23 April, 2025 07:00 AM IST | Mumbai | Gujarati Mid-day Correspondent
પ્રતીકાત્મક ફાઈલ તસવીર
૧૦ ગ્રામ પ્યૉર સોનાના ભાવમાં ગઈ કાલે ૧૬૫૦ રૂપિયાનો વધારો થવાથી સોનાના ભાવે વિક્રમ સરજ્યો હતો. મુંબઈ અને દિલ્હી સહિતનાં મહાનગરોમાં ગઈ કાલે ૧૦ ગ્રામ પ્યૉર સોનાનો ભાવ ગુડ્સ ઍન્ડ સર્વિસિસ ટૅક્સ (GST) સાથે ૧,૦૧,૪૫૫ રૂપિયા નોંધાયો હતો.
ઑલ ઇન્ડિયા સરાફા અસોસિએશનના જણાવ્યા મુજબ ૯૯.૯ ટકા પ્યૉર સોનાનો ૧૦ ગ્રામદીઠ ભાવ ૯૯,૮૦૦ રૂપિયા બંધ રહ્યો હતો, જ્યારે ૯૯.૫ ટકા પ્યૉર સોનાનો ભાવ ૯૯,૩૦૦ રૂપિયા રહ્યો હતો. આ ભાવમાં GST ઉમેરવામાં આવે તો ભારતના ઇતિહાસમાં પહેલી વખત સોનાનો એક તોલાનો ભાવ ૧,૦૧,૪૫૫ રૂપિયા થયો છે. આ સાથે આ ગયા વર્ષની ૩૧ ડિસેમ્બર બાદથી અત્યાર સુધી સોનાના ભાવમાં ૧૦ ગ્રામદીઠ ૨૦,૮૫૦ રૂપિયાનો વધારો નોંધાયો છે.
સોનાની સાથે ચાંદીના ભાવમાં પણ સોમવારે ૫૦૦ રૂપિયાનો વધારો થતાં કિલોદીઠ ભાવ ૯૮,૫૦૦ રૂપિયા થયો છે.