ચીનના બૅલેસ્ટિક મિસાઇલ પરીક્ષણથી અમેરિકા સાથે તનાવ વધતાં સોનું એક મહિનાની ટોચે

06 August, 2022 02:07 PM IST  |  Mumbai | Mayur Mehta

વર્લ્ડ લેવલે ઇન્ફ્લેશન ઘટવાના સંકેતથી ઇન્ટરેસ્ટ રેટનો વધારો ધીમો પડતાં સોનું શૉર્ટ ટર્મ વધુ ઊછળશે

પ્રતીકાત્મક તસવીર

ચીને કરેલાં ૧૧ બૅલેસ્ટિક મિસાઇલ પરીક્ષણ દરમ્યાન પાંચ મિસાઇલ જપાનમાં પડતાં જિયોપૉલિટિક તનાવ વધતાં સોનું એક મહિનાની ઊંચાઈએ પહોંચ્યું હતું. મુંબઈ જ્વેલરી માર્કેટમાં સોનું પ્રતિ ૧૦ ગ્રામ ૨૦ રૂપિયા અને ચાંદી પ્રતિ કિલો ૬૯૫ રૂપિયા ઘટી હતી.

વિદેશી પ્રવાહ 
ચીને તાઇવાનમાં મિલિટરી એક્સરસાઇઝના ભાગરૂપે ૧૧ બૅલેસ્ટિક મિસાઇલનું પરીક્ષણ કર્યું હતું, જેમાંથી પાંચ બૅલેસ્ટિક મિસાઇલ જપાનના એક્સકલુઝિવ ઇકૉનૉમિક ઝોનમાં પડ્યાં હતાં. જપાનની ફૉરેન મિનિસ્ટ્રીએ આ બાબતનો ગંભીર વિરોધ નોંધાવ્યો હતો અને અમેરિકન હાઉસ સ્પીકર નૅન્સી પેલોસી તાઇવાનથી સીધાં જપાનની મુલાકાતે પહોંચતાં અમેરિકા અને ચીન વચ્ચે ટેન્શન વધ્યું હતું. ચીનની ફૉરેન મિનિસ્ટ્રીએ મિલિટરી લીડર્સ સાથે વાતચીત બંધ કરી હોવાની જાહેરાત કરી હતી અને અમેરિકા સાથે અનેક પ્રકારની મંત્રણા પડતી મૂકવાની જાહેરાત કરાઈ હતી, જેમાં કલાઇમેટ ચેન્જ, મેરીટાઇમ મિલિટરી મેકૅનિઝમ અને ક્રાઇમ ફાઇટ કો-ઑપરેશનની મંત્રણાનો સમાવેશ થાય છે. ચીનના બૅલેસ્ટિક મિસાઇલ પરીક્ષણથી બંને દેશો વચ્ચે તનાવ વધતાં સોનું વધીને એક મહિના ઊંચાઈએ ૧૭૯૩.૯૦ ડૉલરે પહોંચ્યું હતું. જોકે ઊંચા મથાળે પ્રૉફિટ-બુકિંગને કારણે પાછળથી સોનું ઘટ્યું હતું. સોનાની સાથે ચાંદી, પ્લૅટિનમ અને પૅલેડિયમ પણ વધ્યા હતા..

ઇકૉનૉમિક ઇન્ડિકેટર
અમેરિકાની એક્સપોર્ટ જૂનમાં ૧.૭ ટકા વધીને રેકૉર્ડબ્રેક ઊંચી સપાટીએ ૨૬૦.૮ અબજ ડૉલરે પહોંચી હતી, જે એક્સપોર્ટ ડેટાની સિરીઝ ૧૯૫૦થી શરૂ થઈ ત્યાર બાદની સૌથી હાઇએસ્ટ હતી. અમેરિકન ગોલ્ડ અને નૅચરલ ગૅસની એક્સપોર્ટ સૌથી હાઇએસ્ટ વધી હતી. રશિયાએ યુરોપિયન દેશોને નૅચરલ ગૅસની સપ્લાય બંધ કરતાં અમેરિકન નૅચરલ ગૅસની એક્સપોર્ટમાં મોટો ઉછાળો નોંધાયો હતો. અમેરિકન ફૂડ, બ્રેવરીઝ અને સર્વિસિઝ એક્સપોર્ટ પણ વધી હતી. જોકે સિવિલયન ઍરક્રાફ્ટની એક્સપોર્ટ ઘટી હતી. અમેરિકાની ઇમ્પોર્ટ જૂનમાં ૦.૩ ટકા ઘટી હતી, જેમાં ખાસ કરીને ઑટોમોટિવ વેહિકલ, પાર્ટ્સ અને એન્જિનની ઇમ્પોર્ટમાં મોટો ઘટાડો નોંધાયો હતો. અમેરિકાની એક્સપોર્ટ રેકૉર્ડબ્રેક સપાટીએ પહોંચતાં ટ્રેડ ડેફિસિટ જૂનમાં ૫.૩ અબજ ડૉલર ઘટીને છ મહિનાની નીચી સપાટીએ ૭૯.૬ અબજ ડૉલર રહી હતી, જે માર્કેટની ૮૦.૧ અબજ ડૉલરની ધારણા કરતાં પણ નીચી રહી હતી.

