૦.૭૫ ટકાથી વધીને ૧૫ ટકા થઈ હતી. ત્રણ ટકા જીએસટી (ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ) ઉમેરતાં સોના પર હવે આયાત ડ્યુટી ૧૮ ટકા લાગશે. સોનાની આયાત ડ્યુટીના વધારાને કારણે પ્રતિ ૧૦ ગ્રામ અગાઉ ડ્યુટી ૪૯૬૦ રૂપિયા ભરવી પડતી હતી જે હવે વધીને ૭૨૦૦ રૂપિયા ભરવી પડશે. સોનાની આયાત ડ્યુટી વધતાં મુંબઈમાં શુક્રવારે સોનાના ભાવમાં પ્રતિ ૧૦ ગ્રામ ૯૨૮ રૂપિયા વધ્યા હતા. બુલિયન નિષ્ણાતોના મતે મે મહિનામાં ભારતની સોનાની આયાત વધીને ૧૦૭ ટન થતાં દેશની ટ્રેડ ડેફિસિટ વધતાં ફૉરેક્સ રિઝર્વ ઝડપથી ઘટવાનો ડર ઊભો થયો હતો, જેને કારણે સરકારને સોનાની ડ્યુટી વધારવાની ફરજ પડી હતી. જોકે ચાંદી અને પ્લૅટિનમની આયાત ડ્યુટીમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. આગામી સમયમાં સોનાના ભાવમાં વધુ વધારો થઈ શકે છે એની અસરે સોનાની ડિમાન્ડ ઘટવાની ધારણા છે. ભારતે આયાત ડ્યુટી વધારતાં સૌથી મોટી અસરરૂપે સોનાનું લંડન સોનાના ભાવનું ડિસ્કાઉન્ટ મોટા પાયે વધશે. હાલમાં ભારતમાં સોનાનું ડિસ્કાઉન્ટ પ્રતિ ઔંસ ૮ ડૉલર ચાલે છે જે વધીને ૪૦ ડૉલર થશે એની સામે ચીનમાં સોનું પ્રતિ ઔંસ ચારથી સાત ડૉલર પ્રીમિયમે વેચાય છે. 

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૧,૭૯૧
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૫૮૪
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૫૭,૭૭૩
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news