અમેરિકામાં બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા તા. ૩૦મી જુલાઈએ પૂરા થયેલા સપ્તાહના અંતે ૬૦૦૦ વધીને ૨.૬૦ લાખે પહોંચી હતી. બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા એક વર્ષમાં ૩૭.૨ ટકા ઘટી હતી. અગાઉના સપ્તાહે પણ બેરોજગારી ભથ્થું લેનારાઓની સંખ્યા ૨૦૦૦ વધી હતી. અમેરિકન કંપનીઓએ જુલાઈમાં ૨૫,૮૧૦ વર્કર્સને નોકરીમાંથી કાઢી મૂક્યા હતા, જેને કારણે જૉબકટ ઇન્ડેક્સમાં ૩૬.૩ ટકાનો વધારો નોંધાયો હતો. એક વર્ષ અગાઉ જુલાઈ મહિનામાં ૧૮,૯૪૨ વર્કર્સે નોકરી ગુમાવી હતી. જૂનમાં ૩૨,૫૧૭ વર્કર્સને નોકરીમાંથી કાઢી મુકાયા હતા, જે છેલ્લાં ૧૬ વર્ષની સૌથી ઊંચી સપાટી હતી. ટેક્નૉલૉજી અને ફાઇનૅન્શિયલ સેક્ટરમાંથી સૌથી વધુ વર્કર્સ નોકરીઓ ગુમાવી રહ્યા છે.

ચીનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ સેકન્ડ કવૉર્ટરના અંતે વધીને ૮૦.૨ અબજ ડૉલરે પહોંચી હતી જે એક વર્ષ અગાઉ ૪૫.૫ અબજ ડૉલર હતી, જ્યારે ચીનની કરન્ટ અકાઉન્ટ સરપ્લસ જાન્યુઆરીથી જૂનની વધીને ૧૬૯.૧ અબજ ડૉલરે પહોંચી હતી, જે અત્યાર સુધીની સૌથી વધુ હતી. કરન્ટ અકાઉન્ટ સરપ્લસના ડેટા બુલિશ આવતાં ચાઇનીઝ સ્ટૉક માર્કેટમાં સતત બીજે દિવસે તેજી જોવા મળી હતી અને બંને સ્ટૉક ઇન્ડેક્સ ૧.૧૯ ટકાથી ૧.૬૯ ટકા વધ્યા હતા.

સમગ્ર વિશ્વમાં જપાન એક જ એવો દેશ છે કે જેની સેન્ટ્રલ બૅન્કે નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસી જાળવી રાખી છે. અન્ય તમામ દેશોની સેન્ટ્રલ બૅન્કોએ ઇન્ટરેસ્ટ રેટમાં શ્રેણીબદ્ધ ઇન્ટરેસ્ટ રેટવધારો કર્યો છે. જપાનને જાળવી રાખેલી નેગેટિવ ઇન્ટરેસ્ટ રેટ પૉલિસીને કારણે ઇકૉનૉમિક ઍક્ટિવિટી સતત સુધારાને પંથે છે. જપાનના રીટેલ સેલ્સ, ઇન્ડસ્ટ્રિયલ પ્રોડક્શન અને એમ્પ્લૉઇમેન્ટની ઍક્ટિવિટીને બતાવતો કોઇન્સિડન્ટ ઇન્ડેક્સ જૂનમાં વધીને ત્રણ વર્ષની ઊંચાઈએ ૯૯ પૉઇન્ટે પહોંચ્યો હતો જે મે મહિનામાં ૯૪.૯ પૉઇન્ટ હતો. જોકે જપાનના કન્ઝ્યુમર્સ સેન્ટિમેન્ટ અને જૉબઑફર ઍક્ટિવિટીને બતાવતો લીડિંગ ઇકૉનૉમિક ઇન્ડેક્સ જૂનમાં ઘટીને ચાર મહિનાની નીચી સપાટીએ ૧૧૦.૬ પૉઇન્ટે પહોંચ્યો હતો, જે મે મહિનામાં ૧૦૧.૨ પૉઇન્ટ હતો. જપાનમાં પર્સનલ સ્પેન્ડિંગ જૂનમાં ૩.૫ ટકા વધ્યું હતું જે મે મહિનામાં ૦.૫ ટકા ઘટ્યું હતું અને માર્કેટની ધારણા ૧.૫ ટકા વધારાની હતી. જપાનના કર્મચારીઓને મળતું વેતન જૂનમાં ૨.૨ ટકા વધીને ચાર વર્ષની ઊંચાઈએ પહોંચ્યું હતું અને સતત છઠ્ઠે મહિને વધ્યું હતુ્ં. જપાનની ફૉરેન રિઝર્વ જુલાઈમાં વધીને ૧૩૨.૩૦ કરોડ ડૉલરે પહોંચી હતી, જે જૂનને અંતે ૧૩૧.૧૨ કરોડ ડૉલર હતી.

શૉર્ટ ટર્મ – લૉન્ગ ટર્મ
વિશ્વની તમામ ઍગ્રિકલ્ચર પ્રોડક્ટના ભાવની વધ-ઘટનો દર મહિને રિપોર્ટ આપતી એફ.એ.ઓ. (ફૂડ ઍન્ડ ઍગ્રિકલ્ચર ઑર્ગેનાઇઝેશન)ના રિપોર્ટ અનુસાર જુલાઈ મહિનામાં ફૂડ પ્રાઇસ ઇન્ડેક્સ ૮.૬ ટકા ઘટીને ૧૪૦.૯ પૉઇન્ટે પહોંચ્યો હતો. ઘઉં સહિતનાં તમામ અનાજ, ખાદ્ય તેલો, શાકભાજી અને ખાંડના ભાવમાં જુલાઈમાં મહત્તમ ઘટાડો નોંધાયો હતો. ક્રૂડતેલના ભાવ છેલ્લા એક સપ્તાહમાં ૧૦ ડૉલર ઘટીને ૮૯ ડૉલરે પહોંચ્યા છે. ક્રૂડતેલના ભાવ સતત ગગડી રહ્યા છે. નૅચરલ ગૅસના ભાવ સતત વધી રહ્યા હતા તે પણ ગુરુવારે ઘટ્યા હતા. આમ, ઇન્ફલેશન ઝડપથી ઘટી રહ્યું છે. વર્લ્ડની તમામ સેન્ટ્રલ બૅન્કો ઇન્ફલેશનને કાબૂમાં લેવા માટે ઇન્ટરેસ્ટ રેટમાં સતત વધારો કરી રહી છે, જેમાં હવે બ્રેક લાગશે એવા સ્પષ્ટ સંકેતો મળી રહ્યા છે. ઇન્ટરેસ્ટ રેટમાં વધારાને બ્રેક લગાવવાની આગેવાની ફેડ લેશે, જેને કારણે સપ્ટેમ્બરમાં ઇન્ટરેસ્ટ રેટનો વધારો ઘણો ઓછો હશે તે સોનાની તેજીને આગળ વધારશે. અમેરિકા, જપાન અને ઑસ્ટ્રેલિયાના સ્ટ્રૉન્ગ ઇકૉનૉમિક ડેટાને ધ્યાનમાં લઈએ તો લૉન્ગ ટર્મ હવે રિસેશનનો ભય ઓછો થઈ રહ્યો હોવાથી સોનું વધીને ૨૦૦૦થી ૨૧૦૦ ડૉલર થશે એ શક્યતા પણ હવે ઘટી રહી છે.

ભાવ તાલ

સોનું (૯૯.૯ ટચ, દસ ગ્રામ): ૫૨,૦૧૯
સોનું (૯૯.૫ ટચ, દસ ગ્રામ): ૫૧,૮૧૧
ચાંદી (.૯૯૯ ટચ, કિલોદીઠ): ૫૭,૩૬૨
(સોર્સઃઇન્ડિયન બુલિયન ઍન્ડ જ્વેલર્સ અસોસિએશન લિમિટેડ)

business